કોલકાતાની આરજી કર હોસ્પિટલમાં એક તાલીમાર્થી ડોક્ટર પર બળાત્કાર-હત્યા કેસમાં પીડિતાના પરિવારે નવો આરોપ લગાવ્યો છે. ડોક્ટરના માતા-પિતાના જણાવ્યા મુજબ, પુત્રીનું ડેથ સર્ટિફિકેટ હજુ સુધી જારી કરવામાં આવ્યું નથી. પરિવારે આરોપ લગાવ્યો હતો કે કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશન (KMC) ડેથ સર્ટિફિકેટ જારી કરી રહ્યું નથી. જ્યારે પાનિહાટી નગરપાલિકાએ પુત્રીના અગ્નિસંસ્કાર માટે સર્ટિફિકેટ પહેલાથી જ જારી કરી દીધું છે. માતા-પિતાએ જણાવ્યું હતું કે, કેએમસી અધિકારીઓએ કહ્યું હતું કે, ડેથ સર્ટિફિકેટ જારી કરવાની જવાબદારી આરજી કર હોસ્પિટલની છે. જ્યારે હોસ્પિટલ મેનેજમેન્ટે કહ્યું છે કે KMC સર્ટિફિકેટ જારી કરશે. પરિવારના જણાવ્યા મુજબ, આરજી કરના અધિકારીઓએ કહ્યું છે કે કેએમસીએ હોસ્પિટલમાં થતા મૃત્યુ માટે ડેથ સર્ટિફિકેટ જારી કરવું જોઈએ. આમાં એવા લોકોનો પણ સમાવેશ થવો જોઈએ જેમને મૃત હાલતમાં હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. તે જ સમયે, નાગરિક આરોગ્ય વિભાગે કહ્યું છે કે, KMC કુદરતી અને અકુદરતી મૃત્યુ માટે સર્ટિફિકેટ જારી કરે છે. આમાં KMC હેઠળની તમામ સરકારી હોસ્પિટલોનો પણ સમાવેશ થાય છે. દોષિત સંજયને આજીવન કેદની સજા
આ કેસમાં કોર્ટે 18 જાન્યુઆરીએ સંજયને દોષિત જાહેર કર્યો હતો અને 20 જાન્યુઆરીએ તેને આજીવન કેદની સજા ફટકારી હતી. જોકે, તાલીમાર્થી ડૉક્ટર પરિવારના કેસની તપાસથી સંતુષ્ટ નથી. તેમનું કહેવું છે કે સીબીઆઈએ સાચા ખૂનીને પકડ્યો નથી. કોર્ટે 162 દિવસ પછી પોતાનો ચુકાદો આપ્યો છે. સીબીઆઈએ આરોપી સંજય માટે મૃત્યુદંડની માગ કરી છે. તે જ સમયે સંજયની મોટી બહેને કહ્યું કે, ટ્રાયલ કોર્ટના આ નિર્ણયને કોઈપણ કોર્ટમાં પડકારવાની કોઈ યોજના નથી. ચુકાદા પછી દોષિત સંજયે કહ્યું- મને આ કેસમાં ફસાવવામાં આવ્યો છે. મેં આ કામ નથી કર્યું. જેમણે આ કામ કર્યું છે તેમને છોડી દેવામાં આવ્યા છે. આમાં એક IPS સામેલ છે. હું રુદ્રાક્ષની માળા પહેરું છું અને જો મેં કોઈ ગુનો કર્યો હોત તો તે તૂટી ગઈ હોત.