ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એસએસસી અને એચએસસી બોર્ડની પરીક્ષા આગામી તારીખ 27ના રોજ શરૂ થનાર છે. ત્યારે વડોદરા શહેરમાં રાત્રિ દરમિયાન અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ધ્વનિ પ્રદૂષણના કારણે અભ્યાસમાં મુશ્કેલીઓ ઉભી થાય છે. વડોદરા પોલીસ કંટ્રોલરૂમમાં આ અંગેના રાત્રિના દસ વાગ્યા પછી કોલ મળી રહ્યા છે, ત્યારે આવા પ્રદૂષણ સામે પોલીસ કાર્યવાહી કરે તેવી માગ ઊઠી છે. કમિશનરના જાહેરનામું છતા પોલીસની કાર્યવાહી નહિ
વડોદરા સહિત રાજ્યમાં રાત્રિના દસ વાગ્યા બાદ લાઉડ સ્પીકર અને મોટા અવાજ કરતા ડીજે સામે પ્રતિબંધ હોવા છતાં શહેરમાં ઠેર-ઠેર ડીજે વાગતા હોય છે. આમ તો શહેર પોલીસ કમિશનરનું જાહેરનામું હોય છે. છતાં પણ શહેરમાં અનેક પોલીસ મથકોની પાસે ડીજે મોટા અવાજે વાગતા હોય છે અને પોલીસ કોઈ કાર્યવાહી કરતી નથી. આખરે હેરાન થતા નાગરિકો અને પરીક્ષા આપનાર પરીક્ષાર્થીઓના વાલીઓ કંટ્રોલ રૂમમાં કોલ કરી જાણકારી આપે, બાદમાં પોલીસ પહોંચી ડીજે બંધ કરાવે છે. પોલીસ જાય ત્યારે ફરી ડીજે શરૂ થઈ જતાં હોય છે. પોલીસ કંટ્રોલ રૂમની માહિતી આપવામાં આનાકાની
આ અંગે અમે વડોદરા પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક કર્યો હતો અને જાણવાનો પ્રયાસ કર્યો કે, આ ધ્વનિ પ્રદૂષણના કારણે કેટલા કોલ મળે છે. ત્યારે અમને પહેલા તો માહિતી આપવા માટે આનાકાની કરવામાં આવ્યા બાદમાં માત્ર બે દિવસની માહિતી અપાઈ હતી. જેમાં 36 અને 40 કોલ કંટ્રોલ રૂમમાં મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક માસથી ઠેર-ઠેર લગ્ન પ્રસંગો ચાલી રહ્યા છે. ત્યારે આવા અનેક કોલ વડોદરા પોલીસ કંટ્રોલરૂમમાં મળી રહ્યા છે. ત્યારે સ્થાનિક પોલીસ કાર્યવાહી કરવાના બદલે કંટ્રોલરૂમમાંથી કોલ મળે તેની રાહ જોતી હોય તેવું લાગી રહ્યું છે. આગામી દિવસોમાં ધોરણ 10 અને 12ની પરીક્ષા શરૂ થાય છે, ત્યારે સ્થાનિક પોલીસ આવા તત્વો સામે યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે. પરીક્ષાને એક અઠવાડિયું જ બાકીઃ શિક્ષણવિદ
આ અંગે સ્કૂલના આચાર્ય અને શિક્ષણવિદ પરેશ શાહે જણાવ્યું હતું કે, ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા શરૂ થવાની માત્ર એક અઠવાડિયાનો સમય બાકી છે. આમ જોવા જઈએ તો જે વિદ્યાર્થીઓએ અત્યાર સુધી આખા વર્ષમાં જે મહેનત કરી છે અને છેલ્લા દિવસો બાકી છે. ત્યારે આવા સમયની અંદર લગ્નગાળાની સિઝન છે. એ સિવાય ઉત્સવની અંદર ક્યાંકને ક્યાંક લોકો સંકળાયેલા હોય છે. ‘ડીજે વગાડવામાં ધાર-ધોરણનો કોઈ અમલ થતો નથી’
વધુમાં કહ્યું કે, આવા સમયની અંદર વડોદરા શહેર હોય કે ગુજરાત રાજ્યના પોલીસ વિભાગ એમના તરફથી 10:00 વાગ્યાનો એક સમય મર્યાદા નક્કી કરાયેલ છે. છતાં પણ 10 વાગ્યા સિવાય કેટલા અવાજથી ડીજે વગાડવામાં આવે છે અને ધાર ધોરણનો ક્યાં કોઈ અમલ થતો નથી. મોડી રાત સુધી ડીજે વાગતા હોય છે. તેમાં ખાસ કરીને વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરની બહાર જ્યાં વધારે પાર્ટી પ્લોટ આવેલા છે. તે રહેણાંક વિસ્તારો છે, એની અંદર જે વિદ્યાર્થીઓ મોડી રાત સુધી વાંચતા હોય છે અને મોટાભાગનું એવું હોતું હોય છે કે, વિદ્યાર્થીઓને રાત્રે શાંત વાતાવરણની અંદર વાંચવાનું બહુ જ અનુકૂળ હોય છે. પોલીસ પરીક્ષાર્થીઓને મદદરૂપ થાય તેવી અપીલ
વધુમાં કહ્યું કે, એવા સમયની અંદર આ અવાજનું એક પ્રદૂષણ વિદ્યાર્થીને ભણવામાં ક્યાંક ખલેલ રૂપ થતું હોય છે. આપણા માધ્યમથી વડોદરા શહેર પોલીસ વિભાગ છે એનું વિનંતી કરું છું કે, આપના હદની અંદર જ્યાં જ્યાં પોલીસ સ્ટેશન છે કે જ્યાં જ્યાં આવા પાર્ટી પ્લોટ આવ્યા છે. ત્યાં થોડાક કડક પગલાં લેવામાં આવે અને જે પરીક્ષા આપનાર પરીક્ષાર્થીઓને આપણે જેટલા મદદરૂપ થઈ શકીયે તેટલા મદદરૂપ થઈ શકીયે.