ભારતના સૌથી સ્વચ્છ શહેર તરીકે સુરત ફરી એકવાર AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) ટેક્નોલોજી દ્વારા સ્વચ્છતા નિયંત્રણ માટે ક્રાંતિ લાવતું પ્રથમ શહેર બની ગયું છે. AI હવે રસ્તાઓ પર ફેંકાયેલા કચરાને પકડી પાડશે અને કચરો ફેંકનારાને તુરંત દંડ ફટકારશે. સુરત મહાનગરપાલિકા (SMC)એ સફાઈ વ્યવસ્થાને વધુ ગતિશીલ અને અસરકારક બનાવવા માટે AI આધારિત ઓટોમેટિક કચરો નાખી ગંદકી ફેલાવતા લોકોને પકડવાની સિસ્ટમ શરૂ કરી છે. આ નવી ટેક્નોલોજિકલ સિસ્ટમ સુરત ઈન્ટેલિજન્ટ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (ICCC) સાથે સંકળાયેલું છે, જ્યાં 3000+ CCTV કેમેરા 24×7 શહેરની સફાઈ પર નજર રાખે છે. AI કેવી રીતે કામ કરશે?
AI ટેક્નોલોજી સૌપ્રથમ શહેરમાં લગાવવામાં આવેલા CCTV કેમેરાથી લાઈવ ફીડ એકઠી કરે છે. જો કોઈ જાહેર સ્થળે કચરાનો ઢગલો હોય, ગંદકી ફેલાયેલી હોય અથવા કોઈ વ્યક્તિ કચરો ફેંકતી હોય, તો AI તેને તરત જ ઓળખી અને ICCC (ઇન્ટેલિજન્ટ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર) ને જાણ કરે છે. આ પછી શું થાય છે?
AI ત્યાં કચરો છે તે જાણ કરતા જ ટૂંક સમયમાં RMC (રિજનલ મ્યુનિસિપલ કોર્પોરેશન)ની ટીમને ઓટોમેટિક અલર્ટ મોકલી દે છે. જે વિસ્તારની અંદર કચરો હશે, ત્યાં તુરંત સફાઈ કર્મચારીઓને મોકલી દેવામાં આવે છે અને સફાઈ હાથ ધરવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ કચરો ફેંકતો હોય તો AI તેની ઓળખ પણ કરે છે અને દંડ માટે રિપોર્ટ જનરેટ કરે છે. આ માહિતી SMCના આરોગ્ય વિભાગ સુધી પહોંચે છે, જે પછી દંડ ફટકારવામાં આવે છે. કચરાના ઢગલાઓ પર AIની નજર, 700 લોકોને દંડ
સફાઈ માટે આ નવીન ટેક્નોલોજીનો પ્રયોગ પહેલાંથી જ શરૂ થઈ ગયો છે અને તેનાથી પ્રભાવી પરિણામ મળવા લાગ્યાં છે. AI દ્વારા 2100થી વધુ જગ્યાઓએ કચરાના ઢગલાની ઓળખ થઈ, જેમાં 700 લોકોની ઓળખ કરીને તેઓને રૂ. 51,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. જે સ્થળોએ વારંવાર કચરો થાય છે ત્યાં વધુ કેમેરા લગાવવામાં આવશે જેથી કચરો ફેંકનારાઓને ઝડપથી પકડી શકાય. સુરત મહાનગરપાલિકાની દૃષ્ટિ – AIથી 100% સ્વચ્છતા
આ મિશન વિશે SMCના આરોગ્ય અધિકારી ડૉ. પ્રદીપ ઉમરીગરે જણાવ્યું હતું કે, સ્વચ્છતામાં સુરત ભારતમાં નંબર 1 છે. અમે હવે એક સ્તર ઉપર જઈને AI આધારિત ઓટોમેટિક મોનિટરિંગ અમલમાં મૂકી રહ્યા છીએ. આ ટેક્નોલોજી કચરો જોતા જ રિપોર્ટ કરે છે અને તરત સફાઈ ટીમને મોકલી દે છે. આ રીતે કોઈપણ વિસ્તાર ગંદો રહેશે નહીં. કેમ AI મહત્ત્વપૂર્ણ છે? સુરતનો આ પ્રયોગ ભારત માટે એક મોડેલ બની શકે
સુરત દેશનું પહેલું શહેર બની ગયું છે, જ્યાં આટલા મોટા સ્તરે AI દ્વારા સ્વચ્છતા મોનિટરિંગ થઈ રહ્યું છે. આ મોડેલ ભારતનાં અન્ય શહેરો માટે પણ પ્રેરણાદાયક બની શકે છે. સફાઈ હવે માત્ર કર્મચારીઓ કે નાગરિકોની જવાબદારી નહીં, પણ ટેક્નોલોજી પણ તેમાં સહભાગી બનશે. હવે સુરતમાં કચરો ફેંકતા પહેલાં બે વખત વિચારજો, કેમ કે AI તમને પકડી જ લેવાની.