ડિરેક્ટર મુદસ્સર અઝીઝની ફિલ્મ ‘મેરે હસબન્ડ કી બીવી’ આજે રિલીઝ થઈ છે. આ એક રોમેન્ટિક-કોમેડી ફિલ્મ છે જે લગ્ન, પ્રેમ અને પૂર્વ જીવનસાથીની આસપાસ ફરતી એક રસપ્રદ સ્ટોરી છે. આ ફિલ્મમાં અર્જુન કપૂર, ભૂમિ પેડનેકર, રકુલપ્રીત સિંહ અને હર્ષ ગુર્જરની મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે. આ ફિલ્મની લંબાઈ 2 કલાક 30 મિનિટ છે. દિવ્ય ભાસ્કરે આ ફિલ્મને 5 માંથી 3 સ્ટાર રેટિંગ આપ્યાં છે. ફિલ્મની સ્ટોરી શું છે?
અંકુર ચઢ્ઢા (અર્જુન કપૂર)ને એક છૂટાછેડા લીધેલ છોકરો બતાવામાં આવ્યો છે, જેના પ્રભલીન ધિલ્લોન (ભૂમિ પેડનેકર) સાથેના લગ્નનો અંત આવ્યો હોય છે. પરંતુ છૂટાછેડા છતાં, પ્રભલીનના ડરામણા સપના તેને સતત હેરાન કરે છે. તેનો મિત્ર રેહાન (હર્ષ ગુર્જર) તેને આ મુશ્કેલીમાંથી બહાર કાઢવા માટે દરેક શક્ય પ્રયાસ કરે છે, પરંતુ નિષ્ફળ જાય છે. આ દરમિયાન, અંતરા ખન્ના (રકુલપ્રીત સિંહ) અંકુરના જીવનમાં એન્ટ્રી કરે છે અને તે ફરીથી પ્રેમમાં પડે છે. ખૂબ જ મુશ્કેલીથી, અંકુર અંતરાને તેની સાથે લગ્ન કરવા માટે મનાવી લે છે, પરંતુ પછી એક અકસ્માત થાય છે જેના કારણે પ્રભલીન તેના જીવનમાં પાછી આવે છે. આ પછી અંકુરને મેળવવા માટે લડાઈ શરૂ થાય છે જે પ્રભલીન અને અંતરા વચ્ચે અથડામણમાં ફેરવાય છે. ફિલ્મનો ક્લાઇમેક્સ આ સંઘર્ષની આસપાસ ફરે છે. સ્ટાર કાસ્ટની એક્ટિંગ કેવી છે?
પ્રભલીનના પાત્રમાં ભૂમિ પેડનેકર જબરદસ્ત એક્ટિંગ કરી છે. તેમની અને રકુલપ્રીત સિંહની ઓન-સ્ક્રીન કેમેસ્ટ્રી વધુ પ્રભાવશાળી લાગે છે. અર્જુન કપૂર વધુ સારું કરી શક્યો હોત પણ તેને યોગ્ય પંચ લાઇન અને ડાયલોગ્સ મળ્યા નહોતા. છતાં, અર્જુન કપૂરે સારો પ્રયાસ કર્યો છે અને ફિલ્મમાં તેની એક્ટિંગ અલગ તરી આવે છે. હર્ષ ગુર્જર, જે પોતાની પહેલી ફિલ્મ કરી રહ્યો છે, તે પણ કોઈ ખાસ છાપ છોડી શક્યો નથી. ફિલ્મનું ડિરેક્શન કેવું છે?
મુદસ્સર અઝીઝે ફિલ્મની સ્ટોરીને રસપ્રદ બનાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ નબળી સ્ક્રિપ્ટ, સ્ક્રિન પ્લે અને વધારાના ડાયલોગ્સને કારણે ફિલ્મ બોરિંગ લાગે છે. ખાસ કરીને પહેલો ભાગ એકદમ સ્લો અને કંટાળાજનક છે. જોકે, બીજા ભાગમાં ભૂમિ અને રકુલ વચ્ચેનો મુકાબલો ફિલ્મમાં થોડી જાન ઉમેરવાનો પ્રયાસ કરે છે, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હોય છે. આ ફિલ્મના ડાયલોગ્સ દ્વારા ડિરેક્ટરે અર્જુન કપૂરના હાવભાવ અને તેના રિલેશનશિપની મજાક ઉડાવવાનો પ્રયાસ કર્યો છે. આ ફિલ્મમાં ‘લેન્ડ કારા દે’, ‘અલ્લાહ કી લીલા’ જેવા વાઈરલ વીડિયોના ડાયલોગ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, પરંતુ તે અસરકારક સાબિત થયા ન હતા. કારણ કે કોમેડી અને સ્ક્રિપ્ટમાં બિલકુલ કોઈ મેળ બેસતો નથી. ફિલ્મનું મ્યૂઝિક કેવું છે?
ફિલ્મના મ્યૂઝિક વિશે વાત કરવામાં આવે તો એવરેજ છે. ‘ગોરી હૈં કલાઈયાં’ અને ‘ઇક વારી’ ગીતો સાંભળવામાં ગમે એવા છે, પરંતુ બાકીના ગીતો એટલા ખાસ નથી. બેકગ્રાઉન્ડ સ્કોર પણ એવરેજ છે. ફિલ્મનો અંતિમ નિર્ણય, જોવી જોઈએ કે નહીં
જો તમે હળવી-હળવી રોમેન્ટિક-કોમેડી ફિલ્મોના ફેન છો અને અર્જુન કપૂર, ભૂમિ પેડનેકર કે રકુલપ્રીત સિંહના ફેન છો, તો આ જોવા જઈ શકો છો. પરંતુ જો તમે સ્ટોરી અને શાનદાર કોમેડીની અપેક્ષા રાખતા હોય, તો આ ફિલ્મ તમને નિરાશ કરી શકે છે.