વિધાનસભામાં ગુરુવારે રજૂ થયેલ બજેટમાં હિંમતનગર નવી સિવિલમાં કેન્સરની સારવાર સુવિધા ઉપલબ્ધ કરાવવા તથા કલેક્ટર કચેરીનું નવું ભવન બનાવવાના ખર્ચની જોગવાઈ કરવા સહિત હિંમતનગર પાલિકાનો અ-વર્ગની નગરપાલિકામાં સમાવેશ કરાતાં હવે પાલિકાને મળતી સરકારની ગ્રાન્ટમાં 20 ટકા જેટલો વધારો થનાર છે. જિલ્લાની પશ્ચિમ સરહદેથી પસાર થતી સાબરમતી નદીમાં 750 કરોડના ખર્ચે વધુ છ વિયર-બેરેજ બનાવવાનો પણ બજેટમાં સમાવેશ કરાયો છે. રાજ્યના બજેટમાં સાબરકાંઠા જિલ્લાને સીધો ફાયદો આપતાં કેટલાક મહત્વના કામ પણ બજેટમાં સમાવાયા છે. જેમાં સાબરકાંઠા જિલ્લાની પશ્ચિમ સરહદેથી પસાર થતી સાબરમતી નદીમાં 750 કરોડના ખર્ચે વધુ છ વિયર-બેરેજ બનાવવાનો સમાવેશ કરવામાં આવ્યો છે. તદુપરાંત કેન્સરના દર્દીઓને સારવાર માટે ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ અમદાવાદ સુધી લાંબા થવું પડે છે. પરંતુ સરકારે નવા ચાર સેન્ટર ખાતે કેન્સરની સારવાર સુવિધા ઉપલબ્ધ કરાવવા 198 કરોડની જોગવાઈ કરી છે. તેમાં હિંમતનગરનો પણ સમાવેશ કર્યો છે. આ સિવાય હિંમતનગરની કલેક્ટર કચેરીનું ભવન નવું બનાવવા માટે બજેટમાં જોગવાઈ કરાઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બાયપાસ રોડ પર આવેલ જિલ્લા પંચાયત સંકુલની નજીકમાં કલેક્ટર કચેરી લઈ જવા આયોજન થઈ રહ્યું છે. હિંમતનગર ધારાસભ્ય વી ડી ઝાલાએ જણાવ્યું કે વિકાસના મોટા ભાગના કામનો બજેટમાં સમાવેશ કરાયો છે. પાલિકા ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવીએ જણાવ્યું કે હિંમતનગર પાલિકાનો અ-વર્ગમાં સમાવેશ કરાયો છે. જેના થકી તાજેતરમાં પાલિકામાં સમાવાયેલ નવા વિસ્તારો-આઉટ ગ્રોથ વિસ્તાર માટે 20 કરોડ અને સ્વ.જ.મુ.યોજના હેઠળ હાલમાં 6 કરોડની રાશિ મળે છે. તેમાં પણ દોઢેક કરોડનો વધારો થશે એકંદરે પાલિકાની ગ્રાન્ટમાં 20 ટકા જેટલો વધારો થશે અને આગામી 31 માર્ચે વર્ગની પાલિકાનું જાહેરનામું પણ પ્રસિદ્ધ થવાની સંભાવના છે. મોડાસા પાલિકા અપગ્રેડ કરાઇ, ગ્રાન્ટ પણ વધશેમોડાસા| બજેટમાં નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ રાજ્યની 69 જેટલી પાલિકાના વર્ગમાં ફેરફાર કરવાનું જાહેર કર્યું છે. જેના ભાગરૂપે મોડાસા પાલિકાને અપગ્રેડ કરી વર્ગમાં ફેરફાર કરવાનું જાહેર કરતાં મોડાસાની જનતામાં હર્ષની લાગણી પ્રસરી હતી. મોડાસા પાલિકાને અત્યાર સુધી સ્વર્ણિમની વાર્ષિક રૂ. 6 કરોડ જેટલી ગ્રાન્ટ મળતી હતી. જે હવે પાલિકાના વર્ગમાં ફેરફાર થતાં આ રકમમાં વધારો થશે અને તેનાથી શહેરના વિકાસને વધુ વેગ મળશે તેવું પાલિકાના પ્રમુખ નીરજ શેઠે આશા વ્યક્ત કરી હતી.