ભરૂચ તાલુકાના વરેડિયા ગામ નજીક નેશનલ હાઇવે પર ગાયના ઘણ પર ટ્રેલર ફરી વળતાં 7 ગાયના સ્થળ પર મોત થયાં હતાં જયારે 7 અન્ય ગાયના પગ તૂટી જતાં તેમને વડોદરાની પાંજરાપોળ ખાતે ખસેડવામાં આવી છે. અકસ્માતની ઘટના બાદ પશુપાલક પરિવારના માથે આભ તૂટી પડયું છે. ઘટના બાદ ફરાર થઇ ગયેલાં ટ્રેલરના ચાલકને હાલ પોલીસે ઝડપી પાડી વધુ પૂછપરછ હાથ ધરી છે. રાજયમાં ગૌચરની જગ્યાઓ પર બાંધકામો થઇ રહયાં હોવાથી પશુઓને ચરવા માટે જગ્યા રહી નથી. આવા સંજોગોમાં સૌરાષ્ટ્રના કેટલાક પશુપાલકોએ વરેડીયા ગામ પાસે જગ્યા ભાડે રાખી તેમાં ગાયોને ચરાવતાં હોય છે. આ માલધારી પરિવારો વરેડીયા ગામની સીમમાં ઝૂંપડાઓ બાંધીને વસવાટ કરે છે. આ પરિવારો સવારના સમયે ગાયોને ચરાવવા લઇ જાય છે અને સાંજે વસાહતમાં પરત ફરે છે. ગત રોજ સાંજના સમયે માલધારીઓ ગાયોને ચરાવીને વસાહત તરફ પાછા આવી રહયાં હતાં. વડોદરા તરફ જતી લેનમાં ગાયોનો ઘણ ભરૂચ તરફ આવી રહયું હતું તે સમયે છેલ્લી લેનમાં ચાલતા એક ટ્રેલરના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવી દેતાં બેકાબુ બનેલું ટ્રેલર ગાયો પર ફરી વળ્યું હતું. ટ્રેલરની ટકકર વાગતા સાત ગાયના સ્થળ પર જ મોત થયાં હતાં જયારે સાત જેટલી ગાયોના પગ તુટી ગયાં હતાં. આસપાસથી લોકો દોડી આવતાં ડ્રાઇવર ટ્રેલર મુકી ભાગી ગયો હતો. હાઇવે પર દર્દથી કણસતી ગાયોને જોઇ સૌના હદય દ્રવી ગયાં હતાં. સાત જેટલી ગાયના પગ તૂટી ગયા હોવાથી તે ચાલી શકે તેવી સ્થિતિમાં ન હતી. તેમને વધુ સારવાર માટે વડોદરાની પાંજરાપોળ ખાતે ખસેડવામાં આવી છે. ઘટનાના પગલે માલધારી પરિવાર પર આભ તુટી પડયું છે. સરકાર વળતર અપાવે તેવી અમારી માગણી છે
વરેડિયા પાસે બેફામ દોડતા ટ્રેલરે પશુપાલકની સાત ગાયના મોત નીપજાવ્યાં છે જયારે સાત જેટલી ગાયને ગંભીર ઇજા પહોંચી છે. પશુપાલકને 4 લાખથી વધારેનું નુકસાન થયું છે. સરકાર અથવા ટ્રકનો માલિક વળતર ચુકવે તેવી અમારી માગણી છે. જો વળતર નહિ મળે તો અમારો સમાજ ભેગો થઇને આંદોલન કરવા પણ તૈયાર છે. વિક્રમ ભરવાડ, આગેવાન