મહિલાઓના કુંભસ્નાનના વીડિયો અને રાજકોટની પાયલ હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ વાઇરલ કરવા મામલે 23 ફેબ્રુઆરીના રોજ અમદાવાદ સાયબર ક્રાઈમે વધુ ત્રણ આરોપીની ધરપકડ કરી હતી, જેમાં એક આરોપી સુરતનો હોવાનું સામે આવ્યું છે, જ્યારે બે આરોપી મહારાષ્ટ્રના છે. સુરતના પરીત ઘનશ્યામભાઈ ધામેલિયાએ પાયલ હોસ્પિટલના સીસીટીવી કેમેરા હેક કર્યા હતા. બીકોમ તથા સાયન્સ કોમ્યુનિકેશન્સ અને એંગેજમેન્ટનો કોર્સ કરનારો પરીત ઘરે બેઠાં બેઠાં જ સીસીટીવી હેક કરવાનું કામ કરતો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે પરીત ટેલિગ્રામ મારફત સીસીટીવી હેક કરવાનું શીખ્યો હતો અને એના મારફત જ મહારાષ્ટ્રનો રાયન પરેરા અને વૈભવ માને શીખ્યા હતા. અમદાવાદ સાયબર ક્રાઈમ દ્વારા આ કેસમાં સંડોવાયેલા લોકોની વધુ માહિતી એકઠી કરવામાં આવી રહી છે. અત્યારસુધીમાં છ આરોપીની ધરપકડ થઈ ચૂકી છે, જેમની પૂછપરછમાં પણ ઘણી કડીઓ સામે આવી ચૂકી છે. ઉપરાંત આ સીસીટીવી હેક કરનાર ગેંગને પણ પકડી પાડી છે, જે સીસીટીવી હેક કરી વેચવાનો ગોરખધંધો ચલાવતા હતા. પોલીસ તપાસ વચ્ચે દિવ્ય ભાસ્કરની ટીમ ધરપકડ કરાયેલા આરોપી અને હેકર પરીત ધામેલિયાના સુરતના કતારગામની સુંદરવન સોસાયટીમાં આવેલા બંગલા પર પહોંચી હતી, જ્યાં તેના પરિવાર સાથે વાત કરી હતી. 2013માં આરોપીના ઘરે દીકરીનો જન્મ થયો હતો
આરોપી પરીત ધામેલિયી મૂળ અમરેલી જિલ્લાનો રહેવાસી છે અને કતારગામ વિસ્તારમાં આવેલી સુંદરવન સોસાયટીમાં આવેલા બંગલામાં વર્ષોથી પરિવાર સાથે રહે છે. પિતા નિવૃત્ત જીવન જીવે છે. માતા હાઉસવાઇફ છે. પરીતના લગ્ન 2012માં થયા હતા અને 2013માં તેને ત્યાં દીકરીનો જન્મ થયો હતો. ત્યાર બાદ 2017માં ટ્વિન્સ દીકરાનો જન્મ થયો હતો. પરીત દોઢ વર્ષ પહેલાં હીરા ઘસવાનું કામ કરતો હતો. તે જે બંગલામાં રહે છે એની કિંમત 2 કરોડ હોવાની શક્યતા છે. બંગલામાં રિનોવેશનની કામગીરી ચાલી રહી હતી
સુંદરવન સોસાયટીમાં આવેલા આલીશાન બંગલા ખાતે રિપોર્ટરને જોઈને સોસાયટીમાં બહાર બેસેલા લોકો પણ જોતા રહી ગયા હતા. બંગલામાં રિનોવેશનની કામગીરી ચાલી રહી હતી. પહેલા માળે પરીતનો પરિવાર હતો. તેની દીકરીએ ઉપરથી જોતાં અમે પૂછ્યું કે આ પરીત ધામેલિયાનું ઘર છે? તો તેણે કહ્યું કે હા, જ્યારે માતા વિશે પૂછતાં કહ્યું કે હા ઘરે છે. તમે ઉપર આવી જાઓ, નીચે રિનોવેશનનું કામ ચાલે છે. ઘરમાં પ્રવેશવા ન દઈને દાદરમાં જ વાતચીત શરૂ કરી
આ સમયે આસપાસના લોકો પણ જોઈ રહ્યા હતા કે આ લોકો કોણ છે. પહેલા માળે જતાં જ પૂછ્યું કે તમે કોણ છો?, પોતાની ઓળખ આપતાં જ પરીતની પત્ની ગુસ્સે થઈ ગઈ અને વીડિયો કે મોબાઈલ બહાર ન કાઢવા કહી દીધું. ત્યાં સુધીમાં દીકરો, દીકરી અને પરીતનાં માતા પણ આવી ગયાં હતાં. એક રૂમમાં રિનોવેશન કરતા કામદારો પણ હતા. ઘરની અંદર પ્રવેશવા ન દઈને દાદરમાં જ વાતચીત શરૂ કરી હતી. મોબાઈલ બહાર ન કાઢતા અને વીડિયો પણ ન બનાવતા
પત્નીએ કહ્યું હતું કે પરીત બીકોમ સુધી ભણેલા છે, તેમને તો આવું કંઈ આવડતું જ નથી. પત્ની ગુસ્સામાં હતી તો પરીતની માતા ખૂબ જ આદરભાવથી જવાબ આપી રહ્યાં હતાં. અમારે પ્રેસ કે મીડિયામાં કંઈ આપવું નથી. મોબાઈલ બહાર ન કાઢતા અને વીડિયો પણ ન બનાવતા. મારા પતિએ કંઈ કર્યું જ નથી: પત્ની
પરિવારનો ગુસ્સો જોઈને માત્ર વાતચીત કરવા જણાવ્યું તો પત્નીએ કહ્યું હતું કે મારા પતિએ કંઈ કર્યું જ નથી. તેઓ માત્ર બીકોમ સુધી જ ભણેલા છે. તેમને આવું કઈ આવડતું જ નથી. દોઢ વર્ષ પહેલા હીરા ઘસવાનું બંધ કરીને ડિફાઈન એક્સ નામની ઓઈલ બનાવવાની કંપની ભાગીદારીમાં શરૂ કરી હતી. આવું કંઈ કરતા હોય તો અમે તો રોકીએ ને?
ઘરે કોમ્પ્યુટર હોવાનું પૂછતાં જણાવ્યું કે ઘરે કોઈ કોમ્પ્યુટર જ નથી. તે આવું કંઈ કરતા હોય તેની મને કોઈ જાણ જ નથી અને ઘરે આવીને આવી કોઈ અમારી સામે વાત પણ નથી કરી. આવું કંઈ કરતા હોય તો અમે તો રોકીએ ને? વધુમાં તેણે જણાવ્યું હતું કે અમે હિંચકામાં બેસેલા હતા ત્યારે કોઈ લોકો આવ્યા હતા. પરીત અંગે પૂછીને તેને લઈ ગયા હતા. મારા પતિએ કંઈ કર્યું જ ન હોવાથી કોન્ફિડન્સ સાથે બધું કહ્યું હતું. તેમણે તેમના ફોન પણ આપી દીધા હતા. ત્યાર બાદ ઓફિસ અંગે જાણ કરી હતી, જ્યાંથી એક હાર્ડ ડિસ્ક પણ લઈ ગયા છે. એમાં પણ અમારા પરિવારના ફોટો અને વીડિયો છે, પોલીસને એમાં કઈ મળશે નહીં. પરિવારનો ગુસ્સો અને કંઈ કહેવાની મનાઈ કરી દીધી
માતાએ જણાવ્યું હતું કે અમે વર્ષોથી અહીં રહીએ છે. મારા દીકરાએ આવું કંઈ કર્યું નથી. આવું કંઈ કરતો ન હતો. તમે ઘરનો પણ કોઈ વીડિયો ન બનાવતા. બસ, અમારે હવે કંઈ નથી કહેવું. નીચે પણ કોઈ પૂછે તો કંઈ કહેતા નહીં. પરિવારનો ગુસ્સો અને વધુ કંઈ કહેવાની પણ મનાઈ કરી દીધી હતી. ત્રણ મહિલાએ વીડિયો ન બનાવવા પણ કહ્યું હતું.
સોસાયટી બહાર નીકળી વીડિયો બનાવતી વખતે અંદરથી બેથી ત્રણ મહિલા આવી ગઈ હતી અને કેમ વીડિયો બનાવો છો એમ કહી વીડિયો ન બનાવવા પણ કહ્યું હતું. તેમને પણ સમજાવ્યા બાદ એક વડીલ આવતાં તેમને આ સોસાયટીમાં રહેતા પરીત અંગે જણાવ્યું હતું કે આખો પરિવાર સુખી સંપન્ન છે. બધા સારો વ્યવહાર કરે છે. સો.મીડિયા પ્રોફાઇલમાં શેર ચેટ માટે કામ કરતો હોવાનો ઉલ્લેખ
પરીત હેકિંગ સુધીનું કામ કરતો હોવા છતાં પણ તેનું સોશિયલ મીડિયા એકાઉન્ટ લોક નથી. સોશિયલ મીડિયા રહેલી તસવીરો અને વીડિયો કોઈપણ યુઝ કરી શકે છે એવું તે જાણતો હોવા છતાં પણ સોશિયલ મીડિયાનું આઈડી લોક રાખ્યું નથી. સોશિયલ મીડિયા પર તે શેર ચેટ ગુજરાતી એપ્લિકેશન માટે પણ કામ કરતો હોય એવું દર્શાવ્યું છે. અત્યારસુધીમાં છ આરોપીની ધરપકડ