ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની મેચ પાંચમી મેચમાં, ટીમ ઈન્ડિયાનો સામનો તેમના કટ્ટર હરીફ એવા પાકિસ્તાન સામે થયો હતો. 23 ફેબ્રુઆરીએ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ભારતીય ટીમે પાકિસ્તાન પર 6 વિકેટથી ભવ્ય વિજય મેળવ્યો. ભારતની જીતનો હીરો વિરાટ કોહલી હતો, જેણે અણનમ સેન્ચુરી (111 બોલમાં 100 રન) ફટકારી હતી. આ જીત સાથે, રોહિત શર્માના નેતૃત્વ હેઠળની ભારતીય ટીમે સેમિફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. 1996 પછી પહેલીવાર પાકિસ્તાનમાં કોઈ ICC ટુર્નામેન્ટ યોજાઈ રહી છે. તેમાં પણ ભારે ધમ પછાડા અને અનેક વિવાદો પછી શરૂ થયેલી ટુર્નામેન્ટની શરૂઆતમાં જ હોસ્ટ દેશ બહાર જવાના દરવાજે ઊભો રહી ગયો છે. ત્યારે હવે બધાના મગજમાં એ જ ચાલી રહ્યું છે કે શું પાકિસ્તાનની ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે..! તો જવાબ છે..લગભગ બહાર…પાકિસ્તાનની ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થવાના આરે આવી ગઈ છે. પણ તેમનું આગળનું ભવિષ્ય આજની મેચના પરિણામ પર નિર્ભર છે. તો ચાલો જાણીએ પાકિસ્તાનનું ચેમ્પિયન્સ ટ્રોફી-2025માં શું સમીકરણ છે… શું પાકિસ્તાન સંપૂર્ણપણે બહાર થઈ ગયું છે?
આ હારના કારણે પાકિસ્તાની ટીમના સેમિફાઈનલમાં પહોંચવાની શક્યતા ઘણી ઘટી ગઈ છે. જોકે, પાકિસ્તાની ટીમ ટુર્નામેન્ટમાંથી સંપૂર્ણપણે બહાર થઈ નથી. ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ સોમવારે (24 ફેબ્રુઆરી) રાવલપિંડીમાં યોજાવાની છે. જો ન્યૂઝીલેન્ડની ટીમ બાંગ્લાદેશ સામે જીતશે તો પાકિસ્તાન ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જશે. બાંગ્લાદેશ સામેની જીત ન્યૂઝીલેન્ડની સાથે ભારતની સેમિફાઇનલમાં પ્રવેશ નિશ્ચિત કરશે. જો ન્યૂઝીલેન્ડ-બાંગ્લાદેશ મેચ ધોવાઈ જાય તો પણ પાકિસ્તાની ટીમ બહાર થઈ જશે તે નિશ્ચિત છે. આજે બાંગ્લાદેશને સપોર્ટ કરશે પાકિસ્તાનીઓ
ન્યૂઝીલેન્ડ જે ફોર્મમાં છે તે જોતાં, તેઓ ગ્રૂપ-Aમાંથી સેમિફાઈનલમાં બીજા સ્થાને રહેશે તેવું લાગી રહ્યું છે. તેમણે પહેલી મેચમાં પાકિસ્તાનને હરાવીને ટુર્નામેન્ટની શાનદાર શરૂઆત કરી હતી અને સોમવારે બાંગ્લાદેશને હારીને સેમિફાઈનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત કરવા ઇચ્છશે. જો બાંગ્લાદેશની ટીમ ન્યૂઝીલેન્ડને હરાવવામાં સફળ રહે છે તો પાકિસ્તાન માટે ટુર્નામેન્ટના દરવાજા ખુલી જશે પરંતુ આ પછી ભારતે ન્યૂઝીલેન્ડને હરાવવું પડશે અને પાકિસ્તાને બાંગ્લાદેશને હરાવવું પડશે. પાકિસ્તાન પોઇન્ટ્સ ટેબલમાં પણ ભારતને પછાડી નહીં શકે
મોહમ્મદ રિઝવાનની આગેવાની હેઠળની પાકિસ્તાની ટીમે સેમિફાઈનલમાં પહોંચવા માટે અન્ય પરિણામો પર આધાર રાખવો પડશે. આ ઉપરાંત, તેમને નસીબની પણ જરૂર છે. પાકિસ્તાને આશા રાખવી પડશે કે બાંગ્લાદેશની ટીમ ન્યૂઝીલેન્ડને હરાવે. તો પછી પાકિસ્તાની ટીમે તેની છેલ્લી મેચમાં બાંગ્લાદેશને મોટા માર્જિનથી હરાવવું પડશે. જો ન્યૂઝીલેન્ડની ટીમ ભારત સામે હારી જાય છે. તો આવી સ્થિતિમાં, પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશના બે-બે પોઇન્ટ સમાન રહેશે. આવી સ્થિતિમાં, ગ્રૂપ-Aમાંથી બીજી સેમિફાઈનલ ટીમનો નિર્ણય નેટ રન રેટના આધારે કરવામાં આવશે. અત્યારે એટલું તો કન્ફર્મ થઈ ગયું છે કે પાકિસ્તાનની ટીમ હવે પોઇન્ટ્સ ટેબલમાં ભારતને હરાવી શકશે નહીં. તેઓને વધુમાં વધુ બે પોઇન્ટ મળશે, જો તેઓ બાંગ્લાદેશ સામે જીત્યા તો. પાકિસ્તાન પોઇન્ટ્સ ટેબલમાં સાવ તળિયે
તમને જણાવી દઈએ કે ગ્રૂપ-Aમાં ભારતીય ટીમ હાલમાં બે મેચમાં બે જીત સાથે ટોચ પર છે. ભારતના 4 પોઇન્ટ્સ છે અને તેનનો નેટ રન રેટ 0.647 છે. જ્યારે ન્યૂઝીલેન્ડની ટીમ એક મેચમાં એક જીત સાથે બીજા સ્થાને છે. કિવીઝ ટીમનો નેટ રન રેટ 1.200 છે. બાંગ્લાદેશ ત્રીજા સ્થાને છે જ્યારે પાકિસ્તાન ચોથા સ્થાને છે. બંને ટીમે પોતાનું ખાતું ખોલાવ્યું નથી, પરંતુ સારા નેટ રન રેટના કારણે બાંગ્લાદેશ ટેબલમાં ત્રીજા સ્થાને છે. બાંગ્લાદેશનો નેટ રન રેટ -0.408 છે. જ્યારે પાકિસ્તાનનો નેટ રન રેટ -1.087 છે. ભારતે બાંગ્લાદેશ પછી પાકિસ્તાનને પણ પછાડ્યું
ભારતે તેની પહેલી મેચમાં બાંગ્લાદેશને 6 વિકેટથી હરાવીને તેના અભિયાનની શાનદાર શરૂઆત કરી હતી. જ્યારે પાકિસ્તાનને ન્યૂઝીલેન્ડ સામે 60 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. હવે પાકિસ્તાનને હરાવીને, ભારતીય ટીમે બતાવ્યું છે કે આ વખતે તે ચેમ્પિયન્સ ટ્રોફીમાં સંપૂર્ણ તૈયારી સાથે પ્રવેશી છે. ભારતીય ટીમે ચેમ્પિયન્સ ટ્રોફીમાં તેની બધી મેચ દુબઈમાં રમવાની છે. ગમે તે હોય, દુબઈમાં ભારતનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. અહીં, ટીમ ઈન્ડિયાએ આઠમાંથી સાત ODI મેચ જીતી છે, જ્યારે અફઘાનિસ્તાન સાથેની એક મેચ ડ્રો રહી હતી. ભારતીય ટીમે આ મેદાન પર પાકિસ્તાન સામે ત્રણ વન-ડે રમી હતી, જેમાં ત્રણેયમાં જીત મળી છે. ભારતે અગાઉ 2018 એશિયા કપ દરમિયાન પાકિસ્તાનને 8 વિકેટથી હરાવ્યું હતું. પછી બીજી મેચમાં તેણે પાકિસ્તાની ટીમને 9 વિકેટથી હરાવ્યું હતું. હવે ઈન્ડિયન ટીમે ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ 6 વિકેટે પાકિસ્તાનને હરાવ્યું છે. IND-PAK મેચ સંબંધિત આ સમાચાર પણ વાંચો… 1. ભારતની જીતથી પાકિસ્તાન લગભગ બહાર: કોહલીની ‘વિરાટ’ ઇનિંગ, કરિયરની 51મી ઈન્ટરનેશનલ સેન્ચુરી ફટકારી; PAKને 6 વિકેટથી હરાવ્યું ચેમ્પિયન્સ ટ્રોફીની બીજી મેચમાં ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું છે. આ સાથે, ટીમે 2017 ચેમ્પિયન્સ ટ્રોફી ફાઈનલમાં 180 રનની હારનો બદલો લીધો. રવિવારે દુબઈમાં પાકિસ્તાને 241 રન બનાવ્યા. ભારતે 42.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કરી લીધો. સંપૂર્ણ સમાચાર વાંચો… 2. ભારત સામે હાર્યા બાદ પાકિસ્તાનીઓ ભડક્યા: એક ચાહકે કહ્યું- ખેલાડીઓ ભલામણથી આવી રહ્યા છે, બધાની પોત-પોતાની ટશનબાજી છે ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં સતત બીજી જીત મેળવી છે. ટીમે પાકિસ્તાનને એકતરફી મેચમાં 6 વિકેટથી હરાવી દીધા છે. રવિવારે મળેલી હારથી પાકિસ્તાની ફેન્સમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. થોડા ફેન્સે તો ટીમમાં જૂથવાદ હોવાનો આરોપ પણ લગાવ્યો છે. સંપૂર્ણ સમાચાર વાંચો…