‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ શોમાં જોવા મળેલા યુટ્યૂબર આશિષ ચંચલાનીએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. તેણે આસામ અને મહારાષ્ટ્રમાં તેની સામે નોંધાયેલા કેસોને રદ કરવા માટે અરજી દાખલ કરી છે. આ મામલાની સુનાવણી આજે સુપ્રીમ કોર્ટમાં થશે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે આસામમાં તેમની સામે નોંધાયેલો કેસ રદ કરવામાં આવે. ઉપરાંત, આ FIR મુંબઈ પોલીસને ટ્રાન્સફર કરવી જોઈએ. ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ એન. કોટેશ્વર સિંહની બેન્ચ આ કેસની સુનાવણી કરશે. 12 ફેબ્રુઆરીના રોજ, ગુવાહાટી હાઈકોર્ટે આશિષ ચંચલાનીને આગોતરા જામીન આપ્યાં અને તેને દસ દિવસમાં તપાસ અધિકારીઓ સમક્ષ હાજર થવાનો આદેશ આપ્યો. જાણો શું છે સમગ્ર મામલો?
‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ એ સ્ટેન્ડ-અપ કોમેડિયન સમય રૈનાનો શો છે, જે વિવાદનો સામનો કરી રહ્યો છે. આ એપિસોડ 8 ફેબ્રુઆરીના રોજ યુટ્યૂબ પર રિલીઝ થયો હતો. આ શોમાં બોલ્ડ કોમેડી કન્ટેન્ટ છે. આ શોના વિશ્વભરમાં 73 લાખથી વધુ સબ્સ્ક્રાઇબર્સ છે. આ શોમાં માતા-પિતા અને મહિલાઓ વિશે એવી વાતો કહેવામાં આવી હતી, જેનો દિવ્ય ભાસ્કર અહીં ઉલ્લેખ કરી શકતું નથી. સમય રૈનાના આ શોના દરેક એપિસોડને યુટ્યુબ પર સરેરાશ 20 મિલિયનથી વધુ વ્યૂઝ મળે છે. આ શોના જ્જ સમય સિવાય દરેક એપિસોડમાં બદલાતા રહે છે. દરેક એપિસોડમાં એક નવા કન્ટેસ્ટન્ટને પરફોર્મ કરવાની તક મળે છે. કન્ટેસ્ટન્ટને તેની પ્રતિભા દર્શાવવા માટે 90 સેકન્ડનો સમય આપવામાં આવે છે. 10 ફેબ્રુઆરીના રોજ, આસામના સીએમ હિમંતા બિસ્વા શર્માએ પણ આ મામલે રાજ્યમાં FIRની માહિતી આપી હતી. તેણે કહ્યું હતું કે ગુવાહાટી પોલીસે કેટલાક યુટ્યૂબર્સ અને સામાજિક પ્રભાવકો – આશિષ ચંચલાની, જસપ્રીત સિંહ, અપૂર્વા માખીજા, રણવીર અલ્લાહબાદિયા, સમય રૈના અને અન્ય લોકો સામે કેસ નોંધ્યો છે. 12 ફેબ્રુઆરીના રોજ, મુંબઈમાં યુટ્યૂબર્સ રણવીર અલ્લાહબાદિયા અને સમય રૈના વિરુદ્ધ બે દિવસમાં બીજી FIR નોંધવામાં આવી હતી. આ કાર્યવાહી મહારાષ્ટ્ર પોલીસની સાયબર શાખા દ્વારા કરવામાં આવી હતી. રણવીર અને સમય ઉપરાંત, પહેલા એપિસોડથી અત્યાર સુધી શોમાં ભાગ લેનારા 30 ગેસ્ટ સામે પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે. તે જ સમયે, ઓલ ઈન્ડિયા સિને વર્કર્સ એસોસિએશને ‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ શો પર પ્રતિબંધ મૂકવા માટે ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખ્યો હતો. એસોસિએશને કહ્યું કે આવા શો દેશના યુવાનોને મૂંઝવણમાં મૂકે છે. રણવીર અલ્લાહબાદિયાને કોર્ટમાંથી મળી રાહત કોર્ટે રણવીર અલ્લાહબાદિયાને ધરપકડમાંથી રાહત આપી, પરંતુ તેને ફટકાર પણ લગાવી હતી. કોર્ટે કહ્યું હતું કે તમારી કોમેન્ટની ભાષા વિકૃત છે અને મગજમાં ગંદવાડ છે. આનાથી ફક્ત માતા-પિતા જ નહીં, પણ દીકરીઓ અને બહેનો પણ શરમ અનુભવતા હશે. સંપૂર્ણ સમાચાર વાંચો..