સુરત શહેરમાં BRTS બસ સેવા સુરત મહાનગરપાલિકાનું ગૌરવ છે, પરંતુ આ ગૌરવ સાથે એક કડવી હકીકત પણ જોડાયેલી છે. છેલ્લા નવ વર્ષમાં BRTS બસની અડફેટે 109 લોકોના જીવ ગયા છે અને 116 ગંભીર અકસ્માતો થયા છે. આ પરિસ્થિતિને બદલવા માટે હવે મનપાએ એક નવા પ્લાન સાથે આગળ વધવાનું નક્કી કર્યું છે. પાલિકા દ્વારા ટોલગેટ પર ઓટો સિસ્ટમ બેરિયર લગાડવામાં આવશે. સાથે હાઈ-ટેક કેમેરા અને કડક દંડ નીતિ લાગુ કરીને આ સમસ્યાને ગંભીરતાથી ઉકેલવા માટે પગલાં ભરી રહી છે. જો આ નિયમો અસરકારક રીતે અમલમાં મૂકવામાં આવશે, તો BRTS માર્ગ પર સુરક્ષા સુધરવાની શક્યતા છે. BRTS રૂટ: ગ્રીન કોરિડોર કે જોખમી માર્ગ?
BRTS દેશનો સૌથી મોટો ગ્રીન કોરિડોર છે, જે લોકો માટે ઝડપી અને સસ્તી બસ સેવા પૂરી પાડે છે. 2014થી શરૂ થયેલી આ સેવા દરમિયાન 109 લોકોના મોત અને 116 ગંભીર અકસ્માતો નોંધાયા છે. જ્યારે BRTS બસ અકસ્માતો અને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન રોકવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં 20.24 લાખ રૂપિયાની પેનલ્ટી વસૂલ કરવામાં આવી છે. 2022માં 5.65 લાખ, 2023માં 8.02 લાખ અને 2024માં 6.57 લાખ રૂપિયાની દંડ રકમ વસૂલાઈ છે. આ વધતા આંકડા સાબિત કરે છે કે, BRTS માર્ગ પર અકસ્માત અને અનધિકૃત પ્રવેશની ઘટનાઓ હજુ પણ ગંભીર સમસ્યા છે. અકસ્માતના ચોંકાવનારા આંકડા
• કુલ 109 મોત
• 67 BRTS રૂટની અંદર
• 42 BRTS રૂટની બહાર
• 116 ગંભીર અકસ્માત
• 84 BRTS કોરિડોરની અંદર
• 32 BRTS કોરિડોરની બહાર આંકડાઓ સ્પષ્ટ દર્શાવે છે કે, BRTS રૂટની અંદર જ સૌથી વધુ અકસ્માતો થાય છે. મોટાભાગના કેસોમાં અનધિકૃત વાહનો રૂટમાં ઘૂસતા હોવાના કારણે અકસ્માત સર્જાય છે. અકસ્માત રોકવા માટે મનપાનું નવું એક્શન પ્લાન બસ આવે ત્યારે જ આ ગેટ ખુલશેઃ સોમનાથ મરાઠે
સુરત મહાનગરપાલિકાના ટ્રાન્સપોર્ટ સમિતિના ચેરમેન સોમનાથ મરાઠેએ જણાવ્યું હતું કે, દરેક જગ્યાએ અમે સીસીટીવીનો ઉપયોગ કર્યો છે. ઓટોમેટિક સિંગ ગેટનો પણ ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ લોકો તેને તોડી નાખે છે અને દાદાગીરી કરે છે. તેમની સામે અમે કેસ પણ કર્યા છે, જોકે અમે કંટ્રોલ કરી રહ્યા છીએ. આવનારા દિવસોમાં ટોલગેટ પર ઓટો સિસ્ટમ બેરિયર લગાડવામાં આવશે, જેના કારણે બસ આવે ત્યારે જ આ ગેટ ખુલશે. અકસ્માતના કારણો જુદા જુદા હોઈ શકે છે. ઘણીવાર લોકો બીઆરટીએસ રૂટમાં ક્રોસિંગ કરવા માટે આવી જાય છે અથવા તો વાહન લઈને આવી જાય છે.