આગામી 27મી ફેબ્રુઆરીથી ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થવાની છે. ત્યારે વિદ્યાર્થીઓને રિસીપ્ટ આપી દેવામાં આવી છે. હવે પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીએ કઈ-કઈ બાબતોની કાળજી લેવી? શું લઈ જવું, શું નહીં? જ્યારે પરીક્ષા શરૂ થાય ત્યારે વિદ્યાર્થીઓએ પરીક્ષા શરૂ થવાની અંતિમ ઘડીમાં કઈ રીતે ટાઈમ મેનેજમેન્ટ કરવું, પરીક્ષા દરમિયાન શું કરવું અને શું ન કરવું સાથે કેટલીક ટિપ્સ શિક્ષણવિદ્ દ્વારા આપવામાં આવી છે. જો બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ આટલી બાબતો ધ્યાનમાં રાખશે તો અવશ્ય ખૂબ સારું પરિણામ મેળવી શકશે. પરીક્ષા આપવા જાઓ એ પહેલાં શું ધ્યાન રાખવું?
1. પરીક્ષા કેન્દ્રની આગલા દિવસે જ મુલાકાત કરી લેવી
આ અંગે શિક્ષણવિદ્ અને આચાર્ય પરેશ શાહે જણાવ્યું હતું કે, રિસીપ્ટ વિદ્યાર્થીઓના હાથમાં આવી ગઈ છે, ત્યારે હવે વિદ્યાર્થીઓએ કેટલીક બાબતોની કાળજી રાખવાની જરૂર છે. પહેલી મહત્ત્વની બાબત એ છે કે, જે પણ પરીક્ષાર્થી એક્ઝામ સેન્ટર પર પરીક્ષા આપવાનો છે, તેનાથી સૌપ્રથમ પરિચિત થાય અને આ પરીક્ષા કેન્દ્ર કેટલું દૂર છે તે જાણી લેવું જોઈએ. સાથે આગળના દિવસે આ પરીક્ષા કેન્દ્રની મુલાકાત લઇ લેવી, જેથી કોઈ મુશ્કેલી ન અનુભવાય. 2. પહેલા દિવસે પરીક્ષા કેન્દ્ર પર 15થી 20 મિનિટ વહેલું જવું
વધુમાં કહ્યું કે, પહેલા દિવસે જ્યારે પરીક્ષા આપવા જાઓ છો તો 15થી 20 મિનિટ વહેલા જાવ, જેથી પરીક્ષા સેન્ટર પર ગયા પછી બ્લોકથી પરિચિત થઈ શકો. આપ પરીક્ષા આપવા જાઓ ત્યારે આ તમારું એક અપરિચિત સેન્ટર હશે. આપ પરીક્ષા કેન્દ્ર પર જાઓ ત્યારે આપણાં બૂટ અને મોજાં બોર્ડના નિયમ અનુસાર બહાર ઊતરીને જવાનું રહેશે. આ સાથે સીસીટીવી કેમેરા હેઠળ પરીક્ષા લેવામાં આવનાર છે, ત્યારે પરીક્ષા દરમિયાન વર્ગખંડમાં એવી કોઈ પ્રવૃત્તિ ન કરવી જેથી તમને નુકસાન થઈ શકે. પરીક્ષા પૂર્ણ થયા પછી ઓબ્ઝર્વ્ડ સીસીટીવી ફૂટેજ ચકાસશે અને જો આપ કોઈને મદદરૂપ થઈ રહ્યા હતા કે આપ કોઈની મદદ લઈ રહ્યા હતા તો કાર્યવાહી થઈ શકે છે. બોર્ડના પ્રશ્નપત્રો 14 જેટલા સ્ટ્રોંગ રૂમમાં રખાયા 3. હોલ ટિકિટમાં સુપરવાઇઝરની સહી લેવી ન ભૂલવી
વધુમાં કહ્યું કે, સાથે એવું કોઈ પણ સાહિત્ય પરીક્ષાખંડની અંદર ન લઈ જશો કે જેથી પરીક્ષાખંડમાં આપ મુશ્કેલીમાં મુકાઈ જાઓ. બીજી બાબત આપની સાથે તમે પાણી પારદર્શક બોટલમાં જ લઈ જઈ શકશો. આ સાથે અતિ મહત્ત્વની બાબત છે કે, જ્યારે પણ પરીક્ષાખંડમાં જાઓ છો ત્યારે હોલ ટિકિટની અંદર સુપરવાઇઝરની પાસે સહી અવશ્ય કરાવો. આ સાથે પરીક્ષાખંડ આપણે છોડીએ છીએ ત્યારે અવશ્ય કોઈ વસ્તુ લઇ ગયા હોય જેમાં ખાસ રિસીપ્ટ અવશ્ય પરત લઈ લેવી. 4. વર્ગખંડમાં કેલ્ક્યુલેટર-ઘડિયાળ સાદી લઈ જવી
વધુમાં કહ્યું કે, કોમર્સ અને સાયન્સના વિદ્યાર્થીએ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાનો થાય છે, ત્યારે સાદું કેલ્ક્યુલેટર પરીક્ષાખંડમાં લઈ જવું. ઘડિયાળ પણ સાદી જ લઈ જવી. પરીક્ષાખંડ છોડ્યા પછી ક્યારેય, ક્યાંય ચર્ચા ન કરો કે પેપર કેવું ગયું અને આગળના પેપરની તૈયારીમાં લાગી જાઉં, જેથી મુશ્કેલી ન પડે. જો પરીક્ષાર્થી ઉપરની બાબતોનું ધ્યાન રાખીને બોર્ડની પરીક્ષા આપશે તો અવશ્ય સારા માર્ક્સ મેળવી શકશે.