બોલિવૂડ એક્ટર અમિતાભ બચ્ચનની પુત્રી શ્વેતા નંદાના પતિ અને કપૂર પરિવારના સભ્ય નિખિલ નંદા માટે કાનૂની મુશ્કેલીઓ ઊભી થઈ છે. નિખિલ એસ્કોર્ટ્સ કુબોટા લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર છે. તેના પર આત્મહત્યા માટે ઉશ્કેરણીનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ કેસ ઉત્તર પ્રદેશના બદાયૂં જિલ્લામાં એક ટ્રેક્ટર એજન્સી ડીલરની આત્મહત્યાનો છે. આ કેસમાં નિખિલ નંદા સહિત નવ લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. નિખિલ નંદા પર આત્મહત્યા માટે ઉશ્કેરણીનો આરોપ
ફરિયાદી જ્ઞાનેન્દ્ર સિંહે આરોપ લગાવ્યો હતો કે તેમના ભાઈ જીતેન્દ્ર સિંહ, જે દાતાગંજમાં ‘જય કિસાન ટ્રેડર્સ’ નામની ટ્રેક્ટર એજન્સી ચલાવતા હતા, તેમના પર કંપનીના અધિકારીઓ દ્વારા ટ્રેક્ટરનું વેચાણ વધારવા માટે ભારે દબાણ કરવામાં આવ્યું હતું. આ અધિકારીઓમાં એરિયા મેનેજર આશિષ બાલિયાન, સેલ્સ મેનેજર સુમિત રાઘવ, યુપી હેડ દિનેશ પંત, ફાઇનાન્સિયલ કલેક્શન ઓફિસર પંકજ ભાસ્કર, સેલ્સ લીડર નીરજ મહેરા, શાહજહાંપુરના ડીલર શિશાંત ગુપ્તા અને નિખિલ નંદાનો સમાવેશ થાય છે. એવો આરોપ છે કે આ અધિકારીઓએ જીતેન્દ્રને ધમકી આપી હતી કે જો સેલ્સમાં સુધારો નહીં થાય તો તેમની એજન્સી બંધ કરી દેવામાં આવશે. આ દબાણને કારણે, જીતેન્દ્ર ડિપ્રેશનમાં ગયો અને 22 નવેમ્બર 2024ના રોજ આત્મહત્યા કરી. કોર્ટના આદેશ બાદ નિખિલ નંદા પર કેસ નોંધાયો- પોલીસ
અગાઉ પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. બાદમાં, કોર્ટના હસ્તક્ષેપ બાદ, દાતાગંજ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ કૃષ્ણ કુમાર તિવારીએ જણાવ્યું હતું કે કોર્ટના આદેશ પર, નિખિલ નંદા સહિત તમામ આરોપીઓ સામે આત્મહત્યા માટે ઉશ્કેરણીનો કેસ નોંધવામાં આવ્યો છે. અમિતાભ બચ્ચનના જમાઈ અને રાજ કપૂરનો દોહિત્ર
અમિતાભ બચ્ચનના જમાઈ, નિખિલ નંદા, ભારતીય ઉદ્યોગમાં એક મોટું નામ છે. તે રાજ કપૂરનો દોહિત્ર અને ઋષિ કપૂર, રણધીર કપૂર, રાજીવ કપૂરનો ભત્રીજા છે તેમજ રણવીર કપૂર, કરીના કપૂરનો ફોઈનો છોકરો છે. તે દાદા-પિતા બાદ 1997માં એસ્કોર્ટ્સ લિમિટેડમાં જોડાયો અને 2018માં તેમના પિતા રાજન નંદાના અવસાન પછી ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકેનો કાર્યભાર સંભાળ્યો. તેમના નેતૃત્વ હેઠળ, કંપનીએ 2022માં તેનું નામ બદલીને એસ્કોર્ટ્સ કુબોટા લિમિટેડ રાખ્યું, જે કૃષિ, બાંધકામ અને રેલ્વે સાધનોમાં વિશેષતા ધરાવે છે. હાલમાં આ મામલે તપાસ ચાલી રહી છે. નિખિલ નંદાએ 1997માં શ્વેતા બચ્ચન સાથે લગ્ન કર્યા
1997માં નિખિલ નંદાએ શ્વેતા બચ્ચન સાથે લગ્ન કર્યા હતાં. શ્વેતા બચ્ચન અને નિખિલ નંદાના લગ્ન સૌથી ભવ્ય લગ્ન પ્રસંગમાના એક હતા. આ લગ્ન બાદ દેશના બે સૌથી પ્રતિષ્ઠિત પરિવારો એક થયા, જેમાં બચ્ચન પરિવાર ફિલ્મી વારસાને સાચવવા અને નંદા પરિવાર બિઝનેસ જગતમાં ખૂબ જ પ્રખ્યાત છે.