back to top
HomeભારતEDITOR'S VIEW: નાસભાગની ઘટના છુપાવવા સરકારની 'દોડાદોડી’:મહાકુંભ અને દિલ્હીની ભીડ મેનેજમેન્ટમાં કાચું...

EDITOR’S VIEW: નાસભાગની ઘટના છુપાવવા સરકારની ‘દોડાદોડી’:મહાકુંભ અને દિલ્હીની ભીડ મેનેજમેન્ટમાં કાચું ક્યાં કપાયું?, મૃતકોના આંકડા છુપાવવા પાછળ ક્યું ગણિત છે?

બિહારની ટ્રેનમાં ચડી રહેલી મેદનીનાં દૃશ્યો જોઈને દિલ્હીની નાસભાગનું કારણ મળી જાય એવું છે. મહાકુંભમાં જવા માટે મહિલાઓ રીતસર ધક્કામુક્કી કરીને ટ્રેનમાં જગ્યા કરવા પડાપડી કરે છે. આવી ઘટનાઓમાંથી જ મોટી નાસભાગ જેવી ઘટનાઓ સર્જાય છે. 15 ફેબ્રુઆરીએ ન્યૂ દિલ્હી રેલવે સ્ટેશન પર આવી જ ઘટના બની. નાસભાગમાં 18નાં મોત થયાં ને 30 ઘાયલ થયાં. આ પહેલાં 29 જાન્યુઆરીએ મહાકુંભમાં મધરાત્રે નાસભાગની ઘટનામાં 30નાં મોત થયાં ને 60 ઘવાયા. એક વાત ફેલાય કે એક અફવા ફેલાય ને નાસભાગ થાય છે. નાસભાગમાં લોકો દબાય છે, પણ હવે જાણે નવી પેટર્ન સામે આવી રહી છે કે નાસભાગની ઘટનાને જ દબાવી દેવાય છે. નમસ્કાર, નાસભાગની બે મોટી ઘટનામાં એવું જ થયું. મહાકુંભમાં રાત્રે અઢી વાગ્યે નાસભાગ થઈ, એ ઘટનાને દબાવી દેવાની પૂરતી કોશિશ થઈ હતી, પણ ભાસ્કરના પત્રકારો ત્યાં હાજર હતા એટલે સત્ય ઉજાગર થઈ શક્યું. દિલ્હીની ઘટનામાં પણ નાસભાગના સીસીટીવી ફૂટેજ સીલ કરી દેવાયા છે. હકીકતમાં નાની નાની વાત છુપાવવાની શરૂઆત ગુજરાતમાં થઈ હતી. ગુજરાતમાં એવી ઘટનાઓ બની હતી કે એને છુપાવવાની કે દબાવવાની કોશિશ થઈ હોય. ચાર વર્ષ પહેલાં બોટાદનો લઠ્ઠાકાંડ થયો ત્યારે તેના લેબ ટેસ્ટમાં ઈથેનોલ મળ્યું હતું છતાં કેમિકલ વધારે હોવાનું કારણ આગળ ધરીને લઠ્ઠાકાંડ છુપાવવાની કોશિશ થઈ હતી. મહાકુંભની ઘટનાને દબાવવાનો પ્રયાસ કેવી રીતે થયો હતો? મહાકુંભમાં સવારે અમૃત સ્નાન થવાનું હતું. એ પહેલાં રાતના સમયે બધા શ્રદ્ધાળુઓ સૂતા હતા. પોલીસે પહેલ કરી કે આટલી ભીડ કરીને અહીં સૂવો નહીં. નાસભાગ થવાની સંભાવના છે. એવામાં કોઈએ વાત ફેલાવી કે ઘણા બધા સાધુઓ આ તરફ સ્નાન કરવા આવી રહ્યા છે અને આપણને સ્નાન કરવાની તક નહીં મળે. આ વાતથી લોકો બીજી દિશામાં પોતાની જગ્યા માટે દોડ્યા. એમાં એકબીજા પર લોકો દબાયા. જે પુલ પરથી લોકો જઈ શકતા હતા એ બંધ રખાયો હતો એમાં સ્થિતિ વધારે વણસી. રાતના સમયે આ સ્થળે કોઈ મીડિયા હાજર હોય નહીં એવું માનીને પોલીસતંત્રે ઘટનાને દબાવવાની પૂરી કોશિશ કરી, પણ ભાસ્કરના પત્રકારોની ટીમ સ્થળ પર હાજર હતી અને આ આખી ઘટનાનું સત્ય સામે આવ્યું. ખાસ કરીને યુપી સરકાર આ ઘટનામાં મૃતકોના આંકડા છુપાવવાનો પ્રયાસ કરતી હતી. મહાકુંભની નાસભાગમાં શું ભૂલ થઈ? દિલ્હી રેલવે સ્ટેશને શું ઘટના બની હતી? નવી દિલ્હી સ્ટેશન પર 15 ફેબ્રુઆરીના રોજ રાત્રે 9 વાગ્યા આસપાસ પ્રયાગરાજ તરફ જઈ રહેલી ટ્રેનોની પ્રવાસીઓ રાહ જોઈને ઊભા હતા. આમાં બે વાત સામે આવે છે. એક, એવું એનાઉન્સમેન્ટ થયું કે પ્રયાગરાજ જતી ટ્રેનોમાં પ્રયાગરાજ સ્પેશિયલ ટ્રેન, ભુવનેશ્વર રાજધાની અને સ્વતંત્ર સેનાની એક્સપ્રેસ, ત્રણેય પ્રયાગરાજ આવવાની હતી. બે ટ્રેન ભુવનેશ્વર રાજધાની અને સ્વતંત્ર સેનાની મોડી પડી હતી. પ્લેટફોર્મ 14 પર આ ત્રણેય ટ્રેનની ભીડ હતી. જ્યારે પ્રયાગરાજ સ્પેશિયલ ટ્રેન અહીં પહોંચી ત્યારે જાહેરાત કરવામાં આવી કે ભુવનેશ્વર રાજધાની પ્લેટફોર્મ નંબર 16 પર આવી રહી છે. આ સાંભળીને 14 પર હાજર ભીડ 16 તરફ દોડી ગઈ અને 16 નંબરના પ્લેટફોર્મની ભીડ 14 તરફ દોડી. બંને ભીડ ભેગી થઈ એટલે લોકો કચડાયા. દિલ્હી સ્ટેશનની નાસભાગમાં શું ભૂલ થઈ? CPROએ તો કહી દીધું કે કોઈ નાસભાગ નથી થઈ રાત્રે 9:26 વાગ્યે ઘટના બની એના 1 કલાક 50 મિનિટ પછી રાત્રે 11:11 વાગ્યે ન્યૂઝ એજન્સી ANIએ નોર્થ રેલવેના CPROને ટાંકીને જણાવ્યું હતું કે નવી દિલ્હી રેલવે સ્ટેશન પર કોઈ ભાગદોડ થઈ નથી. આ એક અફવા છે, જોકે આ પોસ્ટ પાછળથી ડિલિટ કરી નાખવામાં આવી હતી. રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવે બે ટ્વીટ કર્યાં, પણ મૃત્યુ વિશે કાંઈ લખ્યું નહીં. એટલું લખ્યું કે ઘાયલોને હોસ્પિટલે લઈ જવામાં આવ્યા છે. દિલ્હીના LG વિનય સક્સેનાએ ટ્વીટ કરીને લખ્યું હતું કે આ ઘટનામાં જાનહાનિથી મને દુ:ખ થયું છે, જોકે અડધા કલાકમાં તેમણે આ ટ્વીટ ડિલિટ કરી નાખ્યું હતું. મોડીરાત્રે 1 વાગ્યે રેલમંત્રીએ ટ્વીટ કર્યું એમાં મોત થયાં હોવાનો સ્વીકાર કર્યો હતો. રેલવે અધિકારીઓએ જણાવ્યું- મુસાફરો સીડી પર લપસી ગયા એના કારણે દુર્ઘટના થઈ, ઉત્તર રેલવેના અધિકારી હિમાંશુ શેખર ઉપાધ્યાયે મીડિયાને જણાવ્યું હતું કે ગઈકાલે જ્યારે આ દુ:ખદ ઘટના બની ત્યારે પટના તરફ જતી મગધ એક્સપ્રેસ નવી દિલ્હી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 14 પર ઊભી હતી અને જમ્મુ તરફ જતી ઉત્તર સંપર્ક ક્રાંતિ પ્લેટફોર્મ નંબર 15 પર ઊભી હતી. આ દરમિયાન પ્લેટફોર્મ 14-15 તરફ આવી રહેલો એક મુસાફર સીડી પરથી લપસીને નીચે પડી ગયો તથા તેની પાછળ ઊભેલા ઘણા મુસાફરો તેની ચપેટમાં આવી ગયા ને આ દુ:ખદ ઘટના બની. કોઈ ટ્રેન રદ કરવામાં આવી નહોતી કે પ્લેટફોર્મમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યા નહોતા. રેલવેએ નિયમ બહાર જઈને મૃતકોના પરિવારને 10-10 લાખ કેશ આપ્યા નવી દિલ્હી રેલવે સ્ટેશને નાસભાગમાં રેલવે નિયમ બહાર જઈને મૃતકોનાં પરિવારજનોને 10-10 લાખ રોકડા સહાયરૂપે આપ્યા. રેલવે મંત્રાલયે 2023માં એક માર્ગદર્શિકા બહાર પાડી હતી. માર્ગદર્શિકા અનુસાર, રેલવે ‘તાત્કાલિક રાહત’ માટે 50,000 રૂપિયા રોકડા આપી શકે છે. બાકીની રોકડ રકમ ચેક, RTGS, NEFT અથવા અન્ય પદ્ધતિઓ દ્વારા ચૂકવી શકાશે. પણ પહેલા દિવસે ભારતીય રેલવેએ તમામ 18 મૃતકના પરિવારોને 10 લાખ રૂપિયાની સહાય આપી હતી. ગંભીર રીતે ઘાયલ થયેલા મુસાફરોને 2.5 લાખ રૂપિયા અને સામાન્ય રીતે ઘાયલ થયેલા મુસાફરોને 1 લાખ રૂપિયાનું વળતર કેશમાં આપવામાં આવ્યું હતું. ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, મૃતકોનાં પરિવારજનોને રોકડ રકમ સોંપ્યા પછી રેલવે અધિકારીઓએ સુરક્ષાકર્મચારીઓને પણ તહેનાત કર્યા, જેથી રોકડ રકમ સુરક્ષિત રીતે ઘરે પહોંચાડી શકાય. વિપિન કુમાર ઝાએ ભાગદોડમાં તેમની પત્ની મમતા ઝાને ગુમાવી દીધી હતી, તેમણે ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે તેમની પત્નીનો મૃતદેહ તેમને સોંપવામાં આવ્યા બાદ તેમને 10 લાખ રૂપિયા રોકડા પણ આપવામાં આવ્યા હતા. અધિકારીઓએ મને એમ પણ કહ્યું કે જો મને પૈસા ઘરે લઈ જવા માટે સુરક્ષાની જરૂર હોય તો તેઓ RPF કોન્સ્ટેબલોને તહેનાત કરશે. મેં તેમને કહ્યું કે મને કોઈ સુરક્ષાની જરૂર નથી, કારણ કે હું દિલ્હીમાં રહું છું. તેમણે એમ પણ કહ્યું કે 10 લાખ રોકડા આપ્યા તોય શું? હવે મારી પત્ની તો પાછી નહીં આવે ને? છેલ્લે, દિલ્હીમાં મુખ્યમંત્રીના ચહેરા માટે ભાજપમાં નાસભાગ થઈ રહી છે. બે દિવસમાં ખબર પડી જશે કે કયા ધારાસભ્યોની આશા કચડાઈ છે. સોમવારથી શુક્રવાર સુધી રાત્રે 8 વાગ્યે જોતા રહો એડિટર્સ વ્યૂ… (રિસર્ચ : યશપાલ બક્ષી )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments