શહેરના જાણીતા સનસીટી ગ્રુપના બિલ્ડિર સમીર શાહ રવિવારે સવારે ઋષીકેશ ગંગા નદીમાં ડૂબકી લગાવતી વખતે પગ લપસતા તણાઇ ગયા હતા. જેથી ગંગા નદીમાં એસડીઆરએફ પૂર ટીમ દ્વારા તેઓની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન તેઓનો મૃતદેહ સોમવારે સવારે મળી આવ્યો હતો. સનસીટી ગ્રુપના બિલ્ડર સમીર શાહ તેમના પરીવાર સાથે ઋષિકેષ ખાતે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે ગયા હતા. લગ્ન પ્રસગ બાદ તેઓ. દેવપ્રયાગ સંગમ ખાતે ગંગા નદીમાં સ્નાન કરવા માટે ગયા હતા. જોકે ઘાટ પર તેઓને પગ લપસતા તેઓ તણાઈ ગયા હતા. તેમની સાથે તેમના મિત્રે તેઓને બચાવવાનો પ્રયાસ પણ કર્યો હતો, જોકે ગંગા નદીમાં પ્રવાહ વધુ હોવાને કારણે તે તણાઈ ગયા હતા. ગંગા નદીમાં એસડીઆરએફની ટીમે સર્ચ ઓપરેશન કર્યું હતું. જેમાં એસડીઆરએફની ટીમને દેવપ્રયાગ સંગમ ખાતે આવેલા ત્રિવેણી ઘાટ નજીક સાંઈ ઘાટ પાસેથી સમીર શાહનો મૃતદેહ મળી આવ્યો હતો. જેથી પરીવાર સમીર શાહનો મૃતદેહ એર એમ્બ્યુલન્સ દ્વારા સોમવારે મોડી રાત્રે વડોદરા લવાયો હતો. મંગળવારે તેઓના અંતિમ સંસ્કાર વડીવાડી સ્મશાન ખાતે કરવામાં આવશે. NDRF-SDRFએ 5થી 10 કિલોમીટર સુધી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું
ઘટનાની જાણ એનડીઆરએફ અને એસડીઆરએફને કરવામાં આવી હતી. બંન્ને કંપનીની ટીમોએ ઘાટ પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ટીમે નદીમાં 5થી 10 કિલોમીટર સુધી સર્ચ ઓપરેશન કર્યું હતું. જોકે વહેણ વધારે હોવાને કારણે બિલ્ડર મળી આવ્યા નહોતા. બિલ્ડરના પુત્રને ઘટનાની જાણ થતાં તેઓ ઋષિકેશ પહોંચી ગયા હતા. રવિવારે જ સઘન શોધખોળ કરવા છતાં ટીમોને બિલ્ડરનો પતો લાગ્યો ન હતો
એસડીઆરએફની ટીમ દ્વારા સતત નદીમાં સમીર શાહને શોધવા માટેની કામગીરી કરવામાં આવી રહી હતી. જોકે રવિવારે મોડી રાત સુધી પણ તેઓ મળી આવ્યા નહોતા. જેથી સોમવારે સવારે ફરી નદીમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે આ દરમિયાન તેઓનો મૃતદેહ સાંઈ ઘાટની નજીકથી મળી આવ્યો હતો.