શિવરાત્રીના મેળાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે જુનાગઢ પોલીસ દ્વારા આ વર્ષે શહેરમાં ટ્રાફિકની સમસ્યા ન સર્જાઈ અને સમયનો બગાડ ન થાય તે માટે ઈ- પાસ, ઈ- બંદોબસ્ત અને પાર્ક ઈઝી ચેટબોટ દ્વારા લોકોને સુવિધા આપવાનું શરૂ કર્યું છે. આ વર્ષે મહાશિવરાત્રીના મેળામાં AI આધારિત નવી વ્યવસ્થા કરવામાં આવી છે. અન્ય જિલ્લામાંથી આવનાર શ્રદ્ધાળુઓ માટે પોલીસે ખાસ પહેલ કરી છે. જેમાં એક QR કોડ સ્કેન કરતા જ પાર્કિંગ કઈ જગ્યાએ કરવું તેની તમામ માહિતી મળી જશે. પાર્ક ઈઝી ચેટબોટ કેવી રીતે કામ કરશે?
મુલાકાતીઓને તેમના નિયુક્ત પાર્કિંગ વિસ્તારોમાં પહોંચવા માટે આ પાર્ક ઈઝી ચેટબોટ કામ લાગશે. એક QR કોડ આપવામાં આવશે. આ QR કોડ લોકોને સરળતાથી મળી રહે તે માટે તંત્ર દ્વારા તમામ કામગીરી કરવામાં આવશે, સોશિયલ મીડિયામાં પણ આ QR કોડને વાયરલ કરવામાં આવશે.
આ વર્ષે મેળામાં 12 ડીવાયએસપી, 22 પીઆઇ, 123 પીએસઆઇ, 1029 પોલીસ, 130 ટ્રાફિક જવાન, 3 એસઆરપીની કંપની, 539 હોમગાર્ડ, 626 જીઆરડી અને 3 બીડીડીએસ મેળાના બંદોબસ્ત માટે તૈનાત રહેશે. મહાશિવરાત્રી મેળો 2025ના બંદોબસ્ત માટે કુલ 5 ઝોન વાઈઝ વિસ્તાર બનાવવામાં આવ્યો છે. ભવનાથ ક્ષેત્રોનો વિસ્તાર નક્કી કરવામાં આવ્યો છે. આ વર્ષે લોકોને સમયસર સુવિધા મળી રહે અને પોલીસ દ્વારા પણ ઝડપી કામગીરી કરી શકાય તે માટે ઈ-પાસ ઇસ્યુ કરવામાં આવી રહ્યા છે. જે ઈ પાસ QR કોડ સાથે ઓનલાઇન જનરેટ થશે, જેથી ફરજ પરના પોલીસ સ્ટાફ વાહનની વિગત QR કોડ સ્કેન કરવાથી વાહન નંબર તથા અરજદારની વિગત વેરીફાઈ થઈ શકશે અને ઇસ્યુ કરેલા ઈ પાસ નું ડુબલીકેસન પણ કરી શકાશે. ઈ પાસ મેળવનાર અરજદારને સમયસર પોતાનો પાસ પણ મળી જશે અને સમયનો પણ બચાવ થશે. મહાશિવરાત્રી મેળા દરમિયાન જૂનાગઢ પોલીસે નવી પહેલ શરૂ કરી છે. જેમાં ઈ-બંદોબસ્તની સુવિધા શરૂ કરી છે. મેળાના બંદોબસ્તમાં આવતા પોલીસ કર્મચારીઓ, અધિકારીઓની સુવિધા માટે તેમના ફરજના પોઇન્ટની વિગત તેમજ જરૂરી સૂચનાઓ, પોઇન્ટ પરની શિફ્ટ વાઈઝ હાજરી અને તેઓની રહેવા/જમવાની વ્યવસ્થાની જાણકારી તથા તે કોઈ રજૂઆત હોય તો તે રજૂઆતનું તાત્કાલિક નિરાકરણ થઈ શકે તે માટે ઇ-બંદોબસ્ત નામની એપ બનાવવામાં આવી છે. ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા અને મુલાકાતીઓની સુવિધામાં સુધારો કરવા પાર્ક ઈઝી ચેટબોટ શરૂ કરવામાં આવી છે. આ વોસ્ટએપ આધારિત સિસ્ટમનો ઉદ્દેશ્ય ભક્તોના વિશાળ ધસારો માટે પાર્કિંગ વ્યવસ્થાપનને સુવ્યવસ્થિત કરવાનો છે.
CCTV કેમેરાથી વીડિયો સર્વેલન્સ
મહાશિવરાત્રી મેળા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની જાણવણી માટે CCTV કેમેરાથી વીડિયો સર્વેલન્સ રાઉન્ડ ધી ક્લોક રાખી શકાય તે માટે અગત્યના પોઈન્ટ ઉપર CCTV કેમેરા લગાડવામાં આવ્યાં છે. જૂનાગઢ શહેરમાં કુલ 469 કેમેરા દ્વારા વીડિયો સર્વેલન્સ કરવામાં આવશે, જેમાના 51 ભવનાથ વિસ્તારમાં છે. તેમજ મહાનગર પાલિકાના 36 કેમેરા દ્વારા વીડિયો સર્વેલન્સની કામગીરી થશે જેનું જીવંત પ્રસારણ ભવનાથ તથા નેત્રમ શાખા જૂનાગઢમાં થશે. જૂનાગઢ રેન્જ આઇ.જી નિલેશ જાજડીયાએ જણાવ્યું હતું કે, આગામી 22 ફેબ્રુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી શિવરાત્રીનો મેળો યોજવાનો છે. જેમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવશે. આ મેળામાં મોટી સંખ્યામાં અન્ન ક્ષેત્રો, ઉતારા મંડળ યાત્રાળુઓને સેવા પૂરી પાડે છે. ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ ગણાતા શિવરાત્રી મેળામાં આવતા યાત્રાળુઓ સારી રીતે મેળાનો આનંદ માણી શકે તે માટે જૂનાગઢ જિલ્લા તંત્ર, મહાનગરપાલિકાએ તમામ તૈયારીઓ કરી છે. શિવરાત્રી મેળાને લઈ પોલીસ તંત્ર દ્વારા પણ સંપૂર્ણ તૈયારી કરી દેવામાં આવી છે. મેળામાં અન્ન ક્ષેત્ર, ઉતારા મંડળ અને અલગ અલગ સંસ્થાઓને પોતાનો માલ સામાન લઈ જવા માટે એપ્લિકેશન પરથી ઈ- પાસ સુવિધા ઉપલબ્ધ કરી છે. QR કોડ વાળા પાસની સુવિધા આ વર્ષે ઉપલબ્ધ કરવામાં આવશે. તેમજ જુનાગઢ પોલીસ દ્વારા ઈ-બંદોબસ્ત એપ્લિકેશન ડેવલોપ કરવામાં આવી છે. જેમાં પોલીસ વિભાગના બંદોબસ્તમાં આવનાર અધિકારી, કર્મચારીઓને તમામ પ્રકારની માહિતી એપના માધ્યમથી આપવામાં આવશે. અગાઉ શિવરાત્રી મેળામાં 1,000 થી વધુ પોલીસ જવાનો અને 1,000 થી વધુ હોમગાર્ડ જીઆરડીના જવાનોને લાઉડ સ્પીકર પર માહિતી આપી તેની નોકરી માટે વહેંચણી કરવામાં આવતી હતી. જેમાં સમયનો ખૂબ જ વ્યય થતો હતો, પરંતુ એ બંદોબસ્ત એપના માધ્યમથી આ એપ્લિકેશનના QR કોડ સ્કેન કરવાથી પોલીસ કર્મચારી જવાનને તેની ફરજનું લોકેશન તે એપ્લિકેશન મારફતથી મળી જશે. ફરજના સ્થળ પર તે પોલીસકર્મીને શું કામગીરી કરવાની છે તેની માહિતી પણ મળી જશે. આ એપ્લિકેશનના માધ્યમથી મેળામાં તૈનાત અધિકારી, કર્મચારીની હાજરી પણ સમયસર નોંધવામાં આવશે. આ એપના માધ્યમથી શિવરાત્રી મેળામાં જે અધિકારીઓ દ્વારા તૈનાત પોલીસનું સુપરવાઇઝન પણ સરળ બનશે. શિવરાત્રીના મેળામાં બહારથી આવતા યાત્રાળુઓના વાહન પાર્કિંગને લઈને પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. જેને લઈ એક સર્વરમાં તમામ પાર્કિંગ મેપ કરવામાં આવ્યાં છે. આ વર્ષે પોલીસ દ્વારા AI ટેકનોલોજીનો ઉપયોગ કરી જેટબો ડેવલોપ કરવામાં આવ્યું છે. આ એપનો QR કોડ લોકો સુધી પહોંચે તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ એપ્લિકેશનને યાત્રાળુઓ જ્યારે ઇન્સ્ટોલ કરશે ત્યારે નજીકમાં આવેલું પાર્કિંગ ઝોન પણ તેમને આ એપ્લિકેશનમાં દેખાશે. જો તે પાર્કિંગ વાહનોથી ફુલ હશે તો અન્ય નજીકનું પાર્કિંગની એપ્લિકેશન પર માહિતી મળશે. એએસપી હર્ષ શર્માએ જણાવ્યું હતું કે, શિવરાત્રી મેળામાં દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ આવે છે. બહારથી આવતા યાત્રાળુઓને અહીંના પાર્કિંગ વિશેની માહિતી હોતી નથી જેના કારણે શહેરમાં ટ્રાફિકની સમસ્યા ઉદભવે છે. જેના કારણે આ સમસ્યાનું નિરાકરણ કરી શકાય તેના માટે એક એપ્લિકેશન લોંચ કરવામાં આવી છે. બહારથી આવતા યાત્રાળુઓને વાહન પાર્કિંગને લઈ એક ક્યુ આર કોડની સુવિધા આપવામાં આવશે જે ક્યુ આર કોડ મોબાઈલમાં સ્કેન કરતાની સાથે જ વાહન પાર્કિંગ કરનાર વ્યક્તિને વોસ્ટએપમાં લિંક મળશે જેમાં hi લખી મેસેજ કરવાથી આ એપ્લિકેશન જિલ્લાનું લિસ્ટ બતાવશે અને ત્યારબાદ એક લિંક ઓપન કરવાથી જુનાગઢ શિવરાત્રી મેળાને લઈ તંત્ર દ્વારા જે પાર્કિંગ વ્યવસ્થા ઉભા કરવામાં આવી છે તેનું લોકેશન આ એપ્લિકેશન દ્વારા બતાવવામાં આવશે. આ લિંક ક્લિક કરવાથી પાર્કિંગ પોઇન્ટની માહિતી મળી જશે. જેના કારણે બહારથી આવતા લોકોને વાહન પાર્કિંગની સમયસર સુવિધા મળી રહેશે અને શહેરમાં પણ ટ્રાફિકની સમસ્યા ઊભી નહીં થઈ.