કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત લથડી છે. હાલ તેમને દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સમાચાર એજન્સી પીટીઆઈએ સૂત્રોના હવાલાથી જણાવ્યું છે કે ડોકટરોની એક ટીમ તેમનું નિરીક્ષણ કરી રહી છે. જોકે, દાખલ કરાયાનું કારણ અને સમય હજુ સુધી જાહેર કરવામાં આવ્યો નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમને રૂટિન ચેકઅપ માટે લાવવામાં આવ્યા હતા. હાલ તેમની હાલત સ્થિર છે. શુક્રવારે તેમને રજા આપવામાં આવે તેવી શક્યતા છે. સપ્ટેમ્બર 2023ની શરૂઆતમાં, તેમને હળવો તાવ આવતાં સર ગંગા રામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડિસેમ્બર 2024માં તેમણે પોતાનો 78મો જન્મદિવસ ઉજવ્યો. ડોક્ટરે કહ્યું- સોનિયા ગાંધીને પેટ સંબંધિત સમસ્યાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા
સર ગંગા રામ હોસ્પિટલના મેનેજમેન્ટ સાથેની વાતચીતના આધારે સમાચાર એજન્સી ANIએ માહિતી આપી હતી કે કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીને પેટની તકલીફને કારણે ગુરુવારે સવારે 8:30 વાગ્યે દિલ્હીની સર ગંગા રામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની નિયમિત તપાસ કરવામાં આવી હતી અને હવે તેમની હાલત સ્થિર છે અને તેઓ ડોકટરોના નિરીક્ષણ હેઠળ છે.