ગુજરાતના અમદાવાદમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તા. 8 અને 9 એપ્રિલ, 2025ના રોજ AICC અધિવેશન યોજશે. આ મહત્વપૂર્ણ બેઠકમાં દેશભરના AICC પ્રતિનિધિઓ એકત્રિત થશે, જ્યાં બંધારણ તેમજ તેના મૂલ્યો પર થતાં સતત હુમલાઓ અને ભાજપની જનવિરોધી નીતિઓ અંગે ચર્ચા થશે અને પક્ષના આગામી કામગીરી અંગે માર્ગદર્શન નિર્ધારિત કરવામાં આવશે. કોંગ્રેસ લગભગ 30 વર્ષથી ગુજરાત પર કબજો કરી શકી નથી અને પાર્ટીએ અનેક પ્રયાસ કર્યા, છતાં દર ચૂંટણીમાં તે સફળ થઈ શકી નથી. તાજેતરમાં જ ગુજરાતમાં નગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી, તેમાં પણ કોંગ્રેસ નિષ્ફળ ગઈ છે. હવે કોંગ્રેસે મિશન-2027 હેઠળ અત્યારથી જ ચૂંટણીની તૈયારીમાં લાગી ગયું છે. આ પહેલા 1961માં ભાવનગરમાં અધિવેશન યોજાયું હતું. આમ 64 વર્ષ પછી ગુજરાતમાં કોંગ્રેસનું અધિવેશન યોજાશે. તેમાં પણ યોગાનુયોગ 1961માં ભાવનગરમાં અધિવેશન મળ્યું હતું અને આ વખતે ભાવનગરના વતની એવા શક્તિસિંહ ગોહિલ પ્રદેશ પ્રમુખ પદે છે. તે અધિવેશન સમયે વર્તમાન પ્રદેશ પ્રમુખ માત્ર 1 વર્ષના હતા. ગુજરાતમાં ભાજપને હરાવવાનો રાહુલનો પડકાર
લોકસભા ચૂંટણી-2024 બાદ રાહુલ ગાંધી જુલાઈ, 2024માં ગુજરાત મુલાકાતે આવ્યા હતા. તેમણે કોંગ્રેસના કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું હતું કે આપણે જે રીતે ભાજપને અયોધ્યામાં હરાવ્યો તે રીતે ગુજરાતમાં પણ હરાવીશું. કોંગ્રેસના ટોચના નેતાઓની પણ ગુજરાત મુલાકાત વધી ગઈ છે. ગુજરાત કોંગ્રેસના નેતા કહેતા હોય છે કે, રાહુલ ગાંધીએ ગુજરાતમાં ભાજપને હરાવવાનો ગત વર્ષે જ પડકાર ફેંક્યો હતો. તે વખતે તેમણે સંસદમાં કહ્યું હતું કે, તમે લખીને રાખો, આ વખતે અમે તમને ગુજરાતમાં હરાવીશું. વિપક્ષ ઈન્ડિ ગઠબંધન ભાજપને ગુજરાતમાં હરાવશે. કોંગ્રેસ અધ્યક્ષ બેઠકની અધ્યક્ષતા કરશે
અધિવેશન 8 એપ્રિલે વિસ્તૃત કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની બેઠક સાથે શરૂ થશે, જે પછી 9 એપ્રિલેના રોજ AICC પ્રતિનિધિઓની બેઠક યોજાશે. આ બંને બેઠકમાં માનનીય કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અધ્યક્ષતા કરશે તેમજ કોંગ્રેસ સંસદીય પક્ષની અધ્યક્ષ સોનિયા ગાંધીજી, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ શાસિત રાજ્યોના તમામ મુખ્યમંત્રીઓ, રાષ્ટ્રીય પદાધિકારીઓ, વરિષ્ઠ નેતાઓ અને અન્ય AICC પ્રતિનિધિઓ હાજર રહેશે. આ AICC અધિવેશન બેલગાવીમાં યોજાયેલી વિસ્તૃત CWC બેઠક (નવા સત્યાગ્રહ બેઠક)માં અપાયેલ ઠરાવની ચાલુ પ્રકિયા તરીકે યોજાઈ રહ્યું છે, જે 1924માં મહાત્મા ગાંધી દ્વારા અધ્યક્ષપદ સંભાળવામાં આવેલા કોંગ્રેસ અધિવેશનની 100મી વર્ષગાંઠની યાદમાં યોજાઈ હતી. ગુજરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહનું ગૃહરાજ્ય હોવાના કારણે અહીંની દરેક ચૂંટણી મહત્ત્વની હોય છે. આવી સ્થિતિમાં કોંગ્રેસને લાગે છે કે, જો આગળ વધવું હોય તો, ભાજપને ગુજરાતમાં હરાવવી પડશે. કોંગ્રેસ એક-બે મહિનામાં આગામી બે વર્ષનો કાર્યક્રમ તૈયાર કરી લેશે. ભાવનગરના અધિવેશનમાં નેહરુ સહિત ટોચના કોંગ્રેસના નેતાઓ આવ્યા હતા
1961માં ભાવનગરમાં યોજાયેલા કોંગ્રેસ અધિવેશનમાં તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ, વાય.બી. ચવ્હાણ, જ્ઞાની ઝૈલસિંઘ, શ્રવણસિંગ વગેરે દેશના મોટા ગજાના આગેવાનો આવ્યા હતા. તે વખતે સરદારનગર વિસ્તારમાં ખુલ્લી જમીન હોવાથી આ અધિવેશનનો મંડપ ત્યાં બનાવાયો હતો. અધિવેશન પુરૂ થયા પછી સરદારનગરમાં જમીનના પ્લોટો પાડીને રહેણાંકી વિસ્તાર બનાવાયો હતો અને રૂપાણી સર્કલથી ભરતનગર સુધીનો વિસ્તાર રહેણાંકી બની ગયો હતો. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી બાબુભાઈ જશભાઈ પટેલે સ્વામિનારાયણ ગુરૂકુળના સ્થાપક નારાયણ પ્રિયદાસજીને જમીન આપી હતી. અને ત્યાં ધીમે ધીમે સેંકડો વિદ્યાર્થીઓનું એક મોટુ સંકુલ ઉભુ કર્યું હતું અને તેનો વહિવટ તેના શષ્ય કે.પી. સ્વામીને સોંપ્યો હતો. નારાયણપ્રિયદાસજીએ આ સંકુલમાં એક મોટો હોલ, જેમાં વચમાં એક પણ થાંભલો ન હોય તેવો બનાવ્યો હતો. કોંગ્રેસ 1995થી ગુજરાતની સત્તાથી દૂર
રાજ્યમાં 1995, 1998, 2002, 2007, 2012 અને 2017, 2022 એમ 7 વિધાનસભા ચૂંટણી યોજાઈ ચૂકી છે અને આ તમામ ચૂંટણીમાં કોંગ્રેસને પછડાટ મળી છે. માત્ર એટલું જ નહીં, 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં તો કોંગ્રેસનો તમામ 26 લોકસભા બેઠકો પર પરાજય થયો હતો. જો કે 2024ની લોકસભા ચૂંટણીમાં સમ ખાવા પૂરતી એક સીટ મળી હતી.