મોદીના મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને ચારેય બાજુથી ઘેર્યું છે. એમાં સૌથી મોટો ઝટકો આપ્યો હોય તો એ 21 મિલિયન ડોલર એટલે કે 182 કરોડની સહાય રોકીને આપ્યો છે. આ મુદ્દે ભાજપ અને કોંગ્રેસ બંને એકબીજા પર આક્ષેપ કરવા માંડ્યા છે. આજે એની વાત… નમસ્કાર, ભારતમાં લોકસભાની ચૂંટણીના પરિણામોને પ્રભાવિત કરવા માટે જો બાઈડેને યુસેઈડમાંથી ભારતને ફંડ આપ્યું હતું. યુસેઈડ એ અમેરિકાની સંસ્થા છે જે બીજા દેશોને મદદ કરે છે. ડોનાલ્ડ ટ્રમ્પે આ ફંડ રોકી દીધું છે. આ દરમિયાન એક રિપોર્ટ એવો આવ્યો છે કે, ટ્રમ્પ જે પૈસાની વાત કરી રહ્યા છે તે ભારતને નહીં પણ બાંગ્લાદેશને આપ્યું હતું. આખો વિવાદ શું છે એ સમજો… ઈલોન મસ્કે ટ્વિટ કરીને જાણ કરી કે, અમેરિકા ભારતને અપાતી 182 કરોડ રૂપિયાની સહાય રોકવા જઈ રહ્યું છે. પહેલાં તો એવું લાગ્યું કે ઈલોન મસ્કે જ આ નિર્ણય લીધો છે. પણ જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે આ વાત અમેરિકન મીડિયા સામે કરી ત્યારે ભારતને ઝટકો લાગ્યો કે, ભારતને અમેરિકન સહાય રોકી દેવામાં આવી છે. આ આખા વિવાદની શરૂઆત 16 ફેબ્રુઆરીથી થઈ. એ દિવસે અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી (ડોજે)એ એવું કહ્યું કે ભારતમાં મતદાન વધારવા માટેની 21 મિલિયન ડોલરની સહાય અમે કેન્સલ કરી હતી. ટ્રમ્પે મિયામીમાં એવું કહ્યું કે ભારતમાં મતદાન વધારવા માટે આપણે શા માટે 21 મિલિયન ડોલર ખર્ચવા જોઇએ? મને લાગે છે કે એ લોકો કોઇ બીજાને ચૂંટવા માગતા હતા. પછી ઇન્ડિયન એક્સપ્રેસે એક ફેક્ટ ચેકમાં એવું સિદ્ધ કરવાની કોશિશ કરી કે ખરેખર આ 21 મિલિયન ડોલર ભારત નહીં પણ બાંગલાદેશ માટે ફાળવાયા હતા. ટ્રમ્પ આટલેથી અટક્યા નથી, તેમણે તો ત્યાં સુધી કહ્યું કે આ તો એક પ્રકારની લાંચ યોજના જ હતી. 5 વર્ષમાં ભારતને કેટલું USAIDનું ફંડ મળ્યું? ભારતને USAIDથી કેટલું ફંડિંગ? 2004થી 2013 વચ્ચે 2015થી 2024 વચ્ચે ટ્રમ્પે કહ્યું, ભારત પાસે બહુ પૈસા છે, આપણે શું કામ મદદ કરવી જોઈએ? ડોજના રિપોર્ટ પછી ટ્રમ્પે પણ એક સભામાં કહ્યું કે, ભારતમાં વોટર ટર્નઓઉટ વધારવા માટે આપણે મિલિયન ડોલર ખર્ચ કરી રહ્યા છીએ. એ પણ 21 મિલિયન ડોલર. ભારતમાં વોટર ટર્નઆઉટ વધારવા માટે આની શું જરૂર છે? મારા ખ્યાલથી બાઈડન ઈચ્છતા હતા કે ભારતમાં કોઈ બીજું જ ચૂંટણી જીતે. જ્યારે રશિયા આપણા દેશમાં 2 ડોલર (173 રૂપિયા) ખર્ચ કરે છે તો આપણા માટે મોટો મુદ્દો હતો. તેમણે 2 હજાર ડોલર (1 લાખ 73 હજાર રૂપિયા) ખર્ચ કરીને ઈન્ટરનેટની કેટલીક જાહેરાતો ખરીદી. પણ ભારતમાં ચૂંટણી માટે 21 મિલિયન ડોલર એ બહુ મોટી વાત છે. ભારત પાસે બહુ પૈસા છે, તેને આપણે મદદ કરવાની જરૂર નથી. અમેરિકન ફંડ મુદ્દે ભાજપ-કોંગ્રેસ આમને સામને
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે અમેરિકા (USAID) તરફથી મળેલા ભંડોળનો ઉપયોગ ભારતની ચૂંટણી પ્રક્રિયામાં દખલ કરવા માટે થઈ રહ્યો છે. ટ્રમ્પના આ નિવેદન બાદ ભાજપે કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે. ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ શુક્રવારે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, લોકસભા ચૂંટણી પહેલા ઘણા પત્રકારો અને સંગઠનોએ પણ કહ્યું હતું કે વિદેશી શક્તિઓ ભારતની ચૂંટણી પ્રક્રિયામાં દખલ કરે છે. તેમનો ઉદ્દેશ્ય પીએમ મોદીને હટાવવાનો છે. ભાટિયાએ કહ્યું- કોંગ્રેસ ભારતના દુશ્મનો સાથે હાથ મિલાવીને કામ કરી રહી છે. પીએમ મોદીને નફરત કરવાની સાથે, રાહુલ ગાંધી ભારતને પણ નફરત કરવા લાગ્યા છે. રાહુલ ગાંધી ભારત વિરોધી શક્તિઓનો ભાગ બની ગયા છે અને રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ છે. ભાટિયાએ કહ્યું કે રાહુલનું મૌન દર્શાવે છે કે તે બંધારણ પર હાથ રાખીને શપથ લેવા છતાં ભારત સાથે દગો કરી રહ્યા છે. તેઓ ભારત વિરોધી શક્તિઓને આપણા દેશની પારદર્શી ચૂંટણી પ્રક્રિયામાં દખલ કરવા માટે ઉશ્કેરી રહ્યા છે. જોકે, કોંગ્રેસે ટ્રમ્પના દાવાને વાહિયાત ગણાવ્યો છે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે ટ્વિટ કરીને લખ્યું – અમેરિકી રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવી રહેલા દાવાઓ વાહિયાત છે. ભારત સરકારે તાત્કાલિક એક શ્વેતપત્ર બહાર પાડવો જોઈએ જેમાં છેલ્લા દાયકાઓમાં ભારતમાં સરકારી અને બિન-સરકારી સંસ્થાઓને યુસેઈડ દ્વારા આપવામાં આવેલા ફંડની વિગતો આપવામાં આવે. જયરામ રમેશે કહ્યું – પહેલા વોશિંગ્ટનમાં જૂઠું બોલાયું. પછી ભાજપની જૂઠાણા સેનાએ જૂઠાણું ફેલાવ્યું. ગોદી મીડિયા પર ચર્ચા માટે જુઠ્ઠાણા ફેલાવવામાં આવ્યા હતા. આ જૂઠાણું હવે ખુલ્લું પડી ગયું છે. શું જુઠ્ઠાણા ફેલાવનારા માફી માંગશે? એ રૂપિયા ભારત માટે નહીં, બાંગ્લાદેશ માટે હતા !! ટ્રમ્પના નિવેદન પછી સવાલ એ થાય કે શું જો બાઈડેન ભારતની ચૂંટણીને પ્રભાવિત કરવા માગતા હતા? આવા સવાલોને ઊજાગર કરતા ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટમાં લખ્યું છે કે આ પૈસા યુસેઈડ યોજનામાંથી મળતા હતા. ટ્રમ્પ સરકારે આ યોજના જ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. 2022માં 21 મિલિયન ડોલરની રકમ બાંગ્લાદેશ માટે એલોટ થઈ હતી. તેમાંથી 13.4 મિલિયન ડોલર એટલે 116 કરોડ રૂપિયા પહેલાં જ આપી દેવામાં આવ્યા હતા. બાંગ્લાદેશમાં શેખ હસીના વડાપ્રધાન હતા ત્યારે જ આ રકમ આપવામાં આવી હતી. આ પૈસા કંસોર્ટિયમ ફોર ઈલેક્શન એન્ડ પોલિટિકલ પ્રોસેસ સ્ટ્રેથનિંગ (CEPPS)ના માધ્યમથી મોકલવામાં આવ્યા હતા. CEPPS વોશિંગ્ટન ડીસી સ્થિતિ એક સંસ્થા છે જે દુનિયાભરના લોકતાંત્રિક દેશોને મદદ કરે છે. CEPPSને યુસેઈડ તરફથી 486 મિલિયન ડોલર એટલે લગભગ 4200 કરોડથી વધારે મળવાના હતા. રિપોર્ટમાં લખ્યું છે કે, 2008 પછી ભારતમાં CEPPSનો કોઈ એવો પ્રોજેક્ટ નથી જેને યુસેઈડના માધ્યમથી ફંડ મળતું હોય. જ્યારે 2022માં બાંગ્લાદેશને ‘આમાર વોટ આમાર’ એટલે ‘મારો મત મારો છે’ કેમ્પેન માટે પૈસા આપવામાં આવ્યા હતા. યુસેઈડ અને CEPPSએ પોતાની વેબસાઈટ બંધ કરી દીધી છે. અમેરિકાના જે પૈસા બચશે તે અમેરિકનોને અપાશે : ટ્રમ્પ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેમનું ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી (ડોજ) માંથી પૈસા જતાં બચશે તે 20% અમેરિકન લોકોને વહેંચવાનું વિચાર્યું છે. આ ઉપરાંત, બાકીના 20 ટકા પૈસા સરકારી લોન ઘટાડવા માટે ફાળવવામાં આવશે. ટ્રમ્પે ડોજની જવાબદારી એલોન મસ્કને સોંપી છે, જે સરકારી પૈસા બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. સાઉદી અરેબિયાના સોવરિન વેલ્થ ફંડ દ્વારા આયોજિત મિયામીમાં ગ્લોબલ ફાઇનાન્સર્સ અને ટેકનોલોજી એક્ઝિક્યુટિવ્સની મિટિંગમાં ટ્રમ્પે કહ્યું કે, અમેરિકાના બચેલા પૈસા અમેરિકનોને આપીશું. આ અમારો નવો વિચાર છે. યુસેઈડ શું છે? USAID (યુસેઈડ)ની શરુઆત 1961માં તત્કાલીન પ્રેસિડન્ટ જહોન એફ કેનેડીએ કરી હતી. દુનિયાના 100 કરતાં વધુ દેશોમાં આ સહાય છેલ્લા સાડા છ દાયકાથી અમેરિકા કરી રહ્યું છે. યુસેઈડ એ યુએસ સરકારની વિદેશી સહાય એજન્સી છે. જે અમેરિકા વિશ્વભરના વિવિધ દેશોને અલગ અલગ હેતુ માટે નાણાકીય સહાય પૂરી પાડે છે. અમેરિકા પર યુસેઈડ દ્વારા પોતાનો એજન્ડા આગળ ધપાવવાનો પણ આરોપ છે. યુસેઈડની વિશ્વભરના 60 થી વધુ દેશોમાં ઓફિસો છે. કોંગ્રેસનલ રિસર્ચ સર્વિસ અનુસાર, આ એજન્સીમાં આશરે 10,000 લોકો કામ કરતા હતા. હવે કર્મચારીઓની સંખ્યા ઘટીને બે હજાર આસપાસ છે. અમેરિકાથી ભારતમાં પૈસા લાવવાના 4 સ્ટેપ્સ 1. પૈસા ક્યાંથી આવ્યા? યુએસ એજન્સી USAID (યુસેઈડ) દ્વારા ભારતને આપવામાં આવેલા 4 હજાર કરોડના ફંડમાંથી ભારતને રૂપિયા મળ્યા. 2. ભારતમાં પૈસા કેવી રીતે પહોંચ્યા? આ પૈસા કન્સોર્ટિયમ ફોર ઇલેક્શન્સ એન્ડ પોલિટિકલ પ્રોસેસ સ્ટ્રેન્થનિંગ (CEPPS) નામની સંસ્થાને આપવામાં આવ્યા હતા. આ સંસ્થા પાસે ત્રણ NGO છે, IFES (ચૂંટણી જાગૃતિ માટે), NDI (લોકશાહીને પ્રોત્સાહન આપવા માટે) અને IRI (નાગરિક ભાગીદારી વધારવા માટે). CEPPS એ આ પૈસા એશિયામાં કામ કરતી એશિયન નેટવર્ક ફોર ફ્રી ઇલેક્શન્સ (ANFREL) નામની NGO ને આપ્યા. ત્યાંથી તે ભારતમાં IFES માં પહોંચ્યા. 3. ભારતમાં કોને પૈસા મળ્યા? આ પૈસા મતદાર જાગૃતિ, નાગરિક સંગઠનો અને રાજકીય પક્ષો સાથે સંબંધિત NGO ને આપવામાં આવ્યા. તેમના નામ જાહેર કરવામાં આવ્યા નથી. 4. પૈસા કેવી રીતે ખર્ચવામાં આવ્યા? આ પૈસાનો ઉપયોગ રેલીઓ, ઘરે ઘરે જઈને પ્રચાર અને કાર્યકરોને ટ્રેનિંગ આપવા માટે કરવામાં આવ્યો હતો. અમુક વિસ્તારોમાં મતદાન વધારવા માટે પણ પૈસા ખર્ચવામાં આવ્યા હતા. કેન્દ્ર સરકાર વિરુદ્ધનો માહોલ વધારવા માટે મીડિયા પ્રચાર કરવામાં આવ્યો. સ્વયંસેવકોને તાલીમ, ભોજન, રહેવાની વ્યવસ્થા અને મુસાફરી ખર્ચ પૂરો પાડવામાં આવ્યો હતો. ટ્રમ્પે પલટી મારી, ચીનનો ટેરિફ ઘટાડી દીધો ડોનાલ્ડ ટ્રમ્પે મોદીની હાજરીમાં ટેરિફની વાતનો છેદ ઊડાડી દીધો હતો. ટ્રમ્પે મોદીને સ્પષ્ટ કહી દીધું હતું કે, ટેરિફ મામલે કોઈ નેગોશિએશન નહીં થાય. અમે જેવા સાતે તેવાની નીતિ અપનાવીશું. થોડા સમય પહેલાં ટ્રમ્પે મેક્સિકો, કેનેડા અને ચીન પર ટેરિફ વધારવાની જાહેરાત કરી હતી. હવે ટ્રમ્પે યુ-ટર્ન લીધો છે. તેમણે કહ્યું કે ચીન સાથે નવી બિઝનેસ ડીલ થઈ શકે છે અને ટેરિફ 20% થી ઘટાડીને 10% કરવામાં આવ્યો છે. યુએસ ચૂંટણી દરમિયાન ચીન પર પ્રહાર કરનારા ટ્રમ્પ ચીન મામલે ઢીલા પડ્યા છે. આ પણ ભારત માટે ચિંતાની વાત છે. ટ્રમ્પે કહ્યું- મારા ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ સાથે સારા સંબંધો છે. અમેરિકા અને ચીન વચ્ચે ટૂંક સમયમાંનવી બિઝનેસ ડીલ કરશે. છેલ્લે, અમેરિકામાં ગેરકાયદે ભારતીયો છે તો ચીન અને રશિયાના પણ ગેરકાયદે ઘૂસણખોરો છે. અમેરિકા ભારતના લોકોને હાથકડી પહેરાવીને કાર્ગો પ્લેનમાં નીચે બેસાડીને કેદીની જેમ મોકલી રહ્યું છે. પણ ચીન અને ફ્રાન્સના ગેરકાયદે ઘૂસણખોરોને પેસેન્જર પ્લેનમાં મોકલવામાં આવી રહ્યા છે. આનો મતલબ શું થયો, એ તમને સમજાવવાની જરૂર નથી. સોમવારથી શુક્રવાર સુધી રાત્રે 8 વાગ્યે જોતા રહો એડિટર્સ વ્યૂ… (રિસર્ચ : યશપાલ બક્ષી )