રાજકોટના નર્સિગ હોમમાં સારવાર માટે આવતી મહિલાઓના સીસીટીવી ફુટેજ યુ-ટયુબ પર વાયરલ કરનાર ત્રિપુટીને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી છે. જ્યારે પોલીસે સીસીટીવી ફુટેજ વેચીને રૂપિયા કમાવાનો કારસો કરનાર પ્રજ્જવલ તૈલી, પ્રજ પાટીલ અને ચંદ્રપ્રકાશને ઝડપી લીધા છે. તેમના મોબાઇલમાંથી સંખ્યાબંધ હોસ્પિટલ, મોલ, શોપ અને પાર્લરના ફુટેજ મળ્યા છે. પોલીસે હાલ ત્રણેયની પ્રાથમિક પૂછપરછ કરતા આવા વિડીઓ જોવા માટે વિકૃત લોકો રૂ. 800થી બે હજાર ચુકવતા હતા. ત્યારે હેકર દ્વારા સીસીટીવી હેક કરવામાં આવ્યા હતા તેમના આઇપી એડ્રેસ રોમાનીયા અને એટલાન્ટાના હોવાનું સામે આવ્યુ છે. સાઈબર સેલ અને ક્રાઇ બ્રાન્ચની જુદી-જુદી ટીમોએ આ અંગે તપાસ શરૂ કરતા અભદ્ર વીડિયો વાઇરલ થયા તે યુ-ટ્યૂબ ચેનલો અને ટેલિગ્રામ ગ્રુપ મહારાષ્ટ્રના સાંગલી, લાતુર તેમજ યુપીના પ્રયાગરાજમાંથી ઓપરેટ થતા હોવાની વિગતો મળી હતી. જેને આધારે પોલીસે ત્રણની ધરપકડ કરી હતી. તેમની પૂછપરછ અને તપાસ કરતા તેઓ યુટ્યુબ ચેનલ પર થોડો ભાગ મુકીને તેની સાથે ટેલીગ્રામ ચેનલની લીંક મુકતા હતા. આવા વિડીઓ ખરીદવા માટે પહેલા ઓનલાઇન રૂપિયા જમા લેવામાં આવતા હતા. તેમજ હેકરના આઇપી એડ્રેસ રોમાનિયા અને એટલાન્ટાના હોવાનું સામે આવ્યું છે. જોકે સખ્યાબંધ લોકોએ આવા વિડીઓ માટે રૂપિયા ચૂકવ્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસે કોઇ વીડીઓ ડિલીટ કરાયા છે કે કેમ તેની તપાસ માટે સાયબર એક્ટપર્ટસની પણ મદદ લીધી છે. પાયલ મેટરનિટીને લેબર રૂમમાં સીસીટીવી રાખવા મુદ્દે નોટિસ
રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આવેલી પાયલ મેટરનિટી હોસ્પિટલમાં સારવાર માટે આવેલી મહિલાઓના પ્રાઇવેટ પાર્ટના વીડિયો વાઇરલ કરવાની ઘટનામાં તંત્ર એક્શનમાં આવ્યું. રાજકોટ આરોગ્ય વિભાગના સીડીએચઓ સહિત 5 ડોક્ટરની ટીમની કમિટીએ પાયલ મેટરનિટી હોસ્પિટલમાં ચેકિંગ કર્યું હતું. જેના 24 કલાક બાદ 20 ફેબ્રુઆરીએ નોટિસ આપી ત્રણ દિવસમાં ખુલાસો કરવા આદેશ કરવામાં આવ્યો છે. આ અંગે રાજકોટના મુખ્ય જિલ્લા અધિકારી ફૂલમાળીએ વધુમાં જણાવ્યું હતું કે, મેડિકલ એથિક્સમાં દરેક દર્દીની પ્રાઇવસી જાળવવાનો નિયમ છે. મેડિકલ સ્ટાન્ડર્ડ અને ગાઇડલાઇન મુજબ દરેક હોસ્પિટલમાં એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ તેમજ પાર્કિંગમાં જ સીસીટીવી લગાવવા ફરજિયાત છે. ત્યારે પાયલ મેટરનિટી હોસ્પિટલના લેબર રૂમમાં સીસીટીવી રાખવા મુદ્દે ખુલાસો આવ્યા બાદ કમિટી દ્વારા કાર્યવાહી અંગે નિર્ણય લેવામાં આવશે. તેમજ સરકારમાં રિપોર્ટ કરાશે.