અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદથી ડોનાલ્ડ ટ્રમ્પ ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સને લઈને કડક વલણ અપનાવી રહ્યા છે. ભારત સહિત ઘણા દેશોમાંથી ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સને તેમના દેશોમાં મોકલવામાં આવ્યા છે.
ટ્રમ્પે અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા પ્રવાસી ભારતીયોનાં ત્રણ વિમાન ભારત મોકલ્યાં છે. હાથકડીથી બાંધેલા આ ભારતીયોના ફોટા અને વીડિયો બાબતે હોબાળો પણ થયો હતો. આ દરમિયાન, વ્હાઇટ હાઉસે હાથકડી પહેરેલા ગેરકાયદે ઇમિગ્રન્ટ્સનો નવો વીડિયો પોસ્ટ કર્યો છે. વ્હાઇટ હાઉસના ઓફિશિયલ પેજ પર પોસ્ટ કરાયેલા 41 સેકન્ડના આ વીડિયોમાં જોઈ શકાય છે કે ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સને દેશનિકાલ માટે તૈયાર કરવામાં આવી રહ્યા છે. એક પોલીસ અધિકારી ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સને ડિપોર્ટ કરવાની તૈયારી કરતા દેખાય છે. વીડિયોમાં જોઈ શકાય છે કે આ અધિકારી તે વ્યક્તિને હાથકડી પહેરાવે છે. એરપોર્ટ પર હાથકડી અને સાંકળો બાંધીને લઈ જવાતા દેખાય છે. જો કે આ વીડિયોમાં જે વ્યક્તિને ડિપોર્ટ કરવામાં આવી રહ્યો છે તેનો ચહેરો બતાવવામાં આવ્યો નથી, પરંતુ તેના હાથ અને પગમાં બેડીઓ જોઈ શકાય છે. એક બીજી ક્લિપમાં એક વ્યક્તિ પ્લેનમાં ચડતો દેખાય છે. તેના પગમાં બેડીઓ બાંધેલી છે. 5 ફેબ્રુઆરીએ ગેરકાયદેસર પ્રવાસી ભારતીયોનું વિમાન અમૃતસર પહોંચ્યું હતું ગેરકાયદેસર ભારતીય ઈમિગ્રન્ટ્સને લઈને અમેરિકન સેનાનું પહેલું વિમાન 5 ફેબ્રુઆરીએ ભારત પહોંચ્યું હતું. અમેરિકન C-147 પ્લેનમાંથી પ્રથમ વખત ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સનું જૂથ ભારત પહોંચ્યું હતું. આ વિમાનમાં 104 ભારતીયો સવાર હતા. આ પ્લેન અમૃતસર એરપોર્ટ પર લેન્ડ થયું હતું. વિમાનમાં કુલ 104 ભારતીયો હતા, જેમાં 79 પુરુષો અને 25 મહિલાઓ હતી. અમેરિકાથી ડિપોર્ટ કરવામાં આવેલ ભારતીયો મેક્સિકો-યુએસ બોર્ડર પરથી પકડાયા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ કાયદેસર રીતે ભારતથી ગયા હતા પરંતુ તેઓએ ડંકી રૂટથી અમેરિકામાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. આ પ્લેનમાં પંજાબના 30, હરિયાણાના 33, ગુજરાતના 33, મહારાષ્ટ્રના 3, ઉત્તર પ્રદેશના 3 અને ચંદીગઢના 2 લોકો હતા. અમેરિકામાં ગેરકાયદે રહેતા ભારતીયોને લઈને યુએસ એરફોર્સના C-17 ગ્લોબમાસ્ટર એરક્રાફ્ટે ટેક્સાસ નજીકના યુએસ મિલિટરી બેઝ પરથી ઉડાન ભરી હતી. બીજું વિમાન 15 ફેબ્રુઆરીએ અમૃતસર પહોંચ્યું હતું યુએસમાંથી દેશનિકાલ કરાયેલા 120 ગેરકાયદેસર ભારતીય ઈમિગ્રન્ટ્સને લઈને એક વિશેષ વિમાન 15 ફેબ્રુઆરીની મોડી રાત્રે અમૃતસર એરપોર્ટ પર ઊતર્યું હતું. જેમાંથી 60થી વધુ પંજાબના અને 30થી વધુ હરિયાણાના લોકો હતા. અન્ય લોકો ગુજરાત, ઉત્તર પ્રદેશ, ગોવા, મહારાષ્ટ્ર, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરના હતા. ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસેલા ભારતીયોનું આ બીજું જૂથ હતું, જેમને ટ્રમ્પ પ્રશાસન દ્વારા ડિપોર્ટ કરવામાં આવ્યા હતા. બીજા દિવસે, 16 ફેબ્રુઆરીએ, ગેરકાયદે ભારતીય ઈમિગ્રન્ટ્સને લઈને અમેરિકાનું ત્રીજું વિમાન પણ અમૃતસર પહોંચ્યું. આ પ્લેનમાં 112 ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ હતા, જેમને અમેરિકાથી ડિપોર્ટ કરવામાં આવ્યા હતા. જણાવીએ કે ટ્રમ્પ સરકાર ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સને લઈ જવા માટે સૈન્ય વિમાનનો ઉપયોગ કરી રહી છે. આ પહેલાં ગ્વાટેમાલા, પેરુ અને હોન્ડુરાસમાં પણ અમેરિકન મિલિટરી પ્લેન દ્વારા ગેરકાયદે પ્રવાસીઓને મોકલવામાં આવ્યા હતા. અમેરિકન ઇતિહાસનો સૌથી મોટો ડિપોર્ટેશન પ્રોગ્રામ ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા કે તરત જ તેમણે અમેરિકન ઈતિહાસનો સૌથી મોટો ડિપોર્ટેશન પ્રોગ્રામ શરૂ કર્યો. આ પ્રોગ્રામ હેઠળ ટ્રમ્પે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને તેમના દેશમાં મોકલવાની કવાયત શરૂ કરી છે.
ગયા અઠવાડિયે બ્લૂમબર્ગે તેના અહેવાલમાં જણાવ્યું હતું કે ભારત અને અમેરિકાએ ગેરકાયદેસર રીતે ભારતમાં આવેલા લગભગ 18,000 ભારતીયોની ઓળખ કરી છે, જેઓ ગેરકાયદેસર રીતે અમેરિકામાં રહે છે.