મગફળી બાદ કપાસની ટેકાના ભાવે ખરીદી માટે સરકારે જાહેરાત કરતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. જો કે, છેલ્લા 10 દિવસથી સર્વર ઠપ્પ થઇ જતા CCI દ્વારા કપાસની ખરીદી બંધ કરવામાં આવી હતી, જેના કારણે ખેડૂતોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જો કે, હવે આજથી (21 ફેબ્રુઆરી) ફરી સર્વર શરૂ થઇ જતા CCI દ્વારા કપાસની ખરીદી શરૂ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લામાં 6 જગ્યા ઉપર CCI દ્વારા ટેકાના ભાવે કપાસની ખરીદી કરવામાં આવી રહી છે. 70% જેટલી ખરીદી CCI દ્વારા પૂર્ણ કરી દેવાઈઃ ચેરમેન
રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેન જયેશ બોઘરાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, છેલ્લા 10 દિવસથી CCI દ્વારા કપાસની ખરીદી બંધ હોવા પાછળનું કારણ સર્વરમાં ટેક્નિકલ પ્રોબ્લેમ હતી. સર્વર ઠપ્પ થઇ જવાના કારણે CCI દ્વારા ખરીદી કરવામાં આવી શકતી નહોતી. જો કે, આજથી ફરી સર્વર પ્રોબ્લેમ સોલ્વ થઇ જતા ફરી રાબેતા મુજબ ટેકાના ભાવે કપાસની ખરીદી શરૂ કરી દેવામાં આવી છે. 70% જેટલી ખરીદી CCI દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે અને 15 માર્ચ સુધી ખરીદી ચાલુ રહેવાની હોવાથી બાકીની ખરીદી આ સમય દરમિયાન પૂર્ણ કરી દેવામાં આવશે. રાજકોટના 6 કેન્દ્રો ઉપર કપાસની ખરીદી
તેમને વધુમાં જણાવ્યું હતું કે, સરકાર દ્વારા 1494 રૂપિયાના મહત્તમ ભાવથી કપાસની ખરીદી ખેડૂતો પાસેથી કરવામાં આવી રહી છે. ખેડૂતોએ ગભરાવવાની જરૂર નથી તમામ આગામી 15 માર્ચ સુધીમાં 100% ખરીદી પૂર્ણ કરી દેવામાં આવશે. આજથી ફરી ખરીદી શરૂ થઇ જતા રાજકોટના અલગ અલગ 6 કેન્દ્રો ઉપર જે ખરીદી CCI દ્વારા કરવામાં આવી રહી છે તેમાં ખેડૂતો પોતાની અનુકૂળતા મુજબ પહોંચી અને કપાસનું વેચાણ કરી શકે છે. 10 દિવસ સુધી ખેડૂતો પરેશાન થયાં
ઉલ્લેખનીય છે કે, CCI કેન્દ્ર પર ખરીદી બંધ થતા ખેડૂતો 10 દિવસ સુધી કપાસ ફરજિયાત પણે ખુલા બજારમાં ઓછા ભાવે પણ વેચવો પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. થોડા સમય પહેલા રાજ્યભરમાં મગફળીની ખરીદીમાં બાબુઓની લાલિયા વાડીના આક્ષેપો ખુદ ભાજપના જ ધારાસભ્ય અરવિંદ લાડણીએ કર્યા હતા. પરંતુ સરકાર તરફથી કોઈ દરકાર લેવામાં ન આવતા 10 દિવસ સુધી કપાસની ખરીદીમાં પણ ખેડૂતો અધિકારી ભરોશે મુકાયા હતા. જો કે, હવે ખરીદી આજથી જ શરૂ થતા ફરી સર્વર ઠપ્પ ન થાય તેવી પ્રાર્થના ખેડૂતો કરી રહ્યા છે.