જૂનાગઢ જિલ્લાના પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકી અને કલેક્ટર ડી.ડી. જાડેજા વચ્ચેનો વિવાદ વધુ વકર્યો છે. કોડીનાર નવગરપાલિકાની વિજય સભામાં પૂર્વ સાંસદે પૂર્વ સાંસદ સોલંકીએ કલેક્ટરને મહમદ ગઝનવી સાથે સરખાવ્યા બાદ તેની સામે ભ્રષ્ટાચારના આક્ષેપ કરી સુપ્રીમ કોર્ટ સુધી લડી લેવાની જાહેરાત કરી હતી અને ત્યારબાદ ગુરુવારે બપોરે રાજકોટ દોડી આવીને જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીને કલેક્ટર જાડેજાની ન્યારી ડેમ કેચમેન્ટ એરિયામાં આવેલા ફાર્મહાઉસ બાબતે તપાસ કરવા અને તેમાં બાંધકામ નિયમ મુજબ કરાયું છે કે કેમ તેની તપાસ કરવા માગણી કરી હતી અને આ ફાર્મહાઉસની આજની બજારકિંમત મુજબ રૂ.20 કરોડ જેવી કિંમત થતી હોવાનું જણાવી જાડેજા અને તેના પરિવાર પાસે રાજકોટમાં રૂ.100 કરોડથી વધુની સંપત્તિ હોવાનો આક્ષેપ પત્રકારો સમક્ષ કરતા ખળભળાટ મચી ગયો છે. આ બાબતે એસીબી, સીબીઆઇ અને ઇડી સહિતની એજન્સીઓ પાસે તપાસ કરાવવા પણ સોલંકીએ પડકાર ફેંક્યો છે. રાજકોટ જિલ્લા કલેક્ટરને પાઠવાયેલા આવેદનમાં એવી રજૂઆત કરી હતી કે, મને મળેલી માહિતી મુજબ ગીર સોમનાથ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા રાજકોટ જિલ્લામાં ન્યારી ડેમના કેચમેન્ટ એરિયામાં તેઓના નામે અથવા તેમના પરિવારના સભ્યોના નામે એક વિશાળ ફાર્મહાઉસ કે જેનું નામ આદિનાથ ફાર્મ છે તે વિશાળ જગ્યામાં બનાવવામાં આવેલ છે. હું એક જનપ્રતિનિધિના નાતે આપનું ધ્યાન દોરું છું કે આ અંગે આપના માધ્યમથી તાત્કાલિક તપાસ કરી એક દાખલારૂપ કાર્યવાહી કરી આ રાજ્યની સામાન્ય જનતાને પણ પ્રતિપાદિત થાય કે દેશનું બંધારણ સહુ માટે સમાનતાના માપદંડથી કાર્યવાહી થાય છે. સોલંકીએ રૂબરૂ રજૂઆતમાં જણાવ્યું હતું કે, કલેક્ટર અમારા જિલ્લાની અંદર ગરીબોના ઝૂંપડાંઓ તોડે છે, ગરીબોના મકાન તોડે છે, અમારી દૃષ્ટિએ તેમનું ફાર્મ કેચમેન્ટ એરિયામાં આવેલ છે. પોતે રાજકોટમાં ઓછામાં ઓછી 20 કરોડની કિંમતનું ફાર્મહાઉસ ડેમના કેચમેન્ટ એરિયામાં બનાવેલું હોય તેવું અમારું માનવું છે. આપ તેની નિષ્પક્ષ તપાસ કરી તેમના ઉપર નિયમ મુજબના પગલાં લઇ દૂર કરો તેવી અમારી માગણી છે. પત્રકારો સાથેની વાતચીતમાં સોલંકીએ જણાવ્યું હતું કે, મેં જ્યારે આ કલેકટર વિરુદ્ધ નિવેદન જાહેર કર્યું ત્યારે માત્ર રાજકોટમાંથી નહીં સુરતથી મોરબીથી બધામાંથી આ અધિકારીએ જ્યાં જ્યાં પણ નોકરી કરી ત્યાંથી મારી પર ખૂબ ફોન આવી રહ્યા છે કે, આ માણસે ખૂબ મોટો ભ્રષ્ટાચાર કર્યો છે. કોંગ્રેસને ખુશ રાખવા કોડીનારના તમામ બૂથ સંવેદનશીલ જાહેર કર્યાનો આક્ષેપ
પૂર્વ સાંસદ સોલંકીએ એવો આક્ષેપ કર્યો હતો કે, કલેક્ટરે ચૂંટણીમાં કોડીનારના તમામ બૂથોને સંવેદનશીલ જાહેર કરાવ્યા હતા માત્ર કોંગ્રેસને ખુશ રાખવા માટે. તમને આશ્ચર્ય થાય કે કોંગ્રેસને કલેક્ટરે શું કામ ખુશ રાખવા જોઇએ? પણ તેમણે જે વેરાવળમાં ઘણી પ્રોપર્ટીઓનું ડિમોલિશન કરી અને ગુજરાત સરકાર પાસે પોતાની વાહવાહ કરાવવા અને ગુડ બુકમાં આવવા માટે આ માણસે જે નિયમ વિરુદ્ધના બાંધકામો તોડ્યા છે તેના વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયામાં એક પિટિશન દાખલ થઇ છે. અને આ પિટિશનમાંથી તેમને કોણ બચાવે? તેને કોંગ્રેસ સિવાય કોઇ ન બચાવી શકે. આ પિટિશન કરનારા વેરાવળના મુસ્લિમ સમાજના કોંગ્રેસી આગેવાનો છે. તેનાથી બચવા કોડીનારની ચૂંટણી સંવેદનશીલ જાહેર કરાવી. જાડેજા પરિવાર પાસે સબ-વેની ફ્રેન્ચાઇઝી, સ્કૂલ, સ્ટુડિયો સહિત અનેક પ્રોપર્ટીઓ
પૂર્વ સાંસદે જણાવ્યું હતું કે, દિગ્વિજયસિંહ જાડેજા જ્યારે સરકારી નોકરી જોઇન્ટ કરી ત્યારે તેમની પાસે કેટલી સંપત્તિ હતી, કેટલી મિલકતો હતી અને આજે તેમની અને તેમના પરિવારના નામે રાજકોટની અંદર કેટલી પ્રોપર્ટી છે તેની તપાસ માટે ગીર સોમનાથ જિલ્લાની ભ્રષ્ટાચાર નાબૂદી સમિતિની માગણી છે. અમે અહીંયા રજિસ્ટ્રાર સ્ટેમ્પને રજૂઆત કરવાના છીએ કે, દિગ્વિજયસિંહ જાડેજાના પરિવારના નામે રાજકોટની અંદર કેટલી મિલકતો છે. તે મિલકતોમાં મારા ધ્યાનમાં ઘણું બધું આવ્યું છે. અહીંયા સ્વામિનારાયણ મંદિરની સામે તેમની સબ-વેની ફ્રેન્ચાઇઝી આવેલી છે. આજુબાજુમાં દુકાનો પણ ખૂબ ભાડે આપી છે કે જેની કિંમત કરોડો રૂપિયામાં થાય છે. તેના સિવાય એક સ્કૂલ છે. તેમના દીકરાનો એક સ્ટુડિયો છે. આ સ્ટુડિયો ખરેખર જોવાની જરૂર છે. આ સ્ટુડિયોમાં શું ચાલે છે તેની પણ તમે તપાસ કરો તેમ જણાવી સોલંકીએ પગલાં નહી લેવાય ત્યાં સુધી રજૂઆત કરતા રહીશું તેમ જણાવ્યું હતું.