ગીર સોમનાથના પ્રભાસ પાટણ ખાતે આવેલા ત્રિવેણી સંગમમાં મહત્વપૂર્ણ નિયમ લાગુ કરવામાં આવ્યો છે. અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ રાજેશ આલે એક જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામા અનુસાર, ત્રિવેણી સંગમની નદીમાં હવે માત્ર અસ્થિ અને પિંડનું વિસર્જન કરી શકાશે. પૂજા સામગ્રી જેવી કે ચૂંદડી, કાપડ, નાળિયેર, ફૂલો અને માટીના વાસણો નદીમાં પધરાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત પ્લાસ્ટિકની કોથળીઓ, અન્ય પ્લાસ્ટિકની સામગ્રી, રાંધેલ કે કાચી ખાદ્ય સામગ્રી તેમજ કોઈપણ પ્રકારનો કચરો નદીમાં નાખવા પર પણ પ્રતિબંધ છે. આ નિયમનો ભંગ કરનાર વ્યક્તિ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ-223 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. આ જાહેરનામું 22 ફેબ્રુઆરીથી 60 દિવસ સુધી અમલમાં રહેશે.