બીજી વખતની ટ્રમ્પ સરકારમાં મૂળ વડોદરાના કાશ પટેલને FBIના ડાયરેક્ટર બનાવવામાં આવ્યા છે. કાશ પટેલના કૌટુંબિક કાકા કૃષ્ણભાઇ પટેલ વડોદરામાં વસે છે. આજે તેમણે મીડિયા સાથેની વાતચીતમાં પોતાની ખુશી વર્ણવતા જણાવ્યું કે, કાશ મારો ભત્રીજો થાય છે. ઘણા સમયથી તેમની જોડે સંપર્ક થયો નથી. કાશ પટેલ મૂળ ભાદરણના વતની છે. કાશ પટેલ મારા કાકાનો દીકરો થાય છે. આ અમારા ભાદરણ ગામ અને પાટીદાર સમાજ માટે ખુબ જ મોટી ગૌરવની વાત છે. અમે ઘણી ખુશી અનુભવીએ છીએ. તેઓ જ્યારે ભારતમાં આવશે, ત્યારે તેમનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવશે. અમેરિકામાં પણ પાટીદાર સમાજ તેમની સિદ્ધી બદલ સ્વાગત કરશે. બોરસદના ભાદરણ ગામમાં કાશ પટેલના પરિવારની જમીન
આજે પણ કાશ પટેલની ગામમાં જમીન છે, તેમનું ઘર છે. તેમની જમીનની પિતરાઇ ભાઇઓ સારસંભાળ રાખે છે. તેમની જમીન પર તમાકુના પાકનું ઉત્પાદન થાય છે. કાશ પટેલે ભાગવત ગીતા પર હાથ મુકીને શપથ લીધી તે મોટી ગૌરવની વાત છે. તેણે ભારતીય સંસ્કૃતિને આજે પણ વિદેશમાં જીવંત રાખી છે. કાશ પટેલના કારણે ભારત અને અમેરિકાના સંબંધો મજબુત થઇ શકે છે. આવનાર પેઢીએ કાશ પટેલનું અનુકરણ કરવું જોઇએ. તેમણે જોવું જોઇએ કે એક માણસ આટલો આગળ આવી શકે તો આપણે પણ ભણીગણી આગળ વિદેશમાં આવી શકીએ છીએ. ‘અમે કાશ પટેલના પરિવારનો સંપર્ક કરીશું’
અમે ટુંક સમયમાં કાશ પટેલના પરિવારનો સંપર્ક કરીશું. કાશ પટેલના પિતા આફ્રીકાથી ઇંગ્લેન્ડ ગયા હતા. ત્યાંથી અમેરિકા જઇને તેમણે વસવાટ કર્યો હતો. કાશ પટેલનો જન્મ પણ અમેરિકામાં જ થયો છે. ઇદી અમીનના સમયમાં તેમણે આફ્રિકા છોડ્યું હતું. કાશ પટેલને આપણે આમંત્રણ આપીને બોલાવીને તેમનું બહુમાન કરવું જોઇએ. કાશ પટેલના કાકીએ કહ્યું કે, તેની સિદ્ધી બદલ ખૂબ ખૂબ અભિનંદન. તેઓ ખુબ પ્રગતિ કરતા રહે તેવા આશીર્વાદ પાઠવું છું. US સેનેટમાં ‘જય શ્રીકૃષ્ણ’ બોલી કાશ પટેલે દિલ જીત્યાં હતા
FBI ચીફ પદ માટે નામિત થયા બાદ ભારતીય મૂળના વકીલ કાશ પટેલનો એક વીડિયો વાઇરલ થયો હતો. જેમાં તેઓ તેમનાં માતા-પિતાના ચરણ સ્પર્શ કરતાં જોવા મળે છે. સોશિયલ મીડિયા પર તેમના સંસ્કારોની પ્રશંસા થઈ હતી. ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય મૂળના કાશ પટેલને ફેડરલ તપાસ એજન્સી FBIના નવા ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા હતા.બાદમાં સેનેટની બેઠકમાં કાશ પટેલની નિમણૂકને સમર્થન આપવામાં આવ્યું હતું. આ બેઠક પહેલા કાશ પટેલે પોતાનાં માતા-પિતાનાં ચરણ સ્પર્શ કર્યા, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો.લોકો તેમના ભારતીય સંસ્કારો અને પરંપરાગત મૂળને જાળવી રાખવા બદલ તેમની પ્રશંસા કરી હતી.પટેલે તેમનાં માતા-પિતાને જય શ્રીકૃષ્ણ કહીને સંબોધ્યાં, જેની પણ ખૂબ પ્રશંસા થઈ હતી. કોણ છે કાશ પટેલ?
કાશ પટેલનો જન્મ ગુજરાતી પરિવારમાં થયો હતો. 44 વર્ષના કાશ પટેલનો જન્મ 25 ફેબ્રુઆરી, 1980ના રોજ ન્યૂયોર્કમાં થયો હતો. તેમના મૂળિયાં ગુજરાતના વડોદરા શહેરમાં છે. યુગાન્ડાના શાસક ઈદી અમીનના દેશ છોડવાના આદેશથી ડરીને કાશ પટેલનાં માતા-પિતા 1970ના દાયકામાં કેનેડા થઈને અમેરિકા ભાગી ગયાં હતાં. કાશ પટેલના પિતાને 1988માં અમેરિકન નાગરિકતા મળ્યા બાદ તેમને એક વિમાન કંપનીમાં નોકરી મળી. કાશ પટેલે ન્યૂયોર્કની પેસ યુનિવર્સિટીની લૉ સ્કૂલમાં સ્નાતક કક્ષાનો અભ્યાસ કર્યો છે. 2004માં કાયદાની ડિગ્રી પૂર્ણ કર્યા પછી, જ્યારે કાશ પટેલને મોટી કાયદાકીય પેઢીમાં નોકરી ન મળી, ત્યારે તેમણે સરકારી વકીલ તરીકે કામ કરવાનું શરૂ કર્યું. માયામીનાં ન્યાયાલયોમાં તેમણે લગભગ 9 વર્ષ કામ કર્યું હતું. એ સમયગાળામાં તેમણે હત્યા, નશીલા પદાર્થોની ફેરાફેરી અને નાણાકીય ગુનાઓ સહિતના જટિલ કેસો ઉકેલ્યા હતા. 2013માં તેમને ‘ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ’માં ટ્રાયલ એટર્ની તરીકે નિયુક્ત કર્યા હતા, જ્યાં તેમણે અલ-કાયદા અને ISIS જેવા આતંકવાદી જૂથો સાથે સંકળાયેલ વ્યક્તિઓની તપાસ કરવાનું કામ કર્યું હતું. 2017માં તેમને ‘હાઉસ ઇન્ટેલિજન્સ કમિટી’ ખાતે આતંકવાદ વિરોધી વરિષ્ઠ સલાહકાર તરીકે નિયુક્ત કર્યા હતા. 2019માં તેમને રાષ્ટ્રપતિ ટ્રમ્પની નેશનલ સિક્યોરિટી કાઉન્સિલ (NSC)ના કર્મચારી તરીકે નિયુક્ત કર્યા હતા. એ જ વર્ષે તેમને કાઉન્ટર ટેરરિઝમ ડિરેક્ટોરેટના વરિષ્ઠ નિયામક પણ બનાવવામાં આવ્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પના પહેલાં રાષ્ટ્રપતિ-કાર્યકાળ દરમિયાન કાશ પટેલે રાષ્ટ્રીય સુરક્ષા પરિષદમાં ટ્રમ્પના આતંકવાદ વિરોધી સલાહકાર તરીકે તથા સંરક્ષણ સચિવ ક્રિસ્ટોફર મિલરના ચીફ ઓફ સ્ટાફ તરીકેનો હોદ્દો સંભાળ્યો હતો. ટ્રમ્પે કાશ પટેલને અમેરિકાનો પહેલો ફાઈટર ગણાવ્યો હતો
ટ્રમ્પે કહ્યું કે મને ગર્વ છે કે કશ્યપ કશ પટેલ FBIના ડિરેક્ટર તરીકે કામ કરશે. કાશ એક તેજસ્વી વકીલ અને ઇન્વેસ્ટિગેટર છે. કાશ પટેલનાં વખાણ કરતા ટ્રમ્પે તેમને ‘અમેરિકા ફર્સ્ટ’ ફાઇટર કહ્યા. ટ્રમ્પે કહ્યું કે કાશ પટેલે તેમની કારકિર્દી ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરવા, ન્યાય અને અમેરિકન લોકોની રક્ષા કરવામાં ખર્ચી છે.ટ્રમ્પે કહ્યું કે અમેરિકામાં વધતા ક્રાઈમ રેટ, ગુનાહિત ગેંગ અને સરહદ પર થઈ રહેલા માનવ અને ડ્રગ્સ સ્મગ્લિંગ જેવા ગુનાઓ સાથે કામ કરવા માટે કાશ પટેલને આ જવાબદારી સોંપવામાં આવી છે.