back to top
Homeદુનિયારાજકારણી કાશ પટેલ: મોટેલ વિનાનો અમેરિકન પટેલ:સેનેટ હિયરિંગમાં જય શ્રી કૃષ્ણ કહીને...

રાજકારણી કાશ પટેલ: મોટેલ વિનાનો અમેરિકન પટેલ:સેનેટ હિયરિંગમાં જય શ્રી કૃષ્ણ કહીને માતા-પિતાને પગે લાગ્યા હતા

અમેરિકામાં 20મી જાન્યુઆરી, 2025 એ નવા રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તખ્તનશીન થઇ ગયા છે અને વિશ્વ આખાની નજર ત્યારથી નવા પ્રમુખની હિલચાલ પર છે. કારણ કે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ ધ અમેરિકામાં જે પણ થાય એની અસર આખા વિશ્વ પર પડતી હોય છે. એમાંય હમણાં ગયા અઠવાડિયે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકામાં વ્હાઇટ હાઉસની મુલાકાતે આવીને ગયા અને ફરી એક વખત ભારતના વડાપ્રધાન અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખના સંબંધોની ચર્ચા ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં ચાલી રહી છે! અને વેલ, આ લખાઇ રહ્યું છે એના થોડા કલાકો પહેલા બીજા એક ગુજરાતી પણ અમેરિકાના રાજકારણમાં ચર્ચામાં આવી ગયા છે અને એ અમેરિકન ગુજરાતી છે-કાશ પટેલ. કાશ પટેલ ઇતિહાસ સર્જવા જઇ રહ્યા છે
હા, કાશ પટેલના હુલામણા નામથી ઓળખાતા કશ્યપ પ્રમોદ વિનોદ પટેલ એક ઇતિહાસ સર્જવા જઇ રહ્યા છે. યુએસ સેનેટે મંગળવારે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કટ્ટર સાથી અને સૌથી અગ્રણી એવી યુએસની મહત્વની FBI એજન્સીને ચલાવવા માટે બ્યુરોના ટીકાકાર તરીકે કાશ પટેલના નામાંકનને આગળ ધપાવવા માટે મત આપ્યો છે! જો આમ થશે તો કાશ પટેલ અમેરિકાના ઇતિહાસમાં FBIના ભારતીય મૂળના પહેલા ડિરેક્ટર હશે! માત્ર 44 વર્ષના ગુજરાતી મૂળના કાશ પટેલ ખૂબ પ્રભાવશાળી પોલિટિકલ પોર્ટફોલિયો તો ધરાવે જ છે પણ એમની વ્યક્તિગત અને સામાજિક જિંદગી પણ ખૂબ રસપ્રદ છે અને અમુક રીતે વિવાદાસ્પદ પણ. કાશ પટેલનું વડોદરા અને વિદ્યાનગર કનેક્શન
આપણે ગુજરાતીઓ ભડભડિયા કહેવાઇએ પણ વિશ્વભરમાં નામાંકિત એવા અમેરિકન પત્રકારો પણ અમેરિકન વકીલ અને ભૂતપૂર્વ પબ્લિક પ્રોસિક્યુટર એવા કાશ પટેલ નામના ગુજરાતીની વ્યક્તિગત જિંદગીના ગઢનો કાંકરો પણ ખેરવી નથી શક્યા! એ પરિણીત છે કે નહીં એના વિશે મતમતાંતરો ચાલે છે. અમેરિકન ગુજરાતી એવા કાશ પટેલનો જન્મ ન્યૂયોર્કના ગાર્ડન સિટીમાં થયો હતો. તેમના માતા-પિતા મૂળ ગુજરાતના. જો કે તેમના કુટુંબે શરૂઆત તો યુગાન્ડામાં 1970 થી કરી હતી પણ પછી તેઓ કેનેડા ગયા. તે દેશમાં તેઓને વંશીય સતાવણીનો સામનો કરવો પડ્યો. ત્યારબાદ, પટેલના પિતાએ ઉડ્ડયન કંપનીમાં નાણાંકીય અધિકારી તરીકે નોકરી મેળવી હોવાથી, આખો પરિવાર યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં આવી ગયો અને અહીં સ્થાયી થયો. મોટેલ નહીં ધરાવતા એવા આ પટેલ યુનિવર્સિટી ઓફ રિચમન્ડમાંથી હિસ્ટ્રી અને ક્રિમિનલ જસ્ટિસમાં ડિગ્રી ધરાવે છે અને પેસ યુનિવર્સિટી સ્કૂલ ઓફ લોમાંથી જેડી (LLBની અમેરિકન સમકક્ષ) ડિગ્રી ધરાવે છે. ગુજરાતના વડોદરા અને વિદ્યાનગરમાં મૂળ ધરાવતા કાશ પટેલના માતા કે પિતા પક્ષે કોઇ રાજકારણમાં નથી અને એ ફક્ત અને ફક્ત એમની લાયકાત અને આવડતના જોરે અમેરિકન રાજકારણમાં અહીં સુધી પહોંચ્યા છે. કાશ પટેલને શિવજી, ગણેશજી અને હનુમાનજીમાં આસ્થા
વિદ્યાનગરમાં રહેતા તેમના કાકાના જણાવ્યા મુજબ, કશ્યપ પટેલ ભગવાન શિવજી, ગણેશજી અને હનુમાનજીના નિષ્ઠાવાન અનુયાયી છે, તેઓ અવારનવાર ભારતની મુલાકાત લે છે. તેમની પાસે તેમના વોશિંગ્ટન ડીસી નિવાસસ્થાનમાં એક નિયુક્ત મંદિરની જગ્યા છે, જ્યાં તેઓ પ્રાર્થના કરે છે. જ્યારે તેઓ વૈશ્વિક સ્તરે કાશ તરીકે ઓળખાય છે. પરિવારમાં તેમને પ્રેમથી કશ્યપ તરીકે ઓળખવામાં આવે છે અને લંડનમાં રહેતી તેમની બહેન નિશાની તેઓ ખાસ્સા નજીક છે. 30 મિલિયન ડોલરની નેટવર્થ
ગુજરાતી તરીકે થોડા અલગ તરી આવતા કાશ પટેલની અંદાજિત નેટવર્થ 30 મિલિયન ડોલર છે. પ્રખર ઓટોમોબાઈલ કલેક્ટર, તેઓ ટેસ્લા અને મર્સિડીઝ એસ-ક્લાસની સાથે તાજેતરમાં હસ્તગત લેમ્બોર્ગિની ઉરુસ સહિત પંદરથી વધુ લક્ઝરી અને વિન્ટેજ વાહનોની માલિકી ધરાવે છે. તેના વેલ્થ પોર્ટફોલિયોમાં ટેસ્લા શેરોમાં 7 મિલિયન ડોલરનો પણ સમાવેશ થાય છે અને તેણે બિટકોઇન ટ્રેડિંગ દ્વારા નોંધપાત્ર કમાણી કરી છે. જાન્યુઆરી 2024માં, પટેલે ફોક્સ ન્યૂઝના હોસ્ટ બ્રેટ બેયર પાસેથી ફ્લોરિડામાં ચાર બેડરૂમનું વૈભવી મેન્શન ખરીદ્યું. માતા-પિતાને પગે લાગીને લાખો લોકોનું દિલ જીતી લીધું
વેલ, જે હોય તે પણ સેનેટમાં હિયરીંગ પહેલાં તેમના માતા અંજના પટેલ અને પિતા પ્રમોદ પટેલને જય શ્રી કૃષ્ણ કહીને પગે લાગતાં અને લાખો ગુજરાતીઓનું દિલ જીતી લેતા, કાશ પટેલ, જો પરિણીત ન હોય તો અત્યારે અમેરિકાના મોસ્ટ એલિજિબલ ગુજરાતી બેચલરમાં મોખરાનું સ્થાન ચોક્કસ લઇ શકે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments