અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના મોટીબારુ ગામના ખેડૂતોએ અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે દેખાવો કરીને જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. ખેડૂતોએ પાવર ગ્રીડ કોર્પોરેશન ઇન્ડિયાના 765 કિલો વોટ સબ સ્ટેશન બાંધકામ માટે તેમની ખેતીની જમીન સંપાદન કરવા સામે વાંધા અરજી આપી હતી. અગાઉ CMને રજૂઆત કરાઈ હતી
ખેડૂતોનું કહેવું છે કે, તેમને મોટીબારૂ ગામમાં પાવર સ્ટેશન માટે જમીન સંપાદનને લઈને અખબારોમાં છપાયેલી નોટિસ દ્વારા માહિતી મળી હતી. સરકાર દ્વારા ખેડૂતોને મંજૂરી વગર જમીન સંપાદિત કરાઈ હોવાનો દાવો ખેડૂતો દ્વારા કરવામાં આવ્યો હતો. ખેડૂતોએ કહ્યું હતું કે, અગાઉ મુખ્યમંત્રીને પણ આ મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી. પાણી ભરાતું હોવાનુ ખોટુ સોગંદનામુ સરકારમાં થયું
ખેડૂતોનું કહેવું છે કે, આ પ્રોજેક્ટ સરકારી પડતર જમીન ઉપર કરવામાં આવે. આ પ્રોજેક્ટ માટે ખેડૂતોની 262 વીઘા જેટલી ઉપજાઉ જમીન સંપાદિત કરવામાં આવનાર છે. જ્યારે સરકારી પડતરની જમીન ખાલી જમીન હોવા છતાં સરકારી કર્મચારીઓએ ત્યાં પાણી ભરાતું હોવાનુ ખોટુ સોગંદનામુ સરકારમાં કર્યું છે અને સરકારને ગેરમાર્ગે દોરી છે. ખેડૂતોએ આપેલી અરજીમાં ગૂગલ મેપના ફોટા પણ જોડ્યા હતા. આ મુદ્દો તેમની રોજી રોટી સાથે સંકળાયેલ હોવાનું ખેડૂતોનું કહેવું છે. અમદાવાદ જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું
અગાઉ પણ વીજળી અને રોડ જેવા પ્રોજેક્ટમાં ખેડૂતોની જમીન સંપાદિત થતા તેમના ખેતર નાના બન્યા હોવાનો દાવો ખેડૂતોએ કર્યો હતો. ત્યારે આ નવા પ્રોજેક્ટથી તેમની ખેતીની જમીન પહેલા કરતા પણ વધુ નાની બનવાથી ઉપજ ગણાશે, તેથી તેઓ પોતાની જમીન પ્રોજેક્ટ માટે આપવા માંગતા નથી. કલેકટરને આપેલી અરજીની નકલ તેમને વડાપ્રધાન, મુખ્યમંત્રી, ઉર્જા મંત્રી, મહેસુલ સચિવ વગેરેને મોકલી આપી હતી.