ટેક્સટાઇલ અને હીરા નગરી તરીકે ઓળખાતું સુરત હવે ફેશનની દુનિયામાં પણ આગળ વધી રહ્યું છે. સુરતની પહેલી યુવતીએ 22 ફેબ્રુઆરીએ મિસ ઇન્ટરકોન્ટિનેન્ટલ ઓફ ઇન્ડિયા સ્પર્ધાનો તાજ જીત્યો છે, ત્યારે સુરત એરપોર્ટ પર આવેલી યુવતીનું પરિવારજનો અને શહેરીજનોએ અદકેરું સ્વાગત કર્યું હતું. ભારતમાંથી 14 યુવતીઓને મ્હાત આપીને હવે ઇન્ટરનેશનલ લેવલે ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે થનગની રહી છે. સુરતની 19 વર્ષીય કોલેજીયન ગર્લ શ્રદ્ધા પટેલ દિલ્હી ખાતે યોજાયેલા કાઉન્ટિંગમાં હાજર રહી હતી. જ્યાં દેશભરમાંથી આવેલી 14 યુવતીઓને હરાવીને હવે મિસ ઇન્ટરકોન્ટિનેન્ટલ ઓફ વર્લ્ડ સ્પર્ધામાં આગળ વધવા જઈ રહી છે. મિસ ઇન્ટરકોન્ટિનેન્ટલ વર્લ્ડ સ્પર્ધા આગામી સમયમાં ઇજિપ્તમાં યોજાનાર છે જેના માટે શ્રદ્ધા ખૂબ જ ઉત્સાહિત છે. ‘મને બાળપણથી જ આ ક્ષેત્રમાં આગળ વધવાની ઇચ્છા હતી’
ટેક્સટાઈલ અને એગ્રીકલ્ચરના વ્યવસાય સાથે સંકળાયેલા ચંદ્રહાસ પટેલની દીકરી શ્રદ્ધા પટેલ બાળપણથી જ મોડેલિંગ ક્ષેત્રમાં આગળ વધવા માટે ઉત્સાહિત હતી. ત્યારે આજે ઇન્ટરનેશનલ લેવલે પ્રતિનિધિત્વ કરવાની તક મળતા સમગ્ર સુરતમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. શ્રદ્ધા પટેલે કહ્યું કે, મને બાળપણથી જ આ ક્ષેત્રમાં આગળ વધવાની ઇચ્છા હતી. આ અગાઉ હું મિસ ટીન ઇન્ડિયા 2021નો તાજ જીતી ચૂકી છું. મોડલ સુરત વાવ એવોર્ડ, મિસ સ્ટાર ફ્રેશ ઓફ ઇન્ડિયા 2020 સહિતના અસંખ્ય એવોર્ડ જીતી ચૂકી છું. પિતાને કેન્સરનું ઓપરેશન 2019માં થયું હોવા છતાં પણ તૈયારીઓમાં સતત સમય આપતી હતી અને તેના કારણે જ આજે આ લેવલે પહોંચતા ખૂબ જ ગર્વ અને આનંદની લાગણી અનુભવી રહી છું. ‘આ ક્રાઉન ભારત લાવું તેવી મારી ખૂબ જ ઇચ્છા છે’
શ્રદ્ધા પટેલે વધુમાં કહ્યું કે, મારી ઇચ્છા છે કે, ઇન્ટરનેશનલ ઇન્ટરકોન્ટિનેન્ટલ સ્પર્ધાનો તાજ ભારતમાં ફરીથી આવે. કારણ કે, વર્ષ 1997માં લારા દત્તા આ ક્રાઉન જીતી હતી. ત્યાર બાદ ભારતનું પ્રતિનિધિત્વ ઘણી યુવતીઓ કરી ચૂકી છે, પરંતુ મારી 19 વર્ષની ઉંમરે BBAનો અભ્યાસ કરવાની સાથે હું જે પ્રકારની તૈયારી કરી રહી છું તેને જોતા એવું લાગે છે કે, ફરીથી આ ક્રાઉન ભારત લાવુ તેવી મારી ખૂબ જ ઇચ્છા છે. આ માટે સાત પ્રકારની સ્પર્ધા યોજાતી હોય છે. જેમાં ટેલેન્ટ ક્વેશન-આન્સર, પર્સલન ઇન્ટરવ્યૂ, રેમ્પવોક અને હિલ પર સાત દિવસ સુધી રહેવાનું રહેતું હોય છે. જે તમામ તૈયારીઓ હું ખૂબ જ મહેનતથી કરી રહી છું. ‘શ્રદ્ધા અને અમારા પરિવારે અત્યાર સુધી ખૂબ સહન કર્યું’
શ્રદ્ધાની માતા વૈશાલી પટેલે કહ્યું કે, શ્રદ્ધા નાનપણથી જ ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનમાં ભાગ લેતી હતી. સ્કૂલની તમામ સ્પર્ધાઓમાં શ્રદ્ધા વિજેતા થતી હતી અને આજે ક્રાઉન તેના ચહેરા ઉપર આવ્યું છે. જેથી અમે ખૂબ જ હરખ અને ગર્વની લાગણી અનુભવી રહ્યા છીએ. ત્યારે આગામી સમયમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રાઉન તેના માથા ઉપર શોભાયમાન બને તેવી અમે રાહ જોઇ રહ્યા છીએ. શ્રદ્ધા અને અમારા પરિવારે અત્યાર સુધી ખૂબ જ સહન કર્યું હતું. કારણ કે, સમાજમાંથી અને શહેરમાંથી મોડેલિંગ ક્ષેત્રમાં યુવતીઓ ન હોવાના કારણે ઘણી વખત અલગ અલગ કોમેન્ટ પણ સાંભળવી પડતી હતી. પરંતુ આજે તેની સફળતાએ બધી જ કોમેન્ટને ભુલાવી દે તેવી સાબિત થઈ છે. આજે અમારી આંખોમાં હર્ષના અશ્રુ જોવા મળી રહ્યા છે. મિસ ઇન્ટરકોન્ટિનેન્ટલ વર્લ્ડમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે
શ્રદ્ધા પટેલ ગત 9 વર્ષથી પ્રોફેશનલ મોડેલિંગ કરે છે અને રાજ્ય અને નેશનલ લેવલ પર સુરતને ગૌરવ અપાવી ચૂકી છે. આ પહેલાં પણ તેણે મિસ ઇન્ડિય ટીન, મિસ ઇન્ટરકોન્ટિનેન્ટલ ઇન્ડિયા, એસ્પાયરિંગ મોડલ ઓફ ધ યર જેવા ઘણા ટાઇટલ પોતાના નામે કરી સુરત અને ગુજરાતનું નામ રોશન કર્યું છે. આ ઉપરાંત શ્રદ્ધા પટેલ ઘણી પ્રાઇવેટ કંપનીઓ માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે મોડેલિંગ કરે છે. મિસ ઇન્ટરકોન્ટિનેન્ટલ વર્લ્ડ ઇજિપ્તમાં યોજાનાર છે, જ્યાં શ્રદ્ધા પટેલ ભારતનું પ્રતિનિધિત્વ કરશે. આ ગુજરાત અને ભારત માટે ગૌરવની વાત છે. વર્ષ 1997માં લારા દત્તાએ આ ખિતાબ જીત્યો હતો
નવેમ્બર 2025માં ઇજિપ્તમાં ઇન્ટરકોન્ટિનેન્ટલ સ્પર્ધા યોજાનારી છે. જેમાં શ્રદ્ધા પટેલ ભારતનું પ્રતિનિધિત્વ કરશે. આ સ્પર્ધામાં 7 અલગ અલગ ખંડોથી યુવતીઓ બાગ લેવા આવશે. મોટી વાત તો એ છે કે, આ મિસ ઇન્ટરકોન્ટિનેન્ટલ વર્લ્ડનો ખિતાબ અગાઉ વર્ષ 1997માં લારા દત્તાએ ભારતને અપાવ્યો હતો. હવે સુરતની શ્રદ્ધા પટેલ આ ખિતાબ મેળવવા માટે ઇજિપ્ત જઈ રહી છે. જો તે આ ખિતાબ જીતીને આવે તો લારા દત્તા બાદ સુરતની શ્રદ્ધા પટેલ બીજી ભારતીય યુવતી બની શકે છે. જે ભારત અને સુરત માટે ગૌરવ અપાવનાર બાબત છે.