રાજ્યભરના વિલેજ કમ્પ્યુટર ઓપરેટર્સ (VCO) આજથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે. તેઓ માનદ વેતન વધારવા અને કમિશન નીતિમાં સુધારા સહિતની માગણીઓ સાથે ગાંધીનગર ખાતે એકત્રિત થયા છે. ત્યારે ઊંઝા તાલુકાની 33 ગ્રામ પંચાયતોમાંથી તમામ VCO આ હડતાળમાં જોડાયા છે. આ કારણે ગ્રામ્ય વિસ્તારોમાં નાગરિકોના મહત્વના સરકારી કામકાજ પ્રભાવિત થશે. ઊંઝા તાલુકા VCE મંડળના પ્રમુખ અશ્વિનજી ઠાકોરે જણાવ્યું કે, VCOને થતા આર્થિક શોષણ સામે આ આંદોલન છે. તેમણે વધુમાં કહ્યું કે હાલની કમિશન આધારિત વ્યવસ્થા દૂર કરી, યોગ્ય માનદ વેતન આપવાની માગણી મુખ્ય છે. VCOની હડતાળથી ગ્રામ્ય વિસ્તારોમાં જન્મ-મરણ નોંધણી, આવકના દાખલા, જાતિના દાખલા સહિતના અનેક મહત્વના દસ્તાવેજો અને સેવાઓની કામગીરી અટકી પડશે. આ હડતાળ ક્યાં સુધી ચાલશે તે અંગે કોઈ ચોક્કસ સમયમર્યાદા જાહેર કરવામાં આવી નથી.