ભરૂચના નેશનલ હાઈવે 48 પર સેગવા-વરેડીયા ચોકડી નજીક એક દર્દનાક અકસ્માત સર્જાયો છે. 19મી ફેબ્રુઆરીના રોજ સાંજના સમયે બનેલી ઘટનામાં એક મહાકાય ટ્રેલરે ગાયોના ટોળા સાથે અથડામણ કરી હતી. અકસ્માતમાં 6 ગાયોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. આ ઉપરાંત 8 ગાયોને ગંભીર ઈજાઓ થઈ હતી. ઘટના સમયે પશુપાલકો ગાયો સહિતના પશુઓને ચરાવીને સેગવા લઈ જઈ રહ્યા હતા. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે એક તરફ જઈ રહેલું ગાયોનું ટોળું અચાનક ભાગવા લાગ્યું અને ટ્રેલરની અડફેટમાં આવી ગયું. અકસ્માત બાદ ટ્રેલર ચાલક ગભરાઈને વાહન મૂકીને ભાગી ગયો હતો. જોકે, તે પછીથી પાલેજ પોલીસ મથકે હાજર થઈ ગયો હતો. પશુપાલક ગબરૂ રયાભાઈ લાંબકા ભરવાડે ટેન્કર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ શરૂ કરી છે.