મહીસાગર જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા નેશનલ પ્રોગ્રામ ફોર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ નોન કોમ્યુનીકેબલ ડીસીઝ અંતર્ગત મોટી પહેલ કરવામાં આવી છે. 20 ફેબ્રુઆરીથી 31 માર્ચ 2025 સુધી જિલ્લામાં બ્લડ પ્રેશર અને ડાયાબિટીસની તપાસ માટે મેગા ડ્રાઇવ યોજાશે. જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિદ્ધાર્થે જણાવ્યું કે 30 વર્ષથી વધુ ઉંમરના દરેક વ્યક્તિએ નજીકના આયુષ્યમાન આરોગ્ય મંદિર, સામુહિક આરોગ્ય કેન્દ્ર કે જિલ્લા હોસ્પિટલમાં તપાસ કરાવવી જરૂરી છે. આ બંને રોગોમાં નિયમિત દવા લેવી આવશ્યક છે. દવા ન લેવાથી મગજ, હૃદય, કિડની, લીવર, ફેફસા અને આંતરડા જેવા મહત્વપૂર્ણ અંગોને નુકસાન થઈ શકે છે. આરોગ્ય વિભાગની ટીમ આશરે 5,48,966 નાગરિકોની ઘરે-ઘરે જઈને તપાસ કરશે. દરેક નાગરિકે વર્ષમાં બે વાર બીપી અને ડાયાબિટીસની તપાસ કરાવવી જોઈએ. સરકારી આરોગ્ય કેન્દ્રોમાં આ તપાસ અને દવાઓ નિઃશુલ્ક ઉપલબ્ધ છે. શોધાયેલા દર્દીઓને તાત્કાલિક સારવાર હેઠળ મૂકવામાં આવશે.