રાજકોટમાં સર્વ જ્ઞાતિ સમૂહલગ્ન તથા સમૂહલગ્નનું આયોજન કરવા માટે નિયમો માટે જાહેરનામું બહાર પાડી કડક પગલાં ભરવા અંગે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. જેમાં સર્વ જ્ઞાતિ સમૂહલગ્ન માટે વેરિફિકેશન કરવામાં આવે, મંજૂર થયેલું ટ્રસ્ટ હોવું જોઇએ ઉપરાંત ટ્રસ્ટના હિસાબો કલેક્ટરની વેબ સાઈટ પર રજૂ કરવામાં આવે અને મંજૂરી બાદ જ સર્વ જ્ઞાતિ સમૂહલગ્ન થાય તેવી માંગણી સાથે 9 મુદ્દાનું જાહેરનામું પ્રસિદ્ધ કરવા કલેક્ટરને આવેદન અપાયું છે. ટ્રસ્ટની વિગતો કલેક્ટર કચેરીની વેબસાઈટ ઉપર મુકવા માગ
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ અતુલ રાજાણીએ જણાવ્યું હતુ કે, 2 દિવસ પહેલા ઋષિવંશી સમાજ સેવા સંઘ દ્વારા માધાપર ચોકડી પાસે રેલનગર વિસ્તારમાં આયોજિત સર્વ જ્ઞાતિ સમુહ લગ્નોત્સવના આયોજકો નાણાં લઇ ફરાર થઈ ગયા અને 28 વર વધૂ રઝળી પડયાં હતાં. ત્યારે હવે આ પ્રકારની ઘટના ન બને તે માટે સર્વ જ્ઞાતિ સમૂહલગ્નનુ વેરિફિકેશન કરવામાં આવે, મંજુર થયેલું ટ્રસ્ટ હોવું જોઈએ અને કલેક્ટર કચેરીની વેબસાઈટ ઉપર તે ટ્રસ્ટના હિસાબો રજૂ કરવામાં આવે અને કલેકટરની મંજૂરી બાદ જ સર્વ જ્ઞાતિ સમૂહલગ્ન કરવામાં આવે તેવી માંગણી છે. આ ઉપરાંત જે આયોજકો નાસી છૂટ્યા છે, તેમાના મુખ્ય સૂત્રધારને ઝડપથી પકડી લેવામાં આવે અને જે લોકોએ નાણા ગુમાવ્યા છે તેઓને નાણા પરત આપવામાં આવે તેવી માગ છે. આયોજકો ફરાર થતાં 28 વરઘોડિયા રઝળી પડ્યા હતાં
રજૂઆતમાં જણાવાયુ છે કે, રાજકોટ શહેરમાં બે દિવસ પહેલા રેલનગર વિસ્તારમાં ઋષિવંશી સમાજ સેવા સંઘ આયોજિત સર્વ જ્ઞાતિ સમુહ લગ્નોત્સવમાં 28 નવ દંપતીના મુખ્ય આયોજક ભાજપના આગેવાન ચંદ્રેશ છત્રોલા અને તેના મળતીયાઓ દ્વારા નવદંપતી અને તેના પરિવારો પાસેથી 15 હજારથી 40 હજારની ફી કટકટાવી લીધા પછી લગ્નના દિવસે કોઈ દેખાયા નહીં અને અફડાતફડીનો માહોલ થતાં લગ્નોત્સવના સમારંભમાં પોલીસે આવી જવું પડ્યું. આયોજકો દ્વારા દોઢ વર્ષ પહેલા સમૂહ લગ્નનું આયોજન કરી ફી ઉઘરાવી હતી અને કરિયાવર પણ આપ્યો નથી. જો કે પોલીસે આયોજકો સામે વિશ્વાસઘાત અને છેતરપિંડી સબબ ગુનો દાખલ કરી ધરપકડ કરી છે. ફરાર આરોપીને ઝડપી નવયુગલોને પૈસા પરત કરવા માગ
જોકે, માંગ એ છે કે જે લોકોના રૂપિયા 15 હજારથી 40 હજાર લેવામાં આવ્યા છે તે તમામને આયોજકો પાસેથી એ નાણાની રિકવરી કરી અને પરત અપાવવા જોઈએ. ભવિષ્યમાં સમૂહ લગ્નમાં આ પ્રકારની છેતરપિંડીનો કોઈ ભોગ ન બને અને તેના માટે આપશ્રી દ્વારા સર્વ જ્ઞાતિ સમૂહલગ્ન તથા સમૂહ લગ્નોત્સવ કરનાર સામાજિક સંસ્થાઓ કે સમાજના મંડળો માટે એક જાહેરનામું પ્રસિદ્ધ કરવાની અમારી માંગ છે 1. સમૂહ લગ્ન કરનારા આયોજકો ક્રિમિનલ રેકોર્ડ ન ધરાવતા હોવા જોઈએ.
2. સામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હોવા જોઈએ.
3. 5 વર્ષ જૂનું ટ્રસ્ટનું રજીસ્ટ્રેશન થયેલું હોવું જોઈએ.
4. જો રજીસ્ટ્રેશન ન હોય તો તેવી સામાજિક સંસ્થાઓને કે મંડળોને કલેક્ટર કચેરીમાં તમામ ખર્ચનો હિસાબ આપવાનો રહેશે.
5. તમામ ખર્ચ કાઢતા જે રકમ જમા હોય તે કન્યા કેળવણી માટે ઉપયોગમાં લેવામાં આવે.
6. આયોજકો પાસે સંપૂર્ણ વ્યવસ્થા ફંડ રહેવા જમવાની સગવડ સરકાર ના નિયમ મુજબની વ્યવસ્થાઓનો રેકોર્ડ કલેક્ટરને જણાવે ત્યાર પછી જ આયોજકોને મંજૂરી મળવી જોઈએ.
7. કરિયાવરની તમામ વસ્તુઓ જે બતાવવામાં આવે છે તે આપવામાં આવે છે કે કેમ? તેની ખરાઈ થવી જોઈએ.
8. દાતાઓએ આપેલ ફંડ કલેક્ટરની વેબસાઈટમાં તમામ લોકો જોઈ શકે તે પ્રકારે વ્યવસ્થા હોવી જોઈએ.
9. સર્વ જ્ઞાતિ સમૂહલગ્ન તથા સમૂહલગ્ન કરનાર સામાજિક સંસ્થાઓ અને મંડળોને ઉપરોક્ત તમામ નિયમોનું પાલન કરનાર હોય અને કલેક્ટરનું સર્ટિફિકેટ મળે તો સમાજ કલ્યાણ વિભાગ તથા સરકારની વિવિધ યોજનાઓમાંથી ગ્રાન્ટ મળવી જોઈએ. જાહેરનામું તાત્કાલિક બહાર પાડવા અપીલ
હિન્દુ સમાજમાં પવિત્ર બંધન એટલે લગ્ન કે જે આપણી ભારતીય સંસ્કૃતિનુ એક અભિન્ન અંગ છે. નકલી આયોજકોને કારણે તેમને ખૂબ નુકસાન પહોંચે છે. પવિત્ર વિધિથી બંધન થવા જઈ રહેલ લગ્ન જોડા પરિવાર સાથે પાછું ફરવું પડે તે અપશુકન કહેવાય. હિન્દુ વિધિ પ્રમાણે ભવિષ્યમાં આ રીતે સંસ્કૃતિને નુકસાન ન પહોંચે અને ધર્મનુ અપમાન ન થાય તેમજ ગરીબ લોકોની મશ્કરી ન થાય તે માટે ઉપર મુજબના મુદ્દાઓ સાથે જાહેરનામું તાત્કાલિક પાડવા આવે તેવી અમારી અપીલ છે.