જૂનાગઢના ભવનાથ તીર્થક્ષેત્રમાં આગામી 22થી 26 માર્ચ દરમિયાન મહાશિવરાત્રીનો ભવ્ય મેળો યોજાશે. શ્રદ્ધાળુઓ માટે ખાસ વ્યવસ્થા કરતાં સાત અલગ-અલગ સ્થળોએ LED સ્ક્રીન મૂકવામાં આવશે. મંગલનાથ આશ્રમ, દતચોક, શનિદેવ મંદિર, અગ્નિ અખાડા પાસે, ઇન્દ્રભારતી ગેટ, જિલ્લા પંચાયત અને ભગીરથ વાડી ખાતે મેળાનું લાઈવ પ્રસારણ જોઈ શકાશે. મેળાને વધુ આકર્ષક બનાવવા 3000 LED ટ્યુબલાઈટ અને ફ્લડ લાઈટથી સમગ્ર વિસ્તારને ઝળહળતો કરવામાં આવશે. જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવાસીયાના માર્ગદર્શન હેઠળ લાઈટિંગની વિશેષ વ્યવસ્થા માટે 100 કર્મચારીઓની ટીમ કાર્યરત છે. મેળાના સુચારુ આયોજન માટે 13 વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે. આમાં મુખ્ય સંકલન સમિતિ, મેળા સ્થળ આયોજન સમિતિ અને જાહેર સલામતી તથા ટ્રાફિક નિયંત્રણ સમિતિનો સમાવેશ થાય છે. ભજન, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ સમાન આ મેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. રાત્રિના સમયે પણ લોકો મેળાનો આનંદ માણી શકે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.