અંતરિયાળ વિસ્તારોમાં તબીબી સેવા પહોંચાડવા માટે એમ્બ્યુલન્સ સેવા શરૂ થઈ ત્યારે એ ક્રાંતિનું રણશિંગુ ફૂંકાયું હોવાનું ગણાતું હતું. જોકે અકસ્માત કે પ્રસૂતિ સમયે જ્યારે લોહી વધુ વહી જાય ત્યારે લોહીનો પુરવઠો મગાવવામાં સમય ઓછો પડે તેવી સ્થિતિનો ઉકેલ પણ હવે ડ્રોન ટેક્નોલોજીની મદદથી લાવવાનું શરૂ કરી દેવાયું છે. વધુમાં આ રીતે 35 કિમી એટલે છેક હાલોલથી ઘોઘંબા અને બોડેલી સુધી લોહી પહોંચાડવાની સેવા દર્દીઓ માટે સાવ મફત હોવાથી સોનામાં સુગંધ ભળી છે. છેલ્લા 3 મહિનામાં 2 ડ્રોનથી 8 કિસ્સામાં અંતરિયાળ વિસ્તારમાં લોહીની ડિલિવરી સફળતાપૂર્વક કરવામાં આવી છે. આ સેવાઓ શરૂ કરનાર વડોદરાની ઇન્દુ બ્લડ બેંકના ડો.વિજય શાહ કહે છે કે, વડોદરા શહેરની આસપાસ ખાસ કરીને આદિવાસી વિસ્તાર કે જ્યાં સિકલસેલ એનિમિયા તેમજ સામાન્ય એનિમિયાનું પ્રમાણ પણ વધારે છે. આવી જગ્યાઓમાં મહિલાની પ્રસૂતિ સમયે બ્લડ લોસને કારણે લોહીની જરૂર પડે ત્યારે સ્થિતિ વિપરીત થતી હોય છે. આ પ્રોજેક્ટ પોલીકેબ ઇન્ડિયાના સહયોગથી શરૂ કરાયો છે. ડ્રોન વડોદરાની બેટલ લેબ ઇન્ડિયા કંપનીએ પૂરાં પાડ્યાં છે. આ ડ્રોન રૂા.32 લાખના છે. આ જ કંપનીએ ડ્રોન પાઇલટ પણ આપ્યાં છે. હાલમાં હાલોલમાં બ્લડ બેંક છે, જેથી હાલોલથી 22 કિમી અંતરે આવેલા ઘોઘંબા અને 35 કિમી અંતરે આવેલા બોડેલી સુધી અમે લોહીનો પુરવઠો કટોકટીની સ્થિતિમાં પહોંચાડીએ છીએ. લોહીના જથ્થાની સેવા પૂરી પાડવા અમે દર્દી પાસે કોઇ પણ પ્રકારની ફી કે ચાર્જ લેતાં નથી, તેમના માટે આ સુવિધા મફત છે. વધુમાં ડો. શાહે ઉમેર્યું કે, અગાઉ બેંગ્લોર અને હૈદ્રાબાદમાં ડ્રોનથી લોહીનો જથ્થો પૂરો પાડવાની સેવાઓનો પ્રાયોગિક ધોરણે પ્રારંભ થઇ ચૂક્યો હતો, પણ નિયમિતપણે સેવાઓ દેશમાં પહેલીવાર અમે શરૂ કરી છે. દર્દીઓની સાથે તબીબોને પણ એટલું જ ઉપયોગી
આ વિસ્તારમાં રક્તદાનનું પ્રમાણ ઓછું છે, જેને લીધે જ્યારે પ્રસૂતાને લોહીની જરૂર પડે છે ત્યારે લોહી ન મળતાં તબીબોને પણ તકલીફ પડતી હોય છે. રસ્તાઓ પણ સારા ન હોવાથી સમયસર લોહી પહોંચતું નથી. આ સેવા તબીબોને પણ તે એટલી જ ઉપયોગી થઇ રહી છે. – ડો.તેજસ શાહ, ગાઇનેકોલોજિસ્ટ, ઘોઘંબા હેક્ઝા અને ક્વોટ એમ 2 પ્રકારનાં ડ્રોન લવાયાં છે
આ ડ્રોનની ટેક્નિકલ ટીમના પલ્લવ શાહે જણાવ્યું કે, હાલમાં હેક્ઝા એટલે કે 6 પાંખિયું ડ્રોન અને ક્વોડ 4 પાંખિયું ડ્રોન લાવવામાં આવ્યું છે. હેક્ઝા 4 લિટર જેટલો જથ્થો એકવારમાં 30 કિમી, જ્યારે ક્વોડ 14 કિમી અંતર 2 લિટરની તેની સંપૂર્ણ પે-લોડ ક્ષમતા સાથે કાપી શકે છે. આ ડ્રોનને ઓપરેટ કરવા માટે 2 ડ્રોન પાઇલટની પણ નિમણૂક કરાઇ છે. હેક્ઝા 4 બેટરી વડે લગભગ 40 કિમી સુધીનું પણ અંતર કાપી શકે છે. ગુજરાતમાં વીજચોરી, પંજાબમાં ડ્રગ ટ્રેકિંગમાં પ્રાયોગિક શરૂઆત
લંગર નાખીને વીજ ચોરી રોકવા માટેનો પાઇલટ પ્રોજેક્ટ ગુજરાતમાં શરૂ કરાયો છે. જેમાં ડ્રોનમાં ફિટ કરેલો કેમેરા ક્યાં ક્યાં લંગર ફેંકાયેલાં છે તેને શોધી કાઢે છે. આ પ્રોજેક્ટમાં રાત્રે પણ ડ્રોન મોકલીને સફળતાપૂર્વક સરવે કરાયો છે. આ ઉપરાંત એક પ્રોજેક્ટ પંજાબમાં પણ પ્રાયોગિક ધોરણે શરૂ કરાયો છે. જેમાં ડ્રોન પરના કેમેરા વડે કોઇ પણ વાહનનો નંબર ક્લિક કર્યા બાદ સેન્સર વડે તેને એક્ટિવેટ કરીને તે વાહન ક્યાં ક્યાં જાય છે તેને કિલોમીટરો સુધી ટ્રેક કરી શકાશે. પંજાબના ડ્રગ માફિયાનાં વાહનોને ટ્રેક કરવામાં આ ટેક્નીક ઉપયોગી પુરવાર થઇ શકે છે. – ડો.વિજય શાહ, મેનેજિંગ ડિરેક્ટર ડ્રોનથી લોહી ન આવ્યું હોત તો પત્ની ન હોત
23મી જાન્યુઆરીએ ઘોઘંબામાં મારી પત્નીની ગર્ભાશયની કોથળી ફાટી ગઇ હતી અને નવજાતનું મોત નિપજ્યું હોવાથી શરીરમાંથી લોહી પણ વહી ગયું હતું. છેવટે હાલોલથી 4 બોટલ બ્લડ લાવવામાં આવ્યું અને પત્નીને આપતાં તેનો જીવ બચ્યો. ડ્રોનથી લોહી ન આવ્યું હોત તો પત્ની ન હોત. – મહેશ રાઠવા, ઘોઘંબા