આગામી તા.27 ફેબ્રુઆરીથી 17 માર્ચ દરમિયાન જામનગર સહિત સમગ્ર રાજ્યમાં ધો.10 અને ધો.12 બોર્ડની પરીક્ષાઓ યોજવામાં આવશે.પરીક્ષાઓ દરમિયાન વિદ્યાર્થીઓને પરીક્ષાઓ આપવામાં અડચણ ન રહે અને જિલ્લાના તમામ પરીક્ષા કેન્દ્રો ખાતે શાંતિપૂર્ણ અને તંદુરસ્ત માહોલમાં પરીક્ષા પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.એન ખેર દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામા મુજબ જિલ્લામાં પરીક્ષા માટે નક્કી કરાયેલા પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના 100 મીટરના વિસ્તારની હદમાં કોપીયર મશીન દ્વારા કોપીનો વ્યવસાય કરતા ધંધાર્થીઓ તથા અંગત ઉપયોગ માટે વપરાશ કરતા કોપીયર મશીન ધારકોએ પરીક્ષા કેન્દ્રોની આસપાસ પરીક્ષાઓ હોય તે દિવસોએ પરીક્ષાઓના સમય દરમિયાન ( સવારે 10:00 કલાકથી 18:30 કલાક દરમિયાન) તેઓના કોપીયર મશીનો દ્વારા પરીક્ષા પરીક્ષા વિષયક પત્રો, દસ્તાવેજી કાગળોની નકલ કાઢવી નહી. ઉપરાંત પરીક્ષા કેન્દ્રો પર મોબાઇલ ફોન, ઇલેક્ટ્રિક સાધનો, કેલ્ક્યુલેટર, ઇલેક્ટ્રોનિક વોચ કે અન્ય અનધિકૃત સાહિત્ય વગેરે સાથે પ્રવેશ કરવા પર અને પરીક્ષા કેન્દ્રોની 100 મીટર સુધીના વિસ્તારોમાં લાઉડ સ્પીકર વગાડવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. બોર્ડની પરીક્ષા માટે તમામ પરીક્ષા કેન્દ્રો પર પોલીસ સુરક્ષા પણ ગોઠવવામાં આવશે. જેથી વિદ્યાર્થીઓને કોઈ ખલેલ કે તકલીફ ન પડે તેમજ તેમના સ્વાગત પણ કરાશે.