સુરતના સિંગણપોર વિસ્તારમાં એક મકાનમાં દારૂનો અડ્ડો ચાલતો હોવાનું સામે આવ્યું છે. પતિ-પત્ની દ્વારા ઘરમાં જ દારૂનો અડ્ડો ચલાવતો હોવાનું સામે આવ્યું છે. સિંગણપોર વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દરોડા પાડીને બુટલેગર અને તેની પત્ની ઘરમાં જ દારૂનો અડ્ડો ચલાવતા હોવાનો પર્દાફાશ કર્યો હતો. આ સાથે જ 13 જેટલા દારૂ પીવા આવેલાને પણ ઝડપી પાડવામાં આવ્યા હતા. દરોડા પાડ્યા ત્યારે બુટલેગરની પત્ની જ ઘરે હાજર હતી અને પકડાઈ જવાના ડરે તેની પાસે રહેલો દારૂનો અને બિયરનો જથ્થો તેણે રસોડાની વોશ બેશીનમાં વહાવી દીધો હતો. સ્ટેટ મોનિટરિંગ સેલે બુલટલેગરના ઘરે દરોડા પાડ્યા
મળતી માહિતી પ્રમાણે ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને સિંગણપોર વિસ્તારમાં આવેલા મકાનમાં દારૂનો અડ્ડો ચલાવવામાં આવતો હોવાની બાતમી મળી હતી. જેને પગલે ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. એસએમસી દ્વારા સિંગણપુર વિસ્તારમાં મોટીવેડ ખાતે ટેકરા વાળા ફળિયામાં મકાન નંબર 34માં દરોડા પાડ્યા હતા. ટીમ જ્યારે ત્યાં પહોંચી ત્યારે દૂરથી જ ઘરની બહાર ટોળું હોય તે પ્રકારનો માહોલ હતો. ટીમ દ્વારા અલગ અલગ દિશાઓમાંથી કોર્ડન કરીને આ તમામને પકડી પાડવામાં આવ્યા હતા. બુટલેગરની પત્ની દ્વારા દારૂનો નાશ કરી દીધો
રેડ કરવામાં આવી હોવાની જાણ થતા જ મકાનમાં રહે બુટલેગર નવીન કંથારીયાની પત્ની આશાએ અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો. દારૂનો જથ્થો ઘરે લાવ્યા બાદ બુટલેગર નવીન ફરાર થઈ ગયો હતો. મહિલા પોલીસને બોલાવ્યા બાદ બુટલેગરની પત્ની પાસે દરવાજો ખોલાવવામાં આવ્યો હતો. અંદર તપાસ કરવામાં આવતા રસોડામાં દારૂ અને બિયરની બોટલોને વોશ બેશીનમાં ખાલી કરી દેવામાં આવી હતી. પકડાઈ જવાના ડરે બુટલેગરની પત્ની દ્વારા દારૂનો નાશ કરી દીધો હતો. ડભોલી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી
સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દારૂ પીવા આવેલા 13 જેટલા શખસોને ઝડપી પાડ્યા હતા. જ્યારે લિસ્ટેડ બુટલેગર નવનીત ઉર્ફે નવીન પ્રવીણભાઈ કંથારીયા તેની પત્ની આશા કંથારીયા અને આ દારૂનો જથ્થો આપનારને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. બુટલેગર નવીન બપોરના સમયે દારૂ લઈને આવ્યો હતો અને ત્યાર બાદ પત્નીને આપીને તે જતો રહ્યો હતો. હાલ તો આ બાબતે સિંગણપોર ડભોલી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.