back to top
Homeગુજરાતભાસ્કર બ્રેકિંગ:રાજકોટમાં હવે કચરામાંથી વીજળી ઉત્પન્ન નહીં થાય, વર્લ્ડ બેંકે 400 કરોડની...

ભાસ્કર બ્રેકિંગ:રાજકોટમાં હવે કચરામાંથી વીજળી ઉત્પન્ન નહીં થાય, વર્લ્ડ બેંકે 400 કરોડની લોન આપવાની ના પાડી દીધી

શહેરમાંથી નીકળતો કચરો હંમેશના માટે કોઇપણ શહેરના શાસકો અને અધિકારીઓ માટે માથાનો દુ:ખાવો સાબિત થતો હોય છે. ફરી એક વખત એવું થયું છે કે, કચરામાંથી વીજળી ઉત્પન્ન કરવાનો પ્રોજેક્ટ સ્થગિત થઈ જશે કારણ કે રાજકોટ ઉપરાંત જામનગર, વડોદરા અને અમદાવાદમાં કામ કરતી એબેલોન ક્લીન એનર્જી કંપનીએ વર્લ્ડ બેંકમાં વેસ્ટ ટુ એનર્જી પ્રોજેક્ટ માટે રૂ. 400 કરોડની લોનની ડિમાન્ડ કરી હતી. પરંતુ પર્યાવરણ મુદ્દે લડત ચલાવતી સંસ્થાઓ ઉપરાંત આરટીઆઈ એક્ટિવિસ્ટ શૈલેન્દ્રસિંહ જાડેજાએ વર્લ્ડ બેંકને કરેલી આધાર પુરાવાઓ સાથેની રજૂઆતના લીધે 400 કરોડની લોન નહીં આપવાનો નિર્ણય વર્લ્ડ બેંકે લીધો છે. રાજકોટમાં એબેલોન ક્લિન એનર્જી કંપની છેલ્લા અગિયારેક વર્ષથી કચરો પ્રોસેસ કરવાનું કામ કરે છે. દરમિયાન એક એવો નિર્ણય કંપનીએ લીધો હતો કે, જેટલો કચરો નીકળે છે તેમાંથી વીજળી ઉત્પન્ન કરવામાં આવશે. આ માટે કંપનીએ ઈરડા અને પાવર ફાયનાન્સમાંથી અનુક્રમે 116 અને 80 કરોડની લોન લીધી હતી. આરટીઆઈ એક્ટિવિસ્ટ જાડેજાએ જણાવ્યું હતું કે, જ્યારે એબેલોન કંપનીને લોન આપવાની હતી તે પહેલા ઉપરોક્ત બંને નાણાકીય સંસ્થાને રજૂઆત કરાઈ હતી કે જો એબેલોનને લોન અપાશે તો તમારી સંસ્થા મુસીબતમાં મુકાઈ શકે તેમ છે. જો કે આમ છતાં ઉપરોક્ત બંને નાણાકીય સંસ્થાઓએ રાજકોટમાં કચરાના પ્રોસેસ માટે એબેલોન કંપનીને લોન આપી હતી. પરંતુ હાલની સ્થિતિની વાત કરીએ તો રાજકોટમા કચરા પ્રોસેસનું માત્ર 60 ટકા કામ જ થયું છે. 40 ટકા જૂનો કચરો પડ્યો છે અને રોજનો જે ઠલવાઈ રહ્યો છે તે અલગ. આ સમય દરમિયાન મે-2024માં એબેલોન કંપનીએ રાજકોટ ઉપરાંત અમદાવાદ, વડોદરા અને જામનગરમાં વેસ્ટ ટુ એનર્જી પ્રોજેક્ટ માટે 400 કરોડની લોન મૂકી હતી. આ અંગેની જાણ આરટીઆઈ એક્ટિવિસ્ટ શૈલેન્દ્રસિંહ જાડેજાને થતા તેઓ ઉપરાંત અન્ય કેટલીક સંસ્થાઓએ વર્લ્ડ બેંકમાં આધાર પુરાવા સાથે રજૂઆત કરી હતી અને આ કારણોસર વર્લ્ડ બેંકે એબેલોન કંપનીને લોન આપવાની ઘસીને ના પાડી દીધી છે. જીપીસીબીના રિપોર્ટ મુજબ રાજકોટમાં ડમ્પિંગ સ્થળે 7.50 લાખ ટન કચરો હજુ પડ્યો છે!
જીપીસીબીના રિપોર્ટ મુજબ રાજકોટમાં હજુ જૂનો કચરો 7.50 લાખ ટન પડ્યો છે. શહેરમાંથી રોજ અંદાજે 700 ટન કચરો નીકળે છે. આ કચરો હવે ફરી નાકરાવાડી ડમ્પિંગ સાઈટમાં જમા થશે. આમ કચરા પ્રોસેસિંગ માટે આવતી કંપનીઓ અને મહાનગરપાલિકાના સત્તાધીશો તેમજ અધિકારીઓ વચ્ચેની સાંઠગાંઠ અને કામ ન કરવાની આવડતના કારણે આ મુદ્દો છેલ્લા 15 વર્ષથી અધ્ધરતાલ છે. અત્યાર સુધીમાં ક્યારેય એવું નથી બન્યું કે કોઇ કંપનીએ કચરા પ્રોસેસનું કામ શરૂ કર્યું હોય અને તે 100 ટકા પૂરું થયું હોય. ફરી એક વખત કચરા મુદ્દે રાજકોટ સહિતના મોટા શહેરોમાં વિટંબણા ઉભી થવાની સંભાવના છે. આ કારણે સ્વચ્છતા સર્વેક્ષણમાં છેલ્લા બે વર્ષથી રાજકોટ પછડાટ ખાઈ રહ્યું છે. અગાઉના વર્ષોમાં રાજકોટ મહાનગરપાલિકાના શાતિર અધિકારીઓએ નાકરાવાડી ડમ્પિંગ સાઈટનો મુદ્દો કેન્દ્રમાં પહોંચાડ્યો જ ન હતો. હવે જ્યારે એનજીટીએ ફટકાર લગાવતા કરોડો રૂપિયાની ગ્રાન્ટની જરૂર પડી ત્યારે બે વર્ષ પહેલા કેન્દ્રમાં રિપોર્ટ કરી લિગેસી વેસ્ટ દૂર કરવા ખોળો પાથર્યો હતો. આ ગ્રાન્ટ મળતા જ સ્વચ્છતા સર્વેક્ષણની તપાસ કમિટીને જાણ થઈ ગઈ કે રાજકોટમાં કચરો એકઠો કરીને નિકાલ કરવાને બદલે પર્યાવરણને નુકસાન થાય તે રીતે ઢગલા કરવામાં આવી રહ્યા છે જેથી માર્ક કપાયા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments