મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેને ગુરુવારે જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. શિવસેનાના નેતા અને મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમની કારને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં ખળભળાટ મચી ગયો છે. સમાચાર એજન્સી ANI અનુસાર, અજ્ઞાત વ્યક્તિ દ્વારા મંત્રાલયની સાથે સાથે ગોરેગાંવ અને જેજે માર્ગ પોલીસ સ્ટોશનોને પણ ધમકીનો આ મેઇલ મળ્યો છે. એકનાથ શિંદેને મારી નાખવાની ધમકી આપનારી વ્યક્તિના IP એડ્રેસને શોધવા માટે મુંબઈ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે. દિલ્હી CMના શપથગ્રહણમાં હાજર હતા ત્યારે જ મળી ધમકી
ધમકી મળ્યા બાદ મહારાષ્ટ્ર પોલીસે નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેની આસપાસ સુરક્ષા વધારી દીધી છે. આ ધમકી ત્યારે મળી, જ્યારે તેઓ દિલ્હીનાં મુખ્યમંત્રી રેખા ગુપ્તાના શપથગ્રહણમાં સામેલ થવા માટે રાષ્ટ્રીય રાજધાનીમાં હાજર હતા. શાલિમાર બાગનાં ભાજપ ધારાસભ્ય રેખા ગુપ્તાના શપથગ્રહણ સમારોહમાં હાજરી આપતાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રીએ કહ્યું, ‘આપણી લાડલી બહેના (પ્રિય બહેન) દિલ્હીમાં મુખ્યમંત્રી તરીકે શપથ લઈ રહી છે એ આનંદની વાત છે.’ આ માટે અમે પીએમ મોદીનો આભાર માનીએ છીએ. દિલ્હીની નવી સરકારના શપથગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, અન્ય કેન્દ્રીય પ્રધાનો, એનડીએના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓએ પણ હાજરી આપી હતી. રેખા ગુપ્તા દિલ્હીનાં ચોથા મહિલા મુખ્યમંત્રી બન્યાં. આ પહેલાં ભાજપ તરફથી સુષમા સ્વરાજ, કોંગ્રેસ તરફથી શિલા દીક્ષિત અને આમ આદમી પાર્ટી તરફથી આતિશી દિલ્હીનાં મુખ્યમંત્રી રહી ચૂક્યાં છે. અગાઉ પણ મળી ચૂકી છે ધમકી
આ પહેલીવાર નથી, જ્યારે એકનાથ શિંદેને જાનથી મારી નાખવાની ધમકી મળી હોય. આ પહેલાં ફેબ્રુઆરી 2024માં એક કોલેજના વિદ્યાર્થીએ એકનાથ શિંદે અને તેમના સાંસદ પુત્ર શ્રીકાંત શિંદેને મારી નાખવાની ધમકી આપી હતી. આ ધમકી સોશિયલ મીડિયા દ્વારા આપવામાં આવી હતી, જેના પછી પોલીસને દરમિયાનગીરી કરવી પડી હતી. 11 ફેબ્રુઆરી, 2024ના રોજ શિંદે અને તેના પુત્રને જાનથી મારી નાખવાની ધમકીઓ મોકલવા બદલ પોલીસે 19 વર્ષીય વિદ્યાર્થીની ધરપકડ કરી હતી.