back to top
HomeગુજરાતAMCનો ફાયર ઓફિસર 65,000ની લાંચ લેતા ઝડપાયો:ઇનાયત શેખને સસ્પેન્ડ કરવા મ્યુ. કમિશનરનો...

AMCનો ફાયર ઓફિસર 65,000ની લાંચ લેતા ઝડપાયો:ઇનાયત શેખને સસ્પેન્ડ કરવા મ્યુ. કમિશનરનો હુકમ, TRP અંગ્નિકાંડ બાદ એક વર્ષમાં 3 શહેરના 5 કર્મચારી ACBની ઝપટે ચડ્યા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગમાં ફરજ બજાવતા ડિવિઝનલ ફાયર ઓફિસર ઇનાયત શેખને રૂપિયા 65,000ની લાંચ લેતાં ACBએ રંગેહાથ ઝડપી પાડ્યો છે. ACBને ફરિયાદ મળી હતી કે પ્રહલાદનગર ફાયર સ્ટેશનમાં ડિવિઝનલ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવતા ઇનાયત શેખ દ્વારા ફાયર NOCની ફાઈલો પાસ કરવાની 80,000 લાંચ માગી હતી. એમાંથી રૂપિયા 15,000 જે-તે સમયે ફરિયાદી પાસેથી લઈ લીધા હતા, જોકે આજે ACBએ છટકું ગોઠવીને બાકીની લાંચના રૂપિયા લેતા ઇનાયત શેખને ઝડપી પાડ્યો છે. ACB દ્વારા ઈનાયત શેખની ઓફિસ અને ઘર પર પણ તપાસ કરવામાં આવી રહી છે. ડિવિઝનલ ફાયર ઓફિસર ઈનાયત શેખ પાસે જ્યારે ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરનો ચાર્જ હતો ત્યારે લાંચની માગણી કરવામાં આવી હોવાનું એસીબીએ જણાવ્યું હતું. જો કે, AMCના ડેપ્યુટી કમિશનરના જણાવ્યા મુજબ ઈનાયત શેખને ક્યારે ચીફ ફાયર ઓફિસરનો ચાર્જ અપાયો જ નથી. મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની દ્વારા તાત્કાલિક અસરથી ઇનાયત શેખને સસ્પેન્ડ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના સેવક તરીકે ન શોભે તેવું કૃત્ય કરી અને લાંચ માંગવાનો ગુનો તેમના ઉપર નોંધાતા તેઓને હાલ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. ફરિયાદીએ ફાયર NOC આપવાનું કામ રાખ્યું હતું
મળતી માહિતી પ્રમાણે, ફરિયાદી ખાનગી એજન્સી ચલાવી સરકારી તથા ખાનગી બિલ્ડિંગોમાં ફાયર સેફ્ટીનાં સાધનો ઇન્સ્ટોલ કરવાની તથા ફાયર NOCને લગતા કન્સલ્ટિંગનું કામ કરે છે. ફરિયાદી દ્વારા એક બિલ્ડિંગની ફાયર NOC મેળવી આપવાનું કન્સલ્ટિંગ કામ રાખ્યું હતું. જે બિલ્ડિંગની ફાયર NOC મેળવવા જરૂરી દસ્તાવેજો તૈયાર કરી ફાઈલ બનાવી પ્રહલાદનગર ખાતે આવેલી ફાયર સ્ટેશન ઓફિસમાં ડિવિઝનલ ફાયર ઓફિસર ઇનાયત શેખની કચેરી ઓફિસમાં મોકલી આપી હતી. જે ફાયર NOC અંદાજિત ત્રણ મહિના સુધી ના મળતાં આ કામના ફરિયાદી ઇનાયત શેખને તેની ઓફિસમાં રૂબરૂ મળવા આવ્યા હતા. ફાયર NOCની ફાઈલ ન પાસ કરવાની ધમકી આપી હતી
ઇનાયત શેખે ફાયર NOC આપવાના અવેજ પેટે રૂપિયા 80,000ની લાંચ માગી હતી, પરંતુ ફરિયાદી લાંચનાં નાણાં આપ્યા નહોતા. એ બાદ ફરિયાદીને ફાયર NOC મળી ગઈ હતી. બાદમાં ઇનાયત શેખે ફરિયાદીને રૂબરૂમાં મળીને તેને આપવામાં આવેલી ફાયર NOCના વ્યવહારના રૂપિયા 80,000 નહીં આપે તો ભવિષ્યમાં ફરિયાદીની ફાયર NOCને લગતી ફાઈલ એપ્રૂવ થશે નહીં એવી ગર્ભિત ધમકી આપી હતી, જેથી ફરિયાદી પાસેથી જે-તે દિવસે રૂપિયા 15,000 લાંચના લઈ લીધા હતા. બાકીના રૂપિયા 65,000ની અવારનવાર માગણી કરતો હતો. ACBની ટીમે ગોઠવેલા છટકામાં લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
લાંચની રકમ ફરિયાદી આપવા માગતો નહોતો, જેથી તેણે ACBનો સંપર્ક કર્યો હતો. ફરિયાદીની ફરિયાદના આધારે ACB દ્વારા બે રાજ્ય સેવક પંચોને સાથે રાખી સરકારી ઓડિયો રેકોર્ડરનો ઉપયોગ કરી આજે 22 ફેબ્રુઆરીના રોજ શનિવારે ઇનાયત શેખે ફરિયાદી સાથે લાંચની માગણી સંબંધેની હેતુલક્ષી વાતચીત કરી હતી. ઇનાયત શેખે લાંચની રકમ માટે ફરિયાદીને પ્રહલાદનગર ફાયર સ્ટેશન ખાતે આવેલી પોતાની ઓફિસમાં જ બોલાવ્યો હતો, જ્યાં ACBએ છટકું ગોઠવ્યું હતું, જેમાં ફરિયાદીની સાથે ACBના કર્મચારી ગયા અને ઇનાયત શેખને પોતે છટકામાં ગોઠવાઈ ગયાનો ખ્યાલ પણ ન આવ્યો અને તેને રંગે હાથ રૂપિયા 65,000 આપતાં ઝડપી પાડવામાં આવ્યો હતો. ફરિયાદીએ કંટાળીને ACBનો સંપર્ક કર્યો હતો
ACBના DySP પઢેરિયાએ જણાવ્યું હતું કે, આરોપી ઇનાયત શેખ ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર હતા, ત્યારે આ લાંચની માગ કરી હતી અને NOC આપી ન હતી. ત્યારબાદ NOC મંજૂર થતાં હવે ભવિષ્યમાં કોઇપણ અરજી આવશે તો તેને મંજૂર નહિ કરવામાં આવે તેવી ધમકી આપી હતી. તમારો ધંધો ચોપટ કરી દઈશું તેવી પણ ધમકી આપી હતી. ત્યારબાદ અવારનવાર પૈસાની માંગણી કરવામાં આવી હતી. જેથી આમ અમને ફરિયાદીએ કંટાળીને ACBનો સંપર્ક કરતા આણંદ ACBને તપાસ આપવામાં આવી હતી અને આણંદ ACBના પીઆઇ દ્વારા છટકું ગોઠવીને આરોપી ઇનાયત શેખની ધરપકડ કરાઈ છે. ઇનાયત શેખના પ્રહલાદનગર ખાતેના ઘરે અને ઓફિસ પર હાલ સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. સર્ચ પૂર્ણ થયા બાદ તમામ વિગતો આપવામાં આવશે. ઇનાયત શેખ પહેલાં ચાર અધિકારીઓ સિનિયર છે
જોકે, ACBના DySP પઢેરિયા દ્વારા આરોપી ઇનાયત શેખને ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર જણાવતા આ અંગે જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગનો હવાલો સંભાળતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વિપુલ ઠક્કરે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ડિવિઝનલ ફાયર ઓફિસર ઇનાયત શેખને અમદાવાદ ફાયર વિભાગના ચીફ ફાયર ઓફિસર તરીકેનો ચાર્જ ક્યારે આપવામાં આવ્યો નથી. ચીફ ફાયર ઓફિસર તરીકે આપવાનો હોય છે તેની પહેલાં ચાર અધિકારીઓ સિનિયર છે અને ત્યાર બાદ પાંચમાં નંબરે ઇનાયત શેખ હોવાથી તેઓને ક્યારેય આજદિન સુધી ચાર્જ આપવામાં આવ્યો નથી. ‘ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરનો ચાર્જ આપવામાં આવ્યો નથી’
અમદાવાદ ફાયર વિભાગમાં ડિવિઝનલ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવતા અને રૂ. 65,000ની લાંચ લેતા ઝડપાયેલા આરોપી ઇનાયત શેખને ફાયર વિભાગના ચીફ ફાયર ઓફિસર તરીકેનો ચાર્જ આપવામાં આવ્યો જ નથી. ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર તરીકે આજ દિન સુધીમાં તેઓને ક્યારેય ચાર્જ આપવામાં આવ્યો નથી. ઇનાયત શેખ જુનિયર ડિવિઝનલ ફાયર ઓફિસર છે. જો ત્રણ મહિના પહેલાં ચીફ ફાયર ઓફિસર તરીકેનો ચાર્જ આપવાનો થાય તો હાલના એડિશનલ ચીફ ફાયર ઓફિસર જયેશ ખડીયા, એડિશનલ ચીફ ફાયર ઓફિસર મિથુન મિસ્ત્રીને ચાર્જ આપવામાં આવતો હતો. જો બંને એડિશનલ ચીફ ફાયર ઓફિસર તરીકે ન હોય તો સિનિયર ડિવિઝનલ ફાયર ઓફિસર કેઝાદ દસ્તુર અને ઓમ જાડેજાને ચાર્જ આપવામાં આવી શકે છે. જોકે આ ચાર અધિકારી બાદ પાંચમાં નંબરે ઇનાયત શેખ હોવાથી તેને ચાર્જ આપવામાં આવ્યો નથી. અગાઉ ફાયર ઓફિસર મનીષ મોડ લાંચ લેતા ઝડપાયો હતો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વર્ષ 2022માં ડિવિઝનલ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવતા મનીષ મોડ દ્વારા ફાયર NOC આપવા મામલે લાંચ માગવામાં આવી હોવાના પુરાવા મ્યુનિસિપલ કોર્પોરેશન અને એન્ટીકરપ્શન બ્યૂરો (ACB)માં આપવામાં આવ્યા હતા. એન્ટીકરપ્શન બ્યૂરોએ બે વર્ષ બાદ સપ્ટેમ્બર 2024માં ઓડિયો વીડિયો રેકોર્ડિંગના પુરાવાના આધારે પૂર્વ ડિવિઝનલ ફાયર ઓફિસર મનીષ મોડ અને પૂર્વ ફાયર જમાદાર એરિક રિબેલો વિરુદ્ધ અમદાવાદ ACBમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. રાજકોટ TRP અગ્નિકાંડ બાદ એક બાદ એક લાંચિયા અધિકારી ઝડપાયા
ઉલ્લેખનીય છે કે ગત 25 મે, 2024ના રોજ રાજકોટમાં TRP ગેમ ઝોન અગ્નિકાંડ થયો હતો અને એમાં 27 લોકો જીવતા ભૂંજાઈ ગયા હતા. આ અગ્નિકાંડ બાદ ગુજરાતમાં ફાયરની કામગીરી સામે અનેક સવાલો ઊઠ્યા હતા. આમ છતાં ફાયર વિભાગના ભ્રષ્ટ અધિકારીઓ પોતાનો ભ્રષ્ટાચારનો ધર્મ છોડતા ન હોય એ રીતે એક બાદ એક ભ્રષ્ટ અધિકારીઓ ઝડપાયા હતા. ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરે 3 લાખની લાંચ માગી
રાજકોટ મહાનગરપાલિકાના ક્લાસ 1 ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અનિલકુમાર બેચરભાઈ મારુને જામનગર ACBએ 1.80 લાખની લાંચ લેતાં રંગે હાથ ઝડપી પાડ્યો હતો. ફરિયાદી ફાયર સેફ્ટી ફિટિંગનું કામ કરતો હતો અને તે શહેરમાં એક બિલ્ડિગમાં પોતે કરેલા ફાયર સેફ્ટીનાં કામ અંગેનું એનઓસી લેવા ફાયર ઓફિસર પાસે ગયો હતો, જ્યાં ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અનિલકુમાર મારુએ તેની પાસે NOC આપવા 3 લાખની લાંચ માગી હતી, જોકે ફરિયાદીએ આ કામ માટે 1.20 લાખ રૂપિયા આપ્યા હતા અને બાકીના 1.80 લાખ ચાર-પાંચ દિવસમાં આપવાનું કહ્યું હતું. જામનગર ACBએ લાંચ લેતાં ઝડપી પાડ્યો
ફરિયાદી લાંચની રકમ આપવા માગતો ન હોવાથી તેણે જામનગર ACBનો સંપર્ક કર્યો હતો. ફરિયાદની ફરિયાદ બાદ જામનગર ACBએ લાંચિયા અધિકારીને ઝડપી પાડવા છટકું ગોઠવ્યું હતું. આ દરમિયાન ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરે ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂપિયા 1.80 લાખ આપવા કહ્યું હતું. આ દરમિયાન અનિલ મારુએ ફરિયાદી પાસેથી લાંચના 1.80 લાખ નાણાં સ્વીકારતાં જ જામનગર ACBએ તેને રંગેહાથ ઝડપી પાડ્યો હતો. 29 જૂન 2024ના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર તરીકે નિમણૂક
TRP અગ્નિકાંડ બાદ રાજકોટ મહાનગરપાલિકામાં ચીફ ફાયર ઓફિસર અને ડે.ચીફ ફાયર ઓફિસરની ધરપકડ થયા પછી ખાલી પડેલી ચીફ ફાયર ઓફિસરની જગ્યા પર રાજ્ય સરકારે કચ્છ-ભુજના અનિલ મારુની નિમણૂક કરી હતી. મ્યુ. કમિશનરે રાજ્ય સરકાર પાસે ચીફ ફાયર ઓફિસરની ડેપ્યુટેશન પર નિમણૂક કરવા અને સમસ્યા હલ કરવા રજૂઆત કરી હતી, જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ભુજ-કચ્છના અનિલ મારુને રાજકોટના ચીફ ફાયર ઓફિસર તરીકેનો વધારાનો હવાલો આપ્યો હતો. અનિલ મારુ સૌરાષ્ટ્ર-કચ્છના રીજનલ ફાયર ઓફિસર તરીકે અગાઉ રાજકોટ જિલ્લા સેવા સદનમાં પણ ફરજ બજાવી ચૂક્યા હતા. ACBએ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરની ધરપકડ કરી હતી
રાજકોટ TRP અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર દ્વારા ACBને પણ તપાસ સોંપવામાં આવતાં ACB દ્વારા ફાયર તેમજ ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીઓને ત્યાં સર્ચ શરૂ કરવામાં આવ્યું હતું. જે તપાસના અંતે 6 જૂન 2024ના રોજ રાજકોટ એસીબી દ્વારા રાજકોટ મહાનગરપાલિકાના ક્લાસ 2 ઓફિસર ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ભીખા ઠેબા સામે અપ્રમાણસર મિલકત અંગે ગુનો નોંધી ધરપકડ કરી હતી. ઉલ્લેખનીય છે કે આરોપી પાસે રૂ. 79,94,153 એટલે કે 67.27 ટકા વધુ અપ્રમાણસર મિલકત મળી આવી હોવાનું ACB તપાસમાં સામે આવ્યું હતું. 2012થી 2024 સુધીના આવકની તપાસ
રાજકોટ મનપાના ક્લાસ 2 ઓફિસર ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ભીખા ઠેબાની અપ્રમાણસર મિલકતની તપાસ કરવામાં આવી હતી, જેમાં તા.1.4.2012થી તા.31.3.2024ના સમયગાળા દરમિયાન મેળવવામાં આવેલા દસ્તાવેજી પુરાવાઓ તથા બેંક ખાતાંની વિગતો અને વિવિધ સરકારી કચેરીઓમાંથી મેળવેલી દસ્તાવેજી માહિતી તથા તેમના નાણાકીય વ્યવહારોનું વિશ્લેષણ ACBના નાણાકીય સલાહકાર દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ આરોપીએ પોતાની કાયદેસરની ફરજ દરમિયાન પોતાના જાહેર સેવક તરીકેના હોદ્દાનો દૂરુપયોગ કરી, ઇરાદાપૂર્વક ગેરકાયદે પોતે ધનવાન થવા માટે, વિવિધ ભ્રષ્ટ રીતરસમો અપનાવી, ભ્રષ્ટાચારથી નાણાં મેળવી એ નાણાંનો ઉપયોગ કરી પોતાના તથા આશ્રિતોના નામે મિલકતમાં રોકાણ કર્યું હતું. રામ મોકરિયાનો લાંચ લીધાનો આક્ષેપ
ઉલ્લેખનીય છે કે રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા દ્વારા ગત સપ્તાહ દરમિયાન આ જ અધિકારી સામે લાંચનો આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે તેઓ સાંસદ ન હતા ત્યારે તેમની પાસે ભીખા ઠેબાએ રૂપિયા 70 હજારની લાંચ લીધી હતી અને સાંસદ બનતાં તે લાંચની રકમ પરત આપી ગયા હતા, જોકે આ વાતથી ભાજપના રાજમાં ભાજપની સરકારના સમયમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો ખુદ ભાજપના સાંસદે જ ખુલાસો કરી દેતાં ચકચાર મચી જવા પામી હતી. પંચમહાલ ડેરીની ફાયર NOC આપવા 4.50 લાખની લાંચ માગી હતી
વડોદરા અને પંચમહાલ સહિત 7 જિલ્લામાં ફાયર અંગેની કાર્યવાહી, જરૂરી પરવાનગીની પ્રાદેશિક કચેરી વડોદરાના વુડા ભવનમાં આવેલી છે, જેમાં પંચમહાલ ડેરીના નવા બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીની NOC માટે અરજી કરી હતી. ત્યાર બાદ NOC લેવા ફરિયાદી આવ્યા હતા, જેથી પ્રાદેશિક કચેરીના વર્ગ 1ના અધિકારી નિલેશ પટેલે 4.50 લાખની લાંચ માગી હતી, જોકે પંચમહાલ ડેરીની ફાયર NOC મામલે ફરિયાદીએ અધિકારી સાથે ફોન પર વાત કરી લાંચની રકમ ઓછી કરાવતાં 2.25 લાખમાં સોદો નક્કી થયો હતો. એ મુજબ અરવલ્લી ACB સાથે ફરિયાદી વુડા ભવન પહોંચ્યા હતા, જ્યાં અધિકારી નિલેશ ભીખાભાઈ પટેલે લાંચની રકમ અપૂર્વ રણજિતસિંહ મહીડાને આપવા કહ્યું હતું. લાંચ સ્વીકારતાં જ પ્રથમ અપૂર્વ અને બાદમાં ફાયર ઓફિસર નિલેશને ઝડપી લેવામાં આવ્યો હતો. ત્યાર બાદ બંનેને નર્મદા ભવન ACBની કચેરીએ લઈ જવાયા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments