જૂનાગઢના ઐતિહાસિક શિવરાત્રી મેળાનો ત્રીજો દિવસ ભક્તિમય માહોલમાં ઉજવાઈ રહ્યો છે. અત્યાર સુધીમાં 2.50 લાખથી વધુ ભાવિકોએ મેળાની મુલાકાત લીધી છે. 56 એકર વિસ્તારમાં પથરાયેલા આ મેળામાં નાગા સાધુઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. રુદ્રાક્ષધારી અને ભસ્મચોળી નાગા સાધુઓએ ધૂણી ધખાવી અલખનો આરાધ શરૂ કર્યો છે. ભાવિકોની સેવા માટે 150થી વધુ ઉતારા મંડળો અને અન્નક્ષેત્રો કાર્યરત છે. આ સંસ્થાઓ મેળામાં આવતા પ્રવાસીઓને વિનામૂલ્યે સેવાઓ પૂરી પાડી રહી છે. મેળામાં શીખંડથી લઈને પાઉભાજી સુધીની વિવિધ પ્રકારની પ્રસાદી ઉપલબ્ધ છે. ભાવિકોના મતે, શિવરાત્રીનો મેળો એક એવો અનોખો મેળો છે જ્યાં એક પણ રૂપિયાનો ખર્ચ કર્યા વિના શિવ અને જીવનું મિલન થાય છે. આદિ શંકરાચાર્યની પરંપરા મુજબ, મેળામાં ધૂણી અને ભભૂતનું વિશેષ મહત્વ છે. ભભૂતને ભગવાન શંકરનો ખજાનો માનવામાં આવે છે. ભગવાન દત્તાત્રેય સતયુગના ગુરુ અને નાગા સાધુઓના માર્ગદર્શક છે. પાંચ દિવસ ચાલનારા આ મેળામાં દેશ-વિદેશથી લાખો ભાવિકો નાગા સાધુઓના દર્શન કરવા આવે છે. એસટી વિભાગે મેળામાં આવતા ભાવિકો માટે વિશેષ વ્યવસ્થા કરી છે. મેળાના વાતાવરણમાં હર હર મહાદેવના નાદ સાથે સાધુ-સંતો અને મહંતો રાત-દિવસ શિવની આરાધનામાં લીન છે.