મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ જૂનાગઢમાં યોજાનારા “મહાશિવરાત્રી મેળા” માટે ખાસ વ્યવસ્થા કરી છે. જે અંતર્ગત રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી બે જોડી ટ્રેનોમાં વધારાના જનરલ કોચ લગાવવામાં આવશે. જેમાં ટ્રેન નંબર 19119/19120 વેરાવળ- ગાંધીનગર કેપિટલ-વેરાવળમાં 22.02.2025થી 27.02.2025 સુધી અને ગાંધીનગર કેપિટલથી 23.02.2025 થી 28.02020 સુધી 2 વધારાના જનરલ કોચ લગાડવામાં આવશે. ઉપરાંત ટ્રેન નંબર 19207/ 19208 પોરબંદર-રાજકોટ-પોરબંદરમાં 22.02.2025 થી 27.02.2025 સુધી અને રાજકોટથી 22.02.2025 થી 27.05.2025 સુધી 2 વધારાના જનરલ કોચ લગાડવામાં આવશે. રેલ્વે સેફ્ટીમાં શ્રેષ્ઠ કામગીરી બદલ ડીઆરએમ દ્વારા રાજકોટ ડિવિઝનના 6 કર્મચારીઓનું સન્માન કરાયું
રાજકોટ રેલવે ડિવિઝનનાં 6 કર્મચારીઓનું રેલ્વે સેફ્ટીમાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ DRM અશ્વનીકુમાર દ્વારા ડીઆરએમ કચેરીનાં કોન્ફરન્સ રૂમમાં પ્રમાણપત્ર અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. આ એવોર્ડ રાજકોટ ડિવિઝનના ટ્રાફિક, વિદ્યુત વિભાગ (ટ્રેક્શન) અને એન્જિનિયરિંગ વિભાગના કર્મચારીઓને નવેમ્બર અને ડિસેમ્બર 2024માં રેલવે સુરક્ષામાં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ આપવામાં આવ્યો હતો. એવોર્ડ મેળવનારાઓમાં જયેશ વી (પોઈન્ટ્સમેન- ચમારજ), દિલીપ બી (પોઈન્ટ્સમેન-ચમારજ), નીતિશ કુમાર (પોઈન્ટ્સમેન- રાજકોટ), ધવલ વસોયા (સ્ટેશન માસ્તર- જાલિયાદેવાણી), ગુલશન કુમાર (ગેટમેન ગેટ નંબર 21) અને સંતલાલ (લોકો પાઇલોટ ગુડ્સ મોરબી)નો સમાવેશ થાય છે. ટ્રેનના સંચાલન દરમિયાન આ કર્મચારીઓએ ટ્રેનમાં અસાધારણતા જોયા, ટ્રેકમાં અસામાન્ય આંચકો અનુભવ્યો, રેલ ફ્રેક્ચર વગેરે નોંધ્યું હતું. કર્મચારીઓની સતર્કતા અને તકેદારીએ સંભવિત રેલ્વે અકસ્માતોને રોકવામાં મહત્વની ભૂમિકા ભજવી હોવાથી આ સન્માન કરવામાં આવ્યું હતું. મનપા સંચાલિત 364 આંગણવાડીમાં બાળ દિવસની અનોખી ઉજવણી કરાઈ
રાજકોટ મહાનગરપાલિકાનાં 364 આંગણવાડી કેન્દ્રો ખાતે થીમ બેઇઝ બાળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પ્રકૃતિ પરિચયના સમન્વય સાથે આંગણવાડીના બાળકો ઉત્સાહભેર આ બાળ દિવસની ઉજવણીમાં જોડાયા હતા. જેમાં આઇસીડીએસ વિભાગ ચેરમેન દિલીપભાઈ લુણાગરિયા, ડે.કમિશનર મહેશ જાની સહિતના હાજર રહ્યા હતા. આંગણવાડી કેન્દ્રો ખાતે અપાતી છ સેવાઓ પૈકી પ્રોજેક્ટ પા.. પા.. પગલીમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવામાં આવે છે. જે બાળકોનો જન્મદિવસ ફેબ્રુઆરી માસમાં આવે છે તે બાળકના જન્મ દિવસની ઉજવણી કેક કટીંગ કરીને કરવામાં આવી હતી. તેમજ બાળકોને પ્રકૃતિનો પરિચય થાય એ માટે આંગણવાડીના બાળકોને તા.18ના રોજ બાળકોના વાલીનાં સંમતીપત્રક સાથે રેસકોર્સ ઉપરાંત બાલભવન, આંગણવાડીથી નજીકના ગાર્ડન, તેમજ નજીકની વાડીઓમાં લઈ જઈને બાળકોને પ્રકૃતિ સાથે રમે- ખેલે અને કંઈક નવું જાણે એવા હેતુથી પ્રવાસનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આગામી 26 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રી નિમિતે કતલખાના બંધ રાખવા મનપાનો આદેશ
આગામી મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે તા. 26ને બુધવારના રાજકોટ મહાપાલિકાના સમગ્ર વિસ્તારમાં આવેલા તમામ પ્રકારના કતલખાનાઓ બંધ રાખવા આદેશ જાહેર કરવામાં આવ્યો છે. આ જાહેરનામાનો ભંગ કરનાર સામે જીપીએમસીની કલમ 329 અને 336 હેઠળ કોર્પો.ના બાયલોઝ હેઠળ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે. જેની તમામ સંબંધકર્તાઓએ નોંધ લેવા કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું છે. રાજકોટ મનપાનાં RRR કેન્દ્રોમાં 11374 પુસ્તક, 1069 રમકડા, બુટ, કપડાનું દાન મળ્યું
રાજકોટ મનપા દ્વારા બીજાના સુખે સુખી થવાના હેતુ સાથે શહેરમાં પાંચ સ્થળે RRR (REDUCE, REUSE, RECYCLE) કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. જેમાં લોકો પોતાની વધારાની વસ્તુઓ આપે છે. જેને જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવામાં આવે છે. આ અભિયાનને નાગરીકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અત્યાર સુધીમાં નાગરીકો તરફથી કુલ 11374 પુસ્તકો, 1069 રમકડાં, 588 જોડી બુટ તથા 6610 કપડાઓ સહિત કુલ 19641 વસ્તુઓ ભેટમાં મળેલ છે. નાગરીકો પાસેથી આ ચીજ વસ્તુઓ ભેટ સ્વરૂપે કેન્દ્ર ખાતે સ્વીકારવામાં આવી રહી છે. શહેરીજનો દ્વારા ઉપયોગમાં લેવાઈ ચૂકેલા અને હાલ વણવપરાયેલા પડી રહેલા પુસ્તકો, રમકડાં, કપડા અને બુટ વગેરે જેવી ચીજવસ્તુઓ ગરીબ સમુદાયના લોકો સુધી પહોચાડવામાં આવી રહ્યા છે. કેરળ ગાંધી સમિતિના 44 સભ્યોએ મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત લીધી
ગાંધી દર્શન સમિતિના કુલ 44 સભ્યો કેરલાના વિવિધ જિલ્લાઓમાંથી ગુજરાત પ્રવાસે આવ્યા છે. આજે આ સમિતિના સભ્યોએ રાજકોટના મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત લીધી છે. પ્રવાસ દરમિયાન સમિતિએ સાબરમતી આશ્રમ, દાંડી, સ્ટેચ્યુ ઓફ યુનિટી વિગેરે સ્થળોની તેમજ પોરબંદર, દ્વારિકા વિગેરે શહેરોની પણ મુલાકાત લેનાર છે. આ પ્રવાસનો મુખ્ય હેતુ મહાત્મા ગાંધીજીના વિચારો અને વારસાને વધુ નજીકથી સમજવો અને અનુસરવાનો છે. 1 એપ્રિલથી કોર્પોરેશનને લગતી તમામ ફરિયાદો માટે માત્ર એક જ નંબર રહેશે
ભારત સરકારનાં આઇટી વિભાગ હેઠળ દેશની તમામ મહાપાલિકાઓની વિવિધ સેવાઓ અંગેની ફરિયાદો માટે અલગ અલગ નંબરને બદલે તમામ ફરિયાદોની નોંધણી સમગ્ર દેશમાં એક જ કોમન નંબર દ્વારા કરી શકાય તેવી વ્યવસ્થા શરુ કરવામાં આવેલ છે. આ માટે 155304 નંબરનો શોર્ટ કોડ અમલમાં મુકવામાં આવ્યો છે. આ યોજનાનો અમલ રાજકોટમાં શરૂ કરવામાં આવ્યો છે. હાલમાં કોલ સેન્ટરનાં નંબર 0281-2450077 તેમજ ટોલ-ફ્રી નંબર 1800-123-1973નાં સ્થાને શોર્ટ કોર્ડ નંબર 155304 પરથી લોકો સેવાઓ અંગેની ફરિયાદો નોંધાવી શકાય છે. આ સેવાઓ અંગેની ફરિયાદો લોકો હવે શોર્ટ કોડ 155304 નંબર ડાયલ કરી સરળતાથી નોંધાવી શકે છે. આગામી તા.31-3 બાદ તા. 1-4થી કોર્પો.ને લગત સેવાઓ અંગેની ફરિયાદો ફકત શોર્ટકોડ 155304 પરથી જ નોંધાવી શકાશે.