ઊંઝા તાલુકાના ખટાસણા ગામની સીમમાં એક ગંભીર અકસ્માત સર્જાયો છે. કહોડા-લુણવા રોડ પર એક અજાણ્યા વાહન ચાલકે રાહદારીને ટક્કર મારતાં તેમનું મોત થયું છે. મૃતક જગદીશભાઈ દેવીપુજક 19 ફેબ્રુઆરી 2025ના રોજ સાંજે 5:30 વાગ્યે કહોડા-લુણવા રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. એક અજાણ્યા વાહન ચાલકે પૂરઝડપે આવીને તેમને ટક્કર મારી હતી. ગંભીર ઈજાઓને કારણે જગદીશભાઈનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. મૃતક ખટાસણા ગામની સીમમાં બાંડિયાના ચાડામાં રહેતા હતા. તેઓ મૂળ ભાન્ડુ મહેસાણાના વતની હતા. તેમના પુત્ર રોહિતભાઈ દેવીપુજકની ફરિયાદના આધારે ઊંઝા પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. પોલીસે આ કેસમાં વધુ તપાસ શરૂ કરી છે.