back to top
Homeદુનિયાઅમેરિકામાં ઇલીગલ ગુજરાતીઓમાં ફફડાટ, જીવ પડીકે બંધાયા:કામ પર જવાનું બંધ કરી ઘરમાં...

અમેરિકામાં ઇલીગલ ગુજરાતીઓમાં ફફડાટ, જીવ પડીકે બંધાયા:કામ પર જવાનું બંધ કરી ઘરમાં કેદ થયા, 3 મહિના આવી સ્થિતિ રહી તો ફાંફા પડશે

‘જો તમે અહીં ગેરકાયદેસર રીતે રહો છો, તો અમે તમને શોધી કાઢીશું અને દેશનિકાલ કરીશું. પછી તમે ક્યારેય પાછા નહીં ફરી શકો.’ યુએસ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના આ કડક સંદેશા સાથેની આ એડનું અમેરિકામાં હાલ ન્યૂઝપેપર- ટીવી-રેડિયો અને ઇન્ટરનેટ એમ ચારેબાજુ પ્રસારણ થઈ રહ્યું છે. પ્રેસિડન્ટની ચૂંટણીમાં આપેલા વચન મુજબ ડોનાલ્ડ ટ્રમ્પે ગેરકાયદે લોકો પર સખત કાર્યવાહી શરૂ કરી દીધી છે. એક પછી એક દેશોના ગેરકાયદે લોકોને આર્મીના પ્લેનમાં સાંકળ ને હાથકડી બાંધીને જે-તે દેશમાં ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે. અમેરિકાના ઈતિહાસમાં ડિપોર્ટેશનનું આટલું વ્યાપક ઓપરેશન પહેલીવાર હાથ ધરવામાં આવ્યું છે. ભારતમાં અત્યાર સુધીમાં ત્રણ ટ્રિપમાં 332 લોકોને પાછા મોકલવામાં આવ્યા છે, જેમાં 74 ગુજરાતીઓ હતા. ટ્રમ્પ સરકારે ચેતવણી આપી છે કે 18 હજાર આવા ઇલીગલ ભારતીયોની ઓળખ થઈ ગઈ છે અને અમારી રડારમાં છે. યુએસની સખત કાર્યવાહીથી અમેરિકામાં ગેરકાયદેસર રહેતા અંદાજે 7.25 લાખ ભારતીયોના જીવ પડીકે બંધાયા છે. આ અંગે દિવ્ય ભાસ્કરે પાંચ એપિસોડની આ ખાસ સિરીઝ ‘ડૉલર ડ્રીમ્સ’ શરૂ કરી છે, જેમાં તમને આજે સોમવારથી શુક્રવાર, સતત પાંચ દિવસ સુધી અલગ-અલગ વિષય પર એક્સક્લુઝિવ સ્ટોરી વાંચવા મળશે. આજના પહેલા એપિસોડમાં વાંચો અમેરિકામાંથી કયા પ્રકારના ગેરદાયદેસર લોકોનું ડિપોર્ટેશન થઈ રહ્યું છે? હાલ ત્યાં રહેતા કાયદેસર અને ગેરકાયદેસર ગુજરાતી સમાજ તથા લોકોમાં કેવો માહોલ છે? ડૉલરિયા દેશમાં હાલની વાસ્તવિક સ્થિતિ જાણવા માટે અમે અમેરિકામાં રહેતા અલગ-અલગ ફિલ્ડના ગુજરાતી અગ્રણીઓ અને વિઝા એક્સપર્ટ સાથે વાતચીત કરી હતી. સૌ પહેલાં અમે યુએસના ટેનેસી સ્ટેટમાં ગેમરુમ અને તમાકુ સ્ટોર ચલાવતા લાલાભાઈ દિનેશભાઇ પટેલ સાથે વાતચીત કરી હતી. નવા ઘૂસેલા લોકોને જ પાછા મોકલ્યા છે, અંદરથી શોધીને કોઈને ડિપોર્ટ નથી કરાયા
લાલાભાઈ પટેલે વાતચીતની શરૂઆત કરતા કહ્યું, ‘અત્યારે ન્યૂઝમાં ચાલે છે કે અમેરિકામાં પકડાયેલા લોકોને પાછા મોકલવામાં આવી રહ્યા છે. આ એવા લોકો છે કે જે અમેરિકાની બોર્ડર પર પકડાયા પછી ડિટેન્શન સેન્ટરમાં રહેતા હોય. અમેરિકાની અંદરથી કોઈને પાછા મોકલવામાં આવ્યા નથી. મતલબ કે હાલમાં જ અમેરિકામાં ઘૂસતા ઝડપાયા હોય એવા લોકોને જ પાછા મોકલવામાં આવ્યા છે. બાકી જે ગેરકાયદે લોકોને કોર્ટે તારીખ આપી હોય, વર્ક પરમિટ કે અસાઇલમ આપ્યું હોય એમાંથી કોઈને મોકલવામાં આવ્યા નથી. એટલે કે પહેલાથી ગેરકાયદે આવેલા જે લોકોની લીગલ પ્રોસેસ ચાલુ છે એ બધા અહીં જ છે.’ ઇલીગલ લોકો કોઈ ક્રાઈમ ન કરે તો તેમને કંઈ થતું નથી
લાલાભાઈ પટેલે કહ્યું, ‘ઇલીગલ લોકોને અમેરિકામાં કામ મળી જાય છે. તેમને મોસ્ટલી ગેસ સ્ટેશન, મૉટેલ, હાઉસ કીપિંગ, રૂમ ક્લીનિંગ વગેરે પ્રકારની નોકરી મળતી હોય છે. અમેરિકામાં વીકમાં 40 કલાકથી વધુનો પેરોલ ન આપી શકો અને આપો તો ઓવર ટાઇમ આપવો પડે પણ આપણા ગુજરાતી તો અહીં 30 દિવસ જોબ કરતાં હોય છે. ઈલીગલ લોકો નોર્મલ જોબ કરે અને કોઈ ક્રાઈમ ન કરે તો કંઈ જ થતું નથી. ધારો કે ઇલીગલ પર્સન તમાકુ સ્ટોરમાં કામ કરતાં હોય અને તે અહીં કોઈ અંડર એજ (સગીર)ને તમાકુ આપે અને કોઈ ફરિયાદ કરે તો કોર્ટ પ્રોસેસ થાય અને તકલીફ પડે. બાકી વાંધો આવતો નથી.’
તેમણે કહ્યું, ‘અત્યાર સુધી એવું ધ્યાનમાં આવ્યું નથી કે અમેરિકાની અંદર રહેતા ઇલીગલ કોઈને કાઢી મૂક્યા હોય પણ એમ્પ્લોયર (માલિકો) હવે પેપર (ડોક્યુમેન્ટ)ની માગણી કરે છે. કોર્પોરેટ લેવલની હોટલો, મોટલો કે સ્ટોરમાં તો પેપર વગર રાખતા જ નથી. બાકી લોકલ નાના સ્ટોર વગેરેમાં ઇલીગલ લોકો કામ કરે છે. કોઈ ક્રાઇમ કરો ત્યારે અહીંયાં ચાર વસ્તુઓ લાઇસન્સ, ઈન્શ્યોરન્સ, રજિસ્ટ્રેશન અને તમારું સ્ટેટસ માગે છે. જો વર્ક પરમિટ હોય તો તમે વેલિડ છો, પછી તમને હેરાન કરતા નથી.’ ઇલીગલ લોકોએ જોબ પર જવાનું બંધ કર્યું
તેમણે કહ્યું, ‘મેં એક-બે જગ્યાએ સાંભળ્યું છે કે ઇલીગલ લોકો હવે જોબ નથી કરતા. તેમને બે મહિના શાંતિ રાખવી છે. એ દરમિયાન સ્ટોર ઑનર કે સંબંધી તેમનું રેન્ટ આપે અથવા અન્ય મદદ કરી આપે એવી વ્યવસ્થા ગોઠવી છે,. જે મહિને 1500થી 2000 ડૉલર જેટલું થતું હોય છે. આ સિવાય કોઈએ ઘર પણ નથી બદલ્યાં’ ICE નાના સ્ટોરમાં રેડ નથી પાડતું
પોલીસે રેડ પાડી ઇલીગલ લોકોને પકડીને લઈ જતી હોવાના ઇન્ટરનેટ પર ફરી રહેલા વીડિયો અંગે તેમણે કહ્યું, ‘એ વીડિયો ટેનેસી સ્ટેટના નેશવિલ ખાતેના ઓપરી મોલનો હતો, જેમાં એક ફેમિલી જમવા ગયું ત્યારે ઝઘડો થતા અમેરિકન્સ વચ્ચે અંદરોઅંદર ફાયરિંગ થયું હતું. પછી મેટ્રો પોલીસ આવી હતી. આ ICE (યુએસ ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ)ની રેડ નહોતી. ICE રેડ કોર્પોરેટ લેવલે વધારે હોય છે, જેમ કે જ્યાં મેક્સિકન કે અન્ય લોકો વધારે હોય ત્યાં વધુ રેડ કરે છે. નાના સ્ટોરમાં એવું નથી થતું. નાના સ્ટોરમાં તમે બોલો નહીં, પ્રશ્ન ન કરો ત્યાં સુધી એ કંઈ નથી કરતાં. એ પ્રાઇવેટ પ્રોપર્ટીમાં કશું નથી કરી શકતા. સ્મોલ સ્ટોર બધા પ્રાઇવેટ પ્રોપર્ટીમાં આવે. તમારી ભૂલ ન હોય ત્યાં સુધી કશું જ તમારી પાસે ડાયરેક્ટ ન માગી શકે. કોઈને સમજ ન પડતી હોય અને ભૂલથી બોલી નાખે અને પકડાઈ જાય એ અલગ વાત છે.’ ત્યાર બાદ અમે અમેરિકામાં જ્યાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ વસે છે એ ન્યૂ યોર્ક સ્ટેટના ગુજરાતી અગ્રણી હર્ષદભાઈ પટેલ સાથે વાતચીત કરી હતી. હર્ષદભાઈ પટેલ 10 વર્ષથી ‘ગુજરાતી સમાજ ઓફ ન્યૂ યોર્ક’ના પ્રેસિડન્ટ છે. ઇલીગલ લોકોમાં ભયનું વાતવરણ, તાત્કાલિક લગ્નના હોલ કેન્સલ કરાવી નાખ્યા
વાતચીતની શરૂઆતમાં જ હર્ષદભાઈ પટેલે કહ્યું, ‘હાલ અમેરિકામાં વસતા ઇલીગલ લોકોમાં ભયનું વાતાવરણ છે. એક ઉદાહરણ આપું તો ઘણા બધા ઇલીગલ લોકોએ ન્યૂ યોર્કમાં લગ્ન માટે સમાજના હૉલ બુક કર્યા હતા. જે તેમણે તાત્કાલિક કેન્સલ કરી નાખ્યા છે. ઇલીગલ લોકો ટોળે વળીને હવે ભેગા થવાનું પસંદ કરતાં નથી. તેમણે સ્ટોરમાં જોબ પર જવાનું બંધ કરી દીધું છે. એટલું જ નહીં ઘરની બહાર નીકળવાનું પણ બંધ કરી દીધું. મોટાભાગના ઇલીગલ લોકો ઘરમાં છે. તેમનામાં કોવિડ વખતે હતો એવો ભય છે. અમેરિકામાં આપણા લોકો 100% અસમંજસમાં છે. ‘ ઇલીગલ લોકોને જાગૃત કરીએ છીએ કે ઘરે કોઈ પણ આવે દરવાજો ન ખોલતા
તેમણે કહ્યું, ‘આપણા ગુજરાતી સમાજના લોકોએ ઇલીગલ લોકોને જાગૃત કર્યા છે કે તમારે ઈમિગ્રેશન કે ગમે તે લોકો આવે તો દરવાજો ખોલવાનો નહીં. એ ઘરમાં બળજબરીથી આવી નહીં શકે. ઓપન કરશો તો આવીને લઈ જશે. જાહેરમાં ઓછું પણ સમાજમાં ભેગા થાય તો હું પણ લોકોને આવી જાગૃતતા રાખવાની સલાહ આપું છું. આ ઊભરો શમતા થોડી વાર લાગશે. એમાં જે આવી ગયા એ પકડાઈ જશે તો એમને લઈ જશે. જોકે, હું ઇલીગલ લોકોને પ્રમોટ નથી કરતો પણ સમાજના પ્રેસિડેન્ટ તરીકે કોઈ પૂછવા આવે તો મારે એમને સાચી સલાહ આપવી પડે. નીતિ પ્રમાણે અમેરિકાવાળા જે કરે છે એ બરાબર કરે છે. ‘ ત્રણ મહિના સુધી વાંધો નહીં આવે, લાંબું ચાલ્યું તો બધાને તકલીફ પડશે
તેમણે આગળ કહ્યું, ‘ડિપોર્ટની હાલની કાર્યવાહીથી અમેરિકામાં વર્કપ્લેસમાં વેક્યૂમ ક્રિએટ થયું છે. સમજો કે માલિક અને વર્કર બંને ગુજરાતી છે. અત્યારે માલિકને લાગે કે આ થોડા સમય માટે જ છે. તો ચલાવી લે પણ લાંબો સમય ચાલે તો આ અનડોક્યુમેન્ટેડ વર્કરની જગ્યાએ લીગલી લોકોને ભરવા લાગે. પછી ઇલીગલ લોકોને કામ મળવાનું બંધ થઈ જાય. ડિપોર્ટેશનની અત્યારે તાત્કાલિક અસર તો નથી. ત્રણ મહિના તો બધા ટકી શકશે, જેમ કે બે-ત્રણ મહિના જોબ ન કરે તો ચાલી જાય એવું છે. અત્યારે એ પ્રકારનું એડજસ્ટમેન્ટ ચાલે છે પણ કાયમી આવી સ્થિતિ રહી તો એમ્પ્લોયર નવી ભરતી શરૂ કરી દેશે.’ અમુક સ્વાર્થી માલિકો આવી સ્થિતિમાં પણ ઇલીગલ લોકોને કામ પર બોલાવે છે
હર્ષદભાઈ પટેલે કહ્યું, ‘એમ્પ્લોયર (માલિક) હંમેશાં સ્વાર્થી જ હોય. બે પૈસા બચાવવા માટે રિસ્ક લે. હાલની ડિપોર્ટેશનની સ્થિતિમાં પણ એ ઇલીગલ લોકોમાં એવું પ્રમોટ કરે કે તમે કામ કરવા આવો ને. શું ફેર પડે છે? સંતાઈને તો સંતાઈને પણ કામ પર આવો. પણ આ કર્મચારીએ વિચારવાનું છે કે કામ પર જવું કે નહીં. જો એ બહાર આવ્યા તો મુશ્કેલીમાં મુકાઇ શકે છે. આપણા ઇલીગલ લોકો જાનનું જોખમ લઈને અમેરિકા સુધી આવ્યા છે. એમની માટે આવી સ્થિતિમાં પણ જોબ પર જવું કોઈ મોટી વસ્તુ નથી. એટલે બધા નહીં પણ અમુક લોકો આ સ્થિતિમાં પણ જોબ કરવા જાય જ છે.’ ઇલીગલ લોકોમાં બે પ્રકારના વર્ગ
તેમણે કહ્યું, ‘ઇલીગલ લોકોનો એક વર્ગ એવો પણ છે કે જે વિચારે છે કે એક દિવસ તો ઇન્ડિયા પાછા જવાનું જ છે તો જેટલા પૈસા ભેગા થાય એટલા કરો એમ વિચારીને નોકરી ચાલુ જ રાખી છે. બીજો વર્ગ એવો પણ છે કે આટલા ખર્ચીને આવ્યા છીએ તો અહીં ટકી જ જવું છે. એ જોબ પર નથી જતો.’ ટ્રમ્પ અંગે તેમણે કહ્યું, ‘ટ્રમ્પનું વલણ શું છે એ ખબર નથી. એ વીંઝીકલ મગજનો માણસ કહીએ તો ચાલે. એના સ્ટેપ બહાર આવે તો જ ખબર પડે કે એણે શું કરવું છે. કાલે એમ પણ કહે કે જેટલા છે એટલા ભલે રહ્યા અથવા ઇલીગલ ઇમિગ્રન્ટ ઝીરો કરી નાખો. એવું પણ કરે કે સ્ટુડન્ટને કામ નથી આપવું. તો એમની પણ એ જ દશા થશે, જે આ લોકોની થઈ છે. એમના પણ કામ બંધ થશે. ટ્રમ્પને પોતાનો દેશ પ્રોટેક્ટ કરવાનો હક છે. ‘ લીગલ કરતાં ઇલીગલ માણસનું સેવિંગ વધુ
હર્ષદભાઈ પટેલે કહ્યું, ‘અત્યારે ઇલીગલ ઇમિગ્રન્ટ અમારા લીગલ લોકો જેવી જ લાઈફ જીવે છે પણ અમે ટેક્સ ભરીએ છીએ એ નથી ભરતાં. આમ જોવા જાવ તો લીગલ કરતાં ઇલીગલ માણસનું સેવિંગ વધુ છે. ગુજરાતીઓ સેવિંગમાં માને છે. વર્ષ સુધીનું તો સેવિંગ હોય, જેથી ઘરે બેઠેલા લોકોને એટલો તો વાંધો નહીં આવે અને જે કરોડ રૂપિયા ખર્ચીને ત્યાં આવતા હોય એ બીજા ખર્ચીને અહીંયાં રહી ન શકે? એવી કેશ તો પડી હોય પણ જો લાંબા સમય સુધી ચાલ્યું તો 100% હાલત ખરાબ થશે. એવું પણ બને કે ટ્રમ્પ કોઈ કાયદો કાઢે. એમ્પ્લોયર્સ (માલિકો)ને પેનલાઇઝ કરે તો ડેફિનેટલી મોટી અસર થશે.’ આ સ્થિતિ લોંગ ટર્મ માટે રહી શકે છે
આવી સ્થિતિ ક્યાં સુધી ચાલશે તેના જવાબમાં હર્ષદભાઈ પટેલે કહ્યું, ‘અમેરિકામાં અત્યારે જે ઇમ્પ્રેશન અને હાઉ ઊભો કર્યો છે એના પરથી લાગે છે કે આ લોંગ ટર્મ રહેશે. વર્ષો પહેલાં આપણે ત્યાં પોલિયોમુક્ત ભારત ઝુંબેશ ચાલી હતી. પોલિયોમુક્ત ભારત થતાં 5-10 વર્ષ લાગ્યાં. એમ ટ્રમ્પ ઇલીગલ મુક્ત અમેરિકા કરે. કારણ કે ક્રેઝી માણસનું કહેવાય નહીં કે એ શું સ્ટેપ લેશે. ‘ 10 વર્ષથી અમેરિકામાં સ્થાયી થયેલા અને હાલ ટેનેસી સ્ટેટની રાજધાની નેશવિલમાં રહેતા જિગ્નેશભાઈ બારોટ સાથે વાતચીત કરી તેમનાં મંતવ્યો જાણ્યાં હતાં. જિગ્નેશભાઈ ગુજરાતી કમ્યુનિટીને હેલ્પ કરે છે. અમેરિકામાં કોઈ ગુજરાતીનો કેસ ચાલતો હોય તો તેમનાં બાળકોના સ્કૂલ એડમિશન તેમજ ઘર લેવામાં મદદ કરે છે. આ સિવાય તેમના અસાઇલમના કેસમાં પણ હેલ્પ કરે છે. તેમણે અત્યાર સુધીમાં 450 વધારે લોકોને મદદ કરી છે. જિગ્નેશભાઈ બારોટે કહ્યું, ‘હાલ અમેરિકામાંથી ભારત સિવાય અન્ય દેશોના લોકોનું પણ ડિપોર્ટેશન થઈ રહ્યું છે. સૌથી વધારે ફોકસ મેક્સિકન લોકો પર છે. ટ્રમ્પ સરકારનું માનવું છે કે મેક્સિકન પોતાના દેશમાં ક્રાઇમ કરીને અમેરિકામાં ઇલીગલ આવી જાય છે. પછી અસાઇલમ ફાઇલ કરીને વર્ક પરમિટ અને સોશિયલ કાર્ડ લે છે.’ ડિટેન્શન સેન્ટરમાં હોય એમને જ પાછા મોકલવામાં આવ્યા છે
હાલ કેવા લોકોનું ડિપોર્ટેશન થઈ રહ્યું છે તેના જવાબમાં જિગ્નેશભાઈ બારોટે કહ્યું, ‘અત્યારે બોર્ડર ક્રોસ કરીને આવ્યા હોય અને ડિટેન્શન સેન્ટરમાં હોય એમને પાછા ભારત મોકલવામાં આવ્યા છે. અમેરિકામાંથી શોધી શોધીને પકડીને નથી મોકલ્યા. આપણું મીડિયા લોકોને ગેરમાર્ગે દોરે છે. એવું નથી લોકોને રખડતા-ભટકતા સિટી કે ટાઉનમાંથી લઈ જાય.’ તેમણે કહ્યું, ‘જોબ પર ICE (યુએસ ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ)ની રેડ પડી હોય અને પકડાયા હોય એવા પણ અમુક કેસ સામે આવ્યા છે. આવા કેસમાં એવું હોય છે કે અસાઇલમ કે અન્ય કેસની ફાઇલ પ્રોસેસમાં હોય ત્યારે વર્ક પરમિટ કે સોશિયલ કાર્ડ આવતા આઠેક મહિના લાગે છે. વર્ક પરમિટ ન આવે ત્યાં સુધી લીગલી કામ ન કરી શકો. એ સમયે વર્ક પરમિટ વગર કામ કરે એ ICEની રેડમાં પકડાય છે.’ ઇલીગલી લોકોએ રિલેટિવ કે ફ્રેન્ડની મદદ લઈ સમય પસાર કરવો જોઈએ
તેમણે વધુમાં કહ્યું, ‘અત્યારે ઇલીગલ રહેતા લોકોને ઘણી બીક લાગે છે, જેની પાસે વર્ક પરમિટ નથી એ જોબ નથી કરી શકતા. કરવા જાય તો ડર છે કે ગમે ત્યારે ICEની રેડ પડશે અને પકડાઈશું તો ડિપોર્ટ થઈશું. મને કોઈ ગાઈડન્સ માટે ફોન કરે તો હું કહું છું કે વર્ક પરમિટ નથી તો જોબ ન કરશો પણ જોબ ન કરે તો સર્વાઇવલનો પ્રશ્ન આવે પણ એમણે ના કરવી જોઈએ. રિલેટિવ કે ફ્રેન્ડની મદદ લઈ સમય પસાર કરી લેવો જોઈએ.’ હવે સ્ટોર ઑનર પણ વર્ક પરમિટનો આગ્રહ રાખે છે
જિગ્નેશભાઈ બારોટે આગળ કહ્યું, ‘બિઝનેસ કે સ્ટોર ઑનર પણ એવો આગ્રહ રાખે છે કે વર્ક પરમિટ હોય તો જ કામ પર આવો. એ પણ રાખવા માટે મેન્ટલી તૈયાર નથી. ઘણી જગ્યાએ મેં આ સાંભળ્યું છે કે જેમની પાસે વર્ક પરમિટ નથી તેમને ના પાડી દેવામાં આવી રહી છે. જો આવી જગ્યાએ વર્ક પરમિટ વગરના લોકો કામ કરતાં પકડાઈ તો સરકાર એમ્પ્લોયરને પણ દંડ કરે છે. એમને આશરે 10થી 50 હજાર ડૉલરનો દંડ થઈ શકે છે. જો એ ન ભરે તો કદાચ જેલમાં જવું પડે. એ પોતે પણ ગભરાયેલા છે. જેથી આનાથી દૂર રહે છે.’ તેમણે અંતમાં કહ્યું, ‘સ્ટુડન્ટ વિઝા પર આવેલા હોય એમને વીકમાં 20 કલાકની વર્ક પરમિટ મળે છે પણ સ્ટુડન્ટ્સ વિઝા પર આવ્યા પછી કોલેજ જોઇન જ ન કરી હોય એવા પણ ઘણા છે. આવા સ્ટુડન્ટ જો કોલેજ જોઇન ન કરે તો વર્ક પરમિટ કે સોશિયલ કાર્ડ મળતું નથી. પછી ઇલીગલ રીતે રહેવું પડે. ઇલીગલ જોબ કરવી પડે પણ આવા વાતાવરણમાં એમનું પણ સર્વાઇવલ અઘરું છે.’ અમેરિકામાં અનેક ગુજરાતી સંસ્થાઓ સાથે જોડાયેલા અગ્રણી ડૉ. વાસુદેવ પટેલ સાથે પણ અમે વાતચીત કરી હતી. જ્યોર્જિયા સ્ટેટના એટલાન્ટા ખાતે રહેતા ડૉ. વાસુદેવ પટેલ -ફેડરેશન્સ ઓફ ગુજરાતી એસોસિયેશન ઓફ યુએસએ (FOGA )ના પ્રમુખ છે. આ સંસ્થામાં 100 કરતાં વધારે અમેરિકાના ગુજરાતી એસોસિયેશન જોડાયેલાં છે. તેઓ અમેરિકામાં ટોક્સિકોલોજિસ્ટ તરીકે ફોરેન્સિક ડિપાર્ટમેન્ટ સાથે જોડાયેલા હતા. હાલમાં રિટાયર છે. ડૉ. વાસુદેવ પટેલે વાતચીતની શરૂઆતમાં કહ્યું, ‘ટ્રમ્પ હંમેશાંથી ઇલીગલ રીતે આવતા લોકોના વિરોધી રહ્યા છે. આ એક જાતનું રાજકીય સમીકરણ છે. આનાથી અમેરિકામાં રહેતા લોકોમાં ઉશ્કેરાટ ફેલાય કે તમારી નોકરીઓ જતી રહેશે. એ જ વસ્તુ ટ્રમ્પે તેમની પહેલી સરકારમાં કરી હતી અને હવે બીજી વખતની સરકારમાં પણ એ જ કરે છે. આ એમનો એજન્ડા હતો. સિક્યૉરિટીમાં પણ તેમણે તેમના જેવા લોકોની જ નિમણૂકો કરી છે. અમેરિકામાં અત્યારે સવાથી દોઢ કરોડ ઇલીગલ લોકો (એલિયન્સ) છે. સૌથી વધુ મેક્સિકન છે. ભારતના પણ સાડા સાત લાખ જેટલા છે.’ ઇલીગલ લોકો જોબ પર નથી જતા, જાય તો સાચવીને જાય છે
તેમણે કહ્યું, ‘ટ્રમ્પ સરકારે શરૂ કરેલા ડિપોર્ટેશન બાદ અહીં ભયનો માહોલ છે. કારણ કે તેમણે ICE (યુએસ ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ)ને છૂટો દોર આપ્યો છે. ઘણા મિત્રોએ મને કહ્યું કે ઇલીગલ લોકો હાલ જોબ કરવા નથી જતા. અથવા જાય તો સાચવીને જાય છે.’ આંખ આડા કાન કરવાની પ્રવૃત્તિ વર્ષોથી ચાલે છે
તેમણે આગળ કહ્યું, ‘મેં અહીંના ચારેક પાર્લામેન્ટ મેમ્બર સાથે વાત કરી એ મુજબ ઓછા પગારે કામ મેક્સિકોથી આવેલા લોકો જ કરવાના છે. જેમની પાસે કોઈ સ્ટેટસ નથી. અમારા ઘરે 40 વર્ષથી ઘાસ કાપવા મેક્સિકન જ આવે છે. એમનો આગ્રહ કેશ પેમેન્ટનો જ હોય છે. એમની પાસે બેન્ક અકાઉન્ટ નથી. કોન્ટ્રાક્ટ સિસ્ટમ ચાલતી હોય છે. કન્સ્ટ્રક્શનમાં પણ મોટાભાગે મેક્સિકન જ હોય છે. આ સિવાયના લોકો પૂરા કલાક કામ નહીં કરે. એ 2 ડૉલરના બદલે 10 ડૉલર માગશે. ઓવર ટાઈમ અલગથી. એ એમને પણ નહીં પોસાય. મતલબ, આંખ આડા કાન કરીને આ પ્રવૃત્તિ વર્ષોથી ચાલે છે. ટેક્સાસ અને કેલિફોર્નિયા ઉપરાંત ન્યુ મેક્સિકોની બોર્ડર અડે છે, ત્યાં વર્ષોથી આ ચાલે છે. એમાં સરકાર કોઈ મોટો ઘટાડો કરી શકે એમ નથી. અઠવાડિયાના વિઝા આપીને ફરી રિન્યૂ કરે એવો કોઈ વચલો રસ્તો કાઢશે.’ ઘૂસણખોરોને રોકવા ટ્રમ્પની કેનેડા સાથે વાતચીત ચાલે છે
ટ્રમ્પના પોઝિટિવ પોઈન્ટ ગણાવતા ડૉ. વાસુદેવ પટેલે કહ્યું, ‘ટ્રમ્પે મેક્સિકોના પ્રેસિડન્ટને મેક્સિકોમાં રોજી ઊભી થાય એ માટે સહાય આપવાની વાત કરી છે. જેથી ત્યાંના લોકોને ઇલીગલી અહીં આવવું ન પડે. કેનેડા માટે આ પ્રશ્ન નથી. ત્યાંની 80% બોર્ડર તો 11 મહિના સુધી બરફથી થીજેલી હોય છે. ડીંગૂચાનું ફેમિલી એ રીતે જ ફ્રીઝ થયું હતું. અમેરિકાની કેનેડા સાથે વાત ચાલુ જ છે કે કઈ રીતે કેનેડા બોર્ડરથી ઓછા લોકો આવે. કેમ કે ત્યાંની બોર્ડર તો બહુ મોટી છે. મેક્સિકો બોર્ડરની જેમ બધી જગ્યાએ દીવાલ બાંધી શકાય એવું નથી.’ ગેરકાયદે લોકો અને તેને કામ આપતાં માલિકો હાલ થોભો અને રાહ જુઓની નીતિ
ડૉ. વાસુદેવ પટેલે આગળ કહ્યું, ‘એમ્પ્લોયર તરીકે ઇલીગલી લોકોને તમે રાખી ન શકો. રાખો તો પહેલા 3 હજાર પછી 10 હજાર ડૉલર એમ દંડ ભરવો પડે. જો ટ્રમ્પને ઇફેક્ટિવલી કામ કરવું હોય તો એ એમ્પ્લોયર માટે કદાચ જેલની પણ શરત ઉમેરી શકે, કારણ કે અમેરિકામાં એકવાર જેલમાં ગયા એટલે સાત વર્ષ સુધી ક્રેડિટ હિસ્ટ્રી જતી રહે. એ કોઈને પોસાય નહીં. જેથી એમ્પ્લોયર એમના લોકોને કહે છે કે હમણાં થોભી જાઓ. નવું એડમિનિસ્ટ્રેશન જરા વધુ ધોકા પછાડે. એટલે અત્યારે થોભો અને રાહ જુઓની નીતિ ચાલે છે.’ ઇલીગલી લોકો મોટેભાગે હાઇવેની નાની હોટલોમાં વધુ કામ કરે છે
તેમણે વધુમાં કહ્યું, ‘ઇલીગલી લોકો મોટેભાગે હાઇવેની નાની હોટલોમાં વધારે કામ કરતાં હોય છે. એ રૂમ સફાઇ જેવાં કામ કરે છે. એ પછી ગેસ સ્ટેશન, કન્વિનિયન્સ સ્ટોર ઉપરાંત સબ વે જેવા ફૂડ બિઝનેસમાં જતાં હોય છે. મોટા હોટલ બિઝનેસમાં ભાગ્યે જ કોઈ આવા લોકોને રાખતા હોય છે, એમાં પકડાઈ જાય તો એમ્પ્લોયરને મોટી તકલીફ થાય છે.’ ઈમિગ્રેશન અધિકારીથી બચવા લોકો આવા રસ્તા પણ અપનાવે છે
ડૉ. વાસુદેવ પટેલે વધુમાં કહ્યું, ‘ત્રણ દિવસ પહેલાં મારે એક ઈન્ડિયાથી વિઝિટર તરીકે આવેલા ભાઈ સાથે વાત થઈ. તેમને તેમના ઑનરે એમ કહ્યું છે કે ત્યાં ઈમિગ્રેશન કે પોલીસ તપાસમાં આવે તો એમ કહેવાનું કે હું તો આમને મળવા આવ્યો છું. પછી એ ભાઈને ફોન કરીને મળવા બોલાવી લેવાના. આવા રસ્તા પણ લોકો શોધી તો નાખે જ છે. પોલીસ ક્યાં સુધી જવાની છે. એમને ડ્રગ્સ અને ક્રાઇમ જેવી બીજી ઘણી વસ્તુઓ પકડવાની હોય છે. ઉપરાંત ICE પાસે આટલા બધા માણસો પણ નથી. એટલે ઉદાહરણ રૂપ કામ કરશે, જેથી ઓવરઓલ ગભરાટ ફેલાય. ‘ અમેરિકામાં રહેતા ગુજરાતીઓનો માહોલ જાણવા માટે અમે ત્યાર બાદ મૂળ કલોલના વતની અને છેલ્લાં 28 વર્ષથી યુએસમાં રહેતા આદેશભાઈ પટેલનો મત જાણ્યો હતો. આદેશભાઈ પટેલ 42 સમાજ ઓફ નોર્થ અલાબામાના કમિટી મેમ્બર તથા વિશ્વ ઉમિયાધામ, નોર્થ અલાબામાના ચેપ્ટર ચેરમેન છે. અમેરિકામાં તેમના પોતાના ગેસ સ્ટેશન, મૉટેલ અને કન્વિનિયન્સ સ્ટોર છે. આ તો પાણીમાં રહેવું અને મગરથી ડરવા જેવી વાત થઈ
આદેશભાઈ પટેલ કહે છે, ‘જનરલી અમેરિકા આખો દેશ ઇમિગ્રન્ટથી જ બનેલો છે. બીજું, બધી વસ્તુમાં હાઉ કરવાની જરૂર નથી. પાણીમાં રહેવું અને મગરથી ડરવું એના જેવું છે. બધા જ ગુજરાતી ઇમિગ્રન્ટ અહીં ફેમિલી સમજીને રહે છે. દૂધમાં સાકર ભળે એવી આપણી ગુજરાતી પોપ્યુલેશન છે. મોસ્ટલી બધાની જોબ ચાલુ છે. લેબરમાં ઇન્ડિયન્સ અને ઇમિગ્રન્ટ્સની જરૂર પડે છે, જેમ કે મેક્સિકન લોકો કન્સ્ટ્રક્શન વર્ક કરે છે. એ જ રીતે ગુજરાતીભાઈઓ આપણા બિઝનેસમાં કામ કરતા હોય છે.’ અમેરિકામાં હાલ સૂકા સાથે લીલું પણ બળે છે
આદેશભાઈ પટેલે કહ્યું, ‘હાલમાં ટ્રમ્પ સરકારનો પહેલો ઓર્ડર ક્રિમિનલને પકડવા માટે જ થયો હતો. મતલબ કે મર્ડર, રેપ સાથે સંકળાયેલા ગુનેગારોને પહેલેથી ટાર્ગેટ કરેલા જ હતા. જોકે આવા સિરિયસ ક્રાઇમમાં ગુજરાતી લોકો લગભગ નહિવત્ છે. જે છે એ કદાચ રૂપિયા એ રીતે બનાવ્યા હોય, ઇલીગલ ગેમિંગમાં સંડોવાયેલા હોય, ફાઈનાન્સિયલ ક્રાઇમ હોય પણ એમનું પણ ક્લીયરન્સ તેમણે પહેલાં લઈ લીધું હોય છે. ટ્રમ્પ સરકારે દેશની સિક્યૉરિટીની વાત પહેલાથી જ કરી હતી, એમાં સૂકા સાથે લીલું બળે. એવા એક-બે કિસ્સા બન્યા છે. જેના કારણે આપણો થોડો કોન્ફિડન્સ ઘટ્યો છે.’ ક્રિમિનલ આસપાસ હોય તો સાચવીને રહેવું
તેમણે વધુમાં કહ્યું, ‘ઇલીગલ રહેતા હોય એમની પણ અત્યારે જોબ ચાલુ જ છે. સ્ટુડન્ટને કદાચ ઑનરે કહ્યું હોય કે તમે હમણાં જોબ ન કરશો. બીજું, અલાબામામાં આ બાબતનો એટલો ઇશ્યૂ નથી પણ અન્ય સ્ટેટના વીડિયો મેસેજ મળતા રહે છે. જ્યાં એવું બન્યું હોય કે ICE ક્રિમિનલને શોધવા ગયા હોય એમની સાથે બીજા પણ લપેટમાં આવી ગયા હોય. આપણે એવું સજેસ્ટ કરી શકીએ કે કોઈ ક્રિમિનલ તમારી આસપાસ કામ કરતો હોય તો એનાથી સાચવીને રહેવું અથવા એવોઇડ કરવું એમાં તમારી સેફ્ટી છે. ‘ અમેરિકામાં જોબ માટે લોકોની જરૂર તો પડશે
તેમણે આગળ કહ્યું, ‘સ્ટુડન્ટ અને વર્ક વિઝા લઈને આવેલા લોકો માટે કોઈ ચિંતા નથી. બધું સેફ છે. આ ડેમોક્રસી દેશ છે. આ વીડિયો બધા ખોટા વાઇરલ કરે છે. એના હિસાબે લોકોને ડરાવવનો પ્રયત્ન છે. એવું પણ બને કે 5-6 મહિનામાં સારા ન્યૂઝ પણ મળે. કદાચ કોઈને વર્ક પરમિટ કે H1 વિઝા આપે અથવા ઇમિગ્રન્ટને લીગલ કરવા કંઈક કરે. કેમ કે અમેરિકામાં જોબ માટે લોકોની જરૂર તો પડશે જ.’ જેમને પાછા મોકલ્યા છે એમાંથી 80% બોર્ડર પર જ હતા
તેમણે વધુમાં કહ્યું, ‘અત્યારે જેમને પાછા મોકલ્યા છે એમાંથી 80% બોર્ડર પર જ હતા. જ્યારે અમુક એવા લોકો હતા જેમણે અસાઇલમ કેસ કર્યો હોય અને હાજરી આપવા ગયા હતા. એમને ડેટ આપી અને ત્યાંથી ડિટેન કરીને ત્યાંથી જ પાછા મોકલી આપ્યા હતા. ત્રણેક વર્ષ પહેલાં એક જગ્યાએ ગયો એમના ભત્રીજાનો સેમ કેસ હતો. કોર્ટમાં ગયા, અસાઇલમની એપ્લિકેશન નકારી.. ત્યાંથી જ એને એરેસ્ટ કરીને ઈન્ડિયા મોકલી દીધો. હમણાં એની ફાઇલ એપ્રૂવ થઈ ગઈ તો એ અમેરિકા પાછો પણ આવી ગયો છે.’ તેમણે અંતમાં કહ્યું, ‘ગભરાવવાની જરૂર નથી. બધું પાછું સારું થશે. આનાથી દુનિયા પૂરી નથી થઈ જતી.’ ગુજરાતી સમાજ ઓફ હ્યુસ્ટનના પ્રમુખ પ્રકાશ વી પટેલ સાથે પણ ગુજરાતીઓની હાલની સ્થિતિ અંગે વાત કરી હતી. તેઓ એસોસિયેશન ઓફ ઇન્ડિયાના પોલીસ, ઈન્ડિયા હાઉસ અને યુનાઇટેડ સ્પોર્ટ્સ ક્લબના પ્રેસિડેન્ટ પણ છે. ઉપરાંત FOGAના વાઇસ પ્રેસિડેન્ટ છે. તેઓ મેડિકલ ફિલ્ડમાં હતા અને હાલ રિટાયર છે. પ્રકાશ વી પટેલે કહ્યું, ‘પારાવાર મુશ્કેલી સાથે બોર્ડર ક્રોસ કર્યા પછી અમેરિકામાં ઇલીગલ રહેવું સરળ નથી. તેમને જોબ પણ મિનિમમ વેજીસ કરતાં ઓછી મળે છે. હવે પહેલાં જેવો સમય અમેરિકામાં નથી. કાયદેસર આવેલા ઇમિગ્રન્ટને પણ સેટ થતાં પહેલાં કરતાં 2-3 ગણો સમય વધારે લાગે છે. ઇલીગલ આવીને કામ કરીને સેટલ થવામાં બહુ લાંબો સમય લાગે છે.’ અત્યારે સગાં-સંબંધીઓ પણ ગેરકાયદે લોકોને એવોઇડ કરવાનો પ્રયત્ન કરે છે
તેમણે વધુમાં કહ્યું, ‘અનડોક્યુમેન્ટેડ વર્કર આવીને મોટેભાગે હોટેલ, મૉટેલ કે સ્ટોરમાં કામ કરતાં હોય છે, કારણ કે આપણા લોકો મેક્સિકન કે અન્ય લોકોની જેમ લેબર જોબ કરી શકતા નથી. જોકે એમના પ્રમાણમાં ખરાબ સ્થિતિ પણ નથી. ગેરકાયદે આવેલા લોકોને મોટાભાગે સગાં-વહાલાં કે મિત્રો રાખતા હોય છે. ઉપરાંત તેમને જોબ આપવી એ પણ એક ગુનો છે. જેથી અત્યારે સગાં-સંબંધીઓ પણ ગેરકાયદે લોકોને એવોઇડ કરવાનો પ્રયત્ન કરે છે. ‘ અમેરિકન પ્રજાને પણ ઇલીગલી ઇમિગ્રન્ટ જરા પણ પસંદ નથી
પ્રકાશ વી પટેલે કહ્યું, ‘સામાન્ય અમેરિકન પ્રજાને પણ બહારથી ઇલીગલી આવતા કોઈપણ ઇમિગ્રન્ટ જરા પણ પસંદ નથી. ટ્રમ્પનું ચૂંટાવાનું એક કારણ તેણે સરહદ સીલ કરવાનું આપેલું વચન પણ હતું. જોકે ગેરકાયદેસર લોકોને ડિપોર્ટ કરવાનું કામ ટ્રમ્પ સરકારે જ કર્યું એવું નથી. અત્યાર સુધીમાં 17 હજાર ઉપર લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. આ નવી સ્થિતિ નથી.’ ડિપોર્ટના ન્યૂઝ પછી અમુક લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ થઈ રહ્યા છે
પ્રકાશ વી પટેલે આગળ કહ્યું, ‘ડિપોર્ટ કરવાના ન્યૂઝ આવ્યા પછી અમુક લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ થઈ રહ્યા છે તો અમુક સંતાઈ ગયા છે પણ અમેરિકાના બંધારણ પ્રમાણે અહીં રહેતા લોકોને અમુક હકો મળેલા છે, જેમ કે તમે કારમાં જતા હો અને કારમાં કોઈ ઇલીગલ પ્રવૃતિ ન થતી હોય તો પોલીસ રોકે તો ખાલી ડ્રાઇવર પાસે લાઇસન્સ જ માગી શકે. કારમાં બેઠેલા બીજા મુસાફરોને કોઈ પ્રશ્નો પૂછવાનો પોલીસને અધિકાર નથી. જોકે ઇમિગ્રેશન અધિકારી હોય તો એ અલગ છે અને એમને થોડીક છૂટછાટ છે પણ મારા ખ્યાલ પ્રમાણે એમની પાસે કોર્ટનો ઓર્ડર હોવો જોઈએ. ઘરમાં પોલીસ અરેસ્ટ કરવા આવે તો કોર્ટ ઓર્ડર હોવો જોઈએ. ઓર્ડર જોવાનો અને વેરીફાય કરવાનો તમને અધિકાર છે.’ તેમણે છેલ્લે કહ્યું, ‘મારા ખ્યાલથી વર્ક વિઝા પર છે એમને કોઈપણ જાતની હેરાનગતિ નથી થતી. સ્ટુડન્ટ પાસે પણ પ્રૂફ હોય તો એમને પણ વાંધો નથી. એમને કંઈ થાય તો એ પણ લીગલ સર્વિસ લઈ શકે છે. ડિપોર્ટ થઈને આવો અને પાસપોર્ટમાં ડિપોર્ટનો સ્ટેમ્પ વાગે એના કરતાં જાતે જ પાછું આવી જવું જોઈએ. તમે પાછા આવો ત્યારે જનરલી એરપોર્ટ પર પૂછતાં નથી. જોકે કોઈ જાતે ઈન્ડિયા પાછું આવતું હોય તો એવા કિસ્સા મારા ધ્યાનમાં નથી આવ્યા.’ અમેરિકાના અગ્રણીઓ બાદ અમે અમદાવાદના વિઝા એક્સપર્ટ પાર્થેશ ઠક્કર સાથે વાતચીત કરી તેમનાં મંતવ્યો જાણ્યાં હતાં. પાર્થેશ ઠક્કરે કહ્યું, ‘મારા ઘણા મિત્રો છે. ત્યાં લીગલી રહેતા લોકો આને એન્જોય કરે છે. જેમનું રિટેલ કે મૉટેલ ઇન્ડસ્ટ્રી સક્સેસ થવાનું એક કારણ એ પણ છે કે એ અનડોક્યુમેન્ટેડ વર્કરને કામ આપતા હતા અને પગાર ઓછો આપતા હતા, જેથી ઓપરેશનલ કોસ્ટ ઓછી થઈ જતી. ઘણી મૉટેલમાં આવા વર્કર આજે પણ કામ કરે છે. જેના પગલે 40 કે 50 રૂમની મૉટેલમાં કામ કરતાં વર્કરને એ વિષે બધું ખબર હોય. જેથી તેને ખબર હોય કે મારે પોલીસની રેડ વખતે ક્યાં છુપાઈ જવું.’ એમ્પ્લોયર સીધી રીતે અનડોક્યુમેન્ટેડ વર્કર ભરતી કરતો નથી
તેમણે કહ્યું, ‘યુએસમાં ઘણા બિઝનેસ એવા છે કે જેમાં અનડોક્યુમેન્ટેડ વર્કર કામ કરતાં હતા. આ નેકસસ એ રીતે ચાલે છે કે કોઈ એમ્પ્લોયર સીધી રીતે આવા લોકોની ભરતી ન કરે. કેમ કે એને મોટો ફાઇન ભરવો પડે. એ એક પ્લેસમેન્ટ એજન્સી શોધે. જે વર્કર વેરિફાઈ હોવાનું સર્ટિફિકેટ આપે. એના બેઝ પર એમ્પ્લોયર પ્લેસમેન્ટ એજન્સીને સેલરી પે કરે છે. પ્લેસમેન્ટ એજન્સી વર્કરને પે કરે છે. મતલબ કંપની ક્યાંય સીધી રીતે આમાં ઇનવોલ્વ નથી થતી. જેને પગલે આવા વર્કર કન્સ્ટ્રક્શન, લેબરની વિવિધ જગ્યાએ કામ કરે છે.’ વર્કર અંડર ગ્રાઉન્ડ થઈ જતાં કન્સ્ટ્રક્શન સાઇટના કામ અટકી ગયાં છે
પાર્થેશ ઠક્કરે કહ્યું, ‘છેલ્લા એક મહિનાથી સર્જાયેલી સ્થિતિને પગલે બધા વર્કર અંડર ગ્રાઉન્ડ થઈ ગયા છે. એના પગલે ઘણી અંડર કન્સ્ટ્રક્શન સાઇટ અત્યારે રોકાઈ ગઈ છે. એક અનડોક્યુમેન્ટેડ વર્કર બે લીગલ વર્કરનું કામ કરે છે, કારણ કે એનો ગોલ જ રૂપિયા કમાવવાનો છે. જેથી એ ઓછા પગારમાં વધારે કલાક કામ કરશે. હવે પ્રોફેબિલિટી અને વર્ક ફોર્સની એબશન્સનો મોટો પ્રોબ્લેમ યુએસમાં ઊભો થશે, જેના પગલે ઘણા લોકો યુએસમાં તકલીફમાં મુકાશે. લેબરની અછતનો ગેપ રિટેલ, મૉટેલ, સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ એજન્સીમાં પણ આવશે.’ અમેરિકા જવા હવે લીગલ રસ્તા વધુ ખૂલશે
તેમણે વધુમાં કહ્યું, ‘આ બાબતે ત્યાંની સરકારે અત્યારે કંઈ વિચાર્યું હોય તો ખબર નહીં. કેમ કે એકસાથે આટલો મેજર વર્ક ફોર્સ યુએસમાંથી બહાર નીકળી જાય તો ડેફિનેટલી એક ગેપ ઊભો થશે. એને ભરવા માટે લીગલ એવેલેબલ સ્ટેપ જેમાં સ્ટુડન્ટ વિઝા, વર્ક, બિઝનેસ વિઝા, અન્ય વર્ક વિઝા ઉપરાંત E1 E2 ટ્રીટી વિઝા ઇન્વેસ્ટર વિઝા જેવા બધા વિઝાનું એપ્રૂવલ અને ક્વોટા વધશે. જેથી યુએસમાં જેને લીગલ જવું હોય ભણવા કે બિઝનેસ કરવા જવું હોય એને હવે ઇઝીલી જવા મળશે, કારણ કે કોઈ પણ દેશ વર્કફોર્સ એબસન્સ ચલાવી ન શકે. એનાથી એમની ઈકોનોમી સાઇકલ ડિસ્ટર્બ થાય. ‘ પાર્થેશ ઠક્કરે ઉમેર્યું, ‘અમેરિકાની સરકારે આ શોર્ટ ટર્મ માટે લીધેલાં એક્શન લાગતા નથી. જો એવું હોત તો પ્લેન ભરીને લોકોને પાછા ન મોકલતા હોત. આ ઉપરાંત 18 હજાર ઇન્ડિયન્સનું લિસ્ટ રેડી કર્યું છે. એમાં હજુ વધશે. ઇન્ડિયનની જેમ બીજા દેશોનું પણ લિસ્ટ હશે. જેમને ડિપોર્ટ કરવામાં આવશે. અંદાજ મુજબ એક-બે લાખ લોકોને અમેરિકાથી બહાર કરાશે. એમનો ગેપ ભરવા માટે લીગલ વિઝા વધુ આપશે.’ અમારી ખાસ સિરીઝ ‘ડૉલર ડ્રીમ્સ’માં કાલે બીજા એપિસોડમાં વાંચો અમેરિકામાં સપનું સાકાર કરવા માટે કેવી રીતે ગુજરાતીઓ અસાઇલમના હથિયારનો કરે છે ઉપયોગ? બોર્ડરમાં ઘૂસ્યા પછી કેમ સામેથી પકડાઈ જાય છે? કેવી છટકબારી શોધીને વર્ષો સુધી રહે છે?

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments