RTI એક્ટિવિસ્ટના નામે પાલિકામાં અરજી કરી લોકોને બાંધકામ તોડાવી નાખવાની ધમકી આપી રૂપિયા પડાવતી ટોળકીમાં સામેલ પાલિકાની કર્મચારી રૂબીના અને તેના પતિએ બિલ્ડર પાસેથી 1.50 લાખ પડાવ્યા હતા. તેના પતિએ બિલ્ડરના ગળે ચપ્પુ મુકી વધુ 5 હજાર પણ લીધા હતા. પોલીસે ખંડણીખોરો સામે કાર્યવાહી શરૂ કરતા અડાજણના બિલ્ડર અંસાર મેમણે ફરિયાદ આપતાં અઠવા પોલીસે રૂબીના જરીવાલા અને તેના પતિ અને ન્યૂઝ સિટી ટૂડેનો પત્રકાર શાકીબ ઝરીવાલા સામે ગુનો નોંધ્યો છે. બિલ્ડરની 2022માં સગરામપુરામાં બાંધકામની સાઇટ ચાલતી હતી, જ્યાં શાકીબે આવી ‘આ બાંધકામ ગેરકાયદે છે. જો પૈસા નહિ આપો તો પાલિકામાં અરજી કરી તોડાવી નાખીશ’ બિલ્ડરે તેને કહ્યું કે ‘બાંધકામ કાયદેસર છે’ છતાં શાકીબ હેરાન કરતો હતો. બિલ્ડર પાલિકા પર ગયો ત્યારે શાકીબ રૂબીના સાથે વાત કરતો હતો. પછી શાકીબે બિલ્ડરને કહ્યું કે ‘મારી પત્ની પાલિકામાં નોકરી કરે છે અને મેઇન સાહેબ સાથે કામ કરે છે.’ થોડા દિવસ પછી શાકીબે સાઇટ પર જઈ દોઢ લાખ માંગ્યા હતા. બિલ્ડરે ના પાડતા ધમકી આપી હતી. આથી બિલ્ડરે તેને 50 હજાર આપી દીધા હતા. ત્યાર પછી શાકીબે ટુકડે ટુકડે વધુ 1 લાખ પડાવ્યા હતા. 2023માં બિલ્ડરે કંટાળીને ના પાડી દીધી હતી. મારી સામે ઘણા ગુના છે, પોલીસ કંઈ નહીં બગાડે
શાકીબે બિલ્ડરને કહ્યું કે તું મને ઓળખતો નથી, મારા વિરુદ્ધ ઘણા ગુના દાખલ થયા છે. પોલીસ મારું કંઈ બગાડી ન શકે.’ એમ કહી બિલ્ડરના ગળા પર ચપ્પુ મુકી 5 હજાર પડાવ્યા હતા. આ ઘટના વખતે બિલ્ડરનો ભાગીદાર અને આસપાસના લોકો પણ ભેગા થઈ ગયા હતા. રૂબીનાના ભાઈ મુસ્તાકની પણ ખંડણીના ગુનામાં ધરપકડ થઈ હતી, જેમાં રૂબીના ભાઈને પ્લાન સહિતના ફોટો પાડીને મોબાઇલ પર મોકલી આપતી હતી.