બાળકો સ્કૂલે જવાના ડરથી ન ઊઠે અને તેમના સુષુપ્ત મનમાં ડરના વિચારોને ઘર ન કરી જાય તે માટે વાલીઓને સમજાવવા ‘હેલ્ધી કિડ-હેપી ફેમિલી’ સેમિનાર યોજાયો હતો. જેમાં 3થી 13 વર્ષનાં 50થી વધુ બાળકો અને માતા-પિતાએ ભાગ લીધો હતો. અમમ ફાઉન્ડેશનનાં પૂર્વી ભીમાણીએ કહ્યું કે, બાળકને માતા-પિતા અજાણતાં ઊંઘમાં ડર આપી રહ્યાં છે. આ ક્રિયા બાળકના કુમળા મગજમાં કાયમી ઘર કરી જાય છે, જેનાથી મુક્ત કરાવવા આ આયોજન કરાયું હતું. તેમણે જણાવ્યા મુજબ બાળક ઊંઘમાંથી ઊઠ્યું પણ ન હોય ત્યારે માતા-પિતા તેને સ્કૂલે મોડું થઈ જશે, વેન છૂટી જશે, રિક્ષા જતી રહેશે તેવી વાતો કરીને જગાડે છે. જેને પગલે બાળક ગભરાઈ જાય છે, ચિંતામાં આવી જાય છે અને નાનપણથી જ સ્ટ્રેસનો શિકાર બને છે. બાળકને ઉઠાડવા માતા-પિતાએ સમય કરતાં 10 મિનિટ પહેલાં પ્રયાસ કરવો જોઈએ અને બાળકનું માથું ખોળામાં રાખી 5 મિનિટ હજી સૂઈ જા તેવું કહી પછી પ્રેમથી ઉઠાડવો જોઈએ. સાથે રિક્ષા કે વેન છૂટી જશે તો અમે મૂકી જઈશું, આપણે ભેગા મળી જલ્દી- જલ્દી તૈયાર થઈ શકીએ તેવી પોઝિટિવ વાતથી તેને ઉઠાડવો જોઈએ. મા-બાપે બાળકને ટાઈમ મેનેજમેન્ટ શીખવવું જોઈએ. બાળકને ડિજિટલ ડિટોક્સ કરવા કુદરત પાસે લઈ જાઓ
સંસ્થા સાથે જોડાયેલાં શ્વેતા બ્રહ્મભટ્ટે કહ્યું કે, ડિજિટલી મા-બાપ કોન્સ્ટન્ટ ફોન સાથે હોય છે તેમજ વર્કિંગ પેરેન્ટ્સ હોય છે. એટલે બાળકને બહાર રમવા નથી લઈ જઈ શકતાં, જેથી કુદરતી વસ્તુથી બાળકો દૂર જાય છે. જેથી જમતી વખતે, ઘરમાં નવરાં પડે ત્યારે મોબાઈલ, ટીવી, કમ્પ્યૂટરમાં વ્યસ્ત રહે છે. બાળકોને ડિજિટલ ડિટોક્સ કરવા તેમને બગીચામાં ફરવા લઈ જવાં જોઈએ. કુદરતનાં સાંનિધ્યમાં રાખવાં જોઈએ.