back to top
Homeગુજરાતસગીરા હવે બાળકને જન્મ આપશે:બાંગ્લાદેશથી માતા બે દીકરી સાથે અમદાવાદ આવી ને...

સગીરા હવે બાળકને જન્મ આપશે:બાંગ્લાદેશથી માતા બે દીકરી સાથે અમદાવાદ આવી ને દેહવિક્રયમાં ધકેલાઇ, 14 વર્ષની દીકરીને 7 માસનો ગર્ભ; ગર્ભપાત શક્ય નહિ

બાંગ્લાદેશથી હજારો લોકો સારા જીવનની શોધમાં એજન્ટ મારફતે ભારત આવે છે અને અહીં અલગ-અલગ શહેરોમાં વસવાટ કરે છે. આવી જ રીતે માતા બે દીકરીને લઈને બાંગ્લાદેશથી અમદાવાદ આવી હતી. આ બે દીકરીમાં એકની ઉંમર તો માત્ર 14 વર્ષની છે. માતા અને બાળકીઓ અમદાવાદ આવતાની સાથે જ દેહવિક્રયમાં ધકેલાઈ ગઈ હતી. આ લોકો વિશે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને જાણ થતાં તેઓ માતા-દીકરીઓ સુધી પહોંચ્યા હતા. તેઓની મેડિકલ તપાસમાં સામે આવ્યું કે, 14 વર્ષીય સગીરાને 7 માસનો ગર્ભ છે અને હવે તેનો ગર્ભપાત કરાવવો પણ મુશ્કેલ છે. સગીરા હવે અપરિણીત માતા બનશે. હાલ તેને કોઈ સ્વજન પાસે રાખવામાં આવી છે અને ક્રાઈમ બ્રાન્ચ પણ તેના પર નજર રાખી રહી છે. ભારતમાં સારી જીવનશૈલીની વાત સાંભળી પ્રભાવિત થયાં
આ ઘટનાની વિગત એવી છે કે, અમદાવાદના રામોલ વિસ્તારના એક નાનકડા ઘરમાં 14 વર્ષની રઝિયા (નામ બદલ્યું છે) તેની માતા અને બહેન સાથે રહેતી હતી. રઝિયા બાંગ્લાદેશના નાના શહેરમાં પોતાના પરિવાર સાથે રહેતી હતી. તેનાં કેટલાંક પરિજનો ભારતમાં પણ રહેતાં હતાં અને તે પણ અમદાવાદ જેવા શહેરમાં. ઘણી વખત તેમના અમદાવાદમાં રહેતા પરિજનો સાથે વાતચીત થતી હતી. ભારતમાં સારા જીવન વિશે તેમની સાથે વાત થતા રઝિયા અને તેનો પરિવાર પણ ખૂબ પ્રભાવિત થયો હતો. બાદમાં રઝિયા તેની માતા અને બહેન પણ એજન્ટ મારફતે ભારતમાં ગેરકાયદેસર પ્રવેશ કરીને અમદાવાદ સુધી પહોંચ્યાં હતાં. બે દીકરી સાથે માતા દેહવિક્રયમાં ધકેલાઈ
અમદાવાદના રામોલ વિસ્તારમાં તેઓ ગેરકાયદેસર રીતે નાનકડા મકાનમાં રહેવા લાગ્યાં હતાં. અહીંયાં આવ્યા બાદ તેમની સ્થિતિ સારી થવાને બદલે વધુ કફોડી બની હતી. કારણ કે, પહેલા તો તેઓ એજન્ટો મારફતે આવ્યાં હતાં, એટલે તેમને ગમે તેમ ગોઠવવામાં આવ્યાં હતાં. અહીંયાં ખાવા-પીવાની તકલીફ સાથે બીજી અન્ય મુસીબતો પણ શરૂ થઈ ગઈ હતી. 14 વર્ષીય રઝિયા તેની માતા અને એક બહેનની મજબૂરીનો ફાયદો ઉઠાવનાર કેટલાક લોકો રઝિયાના ઘર સુધી પહોંચવા લાગ્યા હતા. ધીરે-ધીરે આ પરિવાર દેહવિક્રયમાં ધકેલાયો હતો. માતા-દીકરીઓએ મજબૂરીમાં મૂંગેમોઢે બધું સહન કર્યું
અન્ય પરિવારની જેમ સારા જીવનની આશામાં આવેલી રઝિયા પણ વાસનાના ભૂખ્યા લોકોના ચક્કરમાં ફસાઈ હતી. અહીંયાં જે નવું આવતું તે રઝિયા પર તૂટી પડતું હતું. મજબૂરીમાં રઝિયા આ યાતનાઓ સહન કરતી હતી. તેની માતા પણ મૂંગેમોઢે આ બધું સહન કરવા મજબૂર હતી. આ વચ્ચે રઝિયા ગર્ભવતી બની હતી. હવે પરિવારને ક્યાં જવું? શું કરવું? તેની કંઈ ખબર પડતી નહોતી. તેઓ રોજ અસંખ્ય અત્યાચાર સહન કરતાં હતાં. ક્રાઈમ બ્રાન્ચે મેડિકલ તપાસ કરાવતા સગીરાના રિપોર્ટે ચોંકાવી દીધા
આ દરમિયાન અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને એવી માહિતી મળી કે, રામોલ અને આસપાસના વિસ્તારમાં કેટલાક ગેરફાયદેસર બાંગ્લાદેશીઓ છુપાઈને રહે છે. જેથી ક્રાઈમ બ્રાન્ચની ટીમે આ વિસ્તારમાં રેડ કરી હતી. જ્યાં એક ઘરની અંદર રઝિયા તેની બહેન અને તેની માતા મળી આવ્યાં હતાં. આ તમામ દેહવિક્રય સાથે મજબૂરીથી જોડાયેલાં હતાં. પોલીસે તેમને મેડિકલ ચેકઅપ માટે લઈ ગયાં, ત્યાં તેમનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યું અને તેઓ દેહવિક્રયમાંથી બહાર આવે તે માટે પ્રયાસ કરી રહ્યા હતા. પરંતુ તે સમયે રઝિયાનો મેડિકલ રિપોર્ટ આવ્યો અને તે ફફડાવી નાખે તેવો હતો. સગીરા પર સતત ક્રાઈમ બ્રાન્ચની નજર
રઝિયાના મેડિકલ રિપોર્ટમાં તે 7 માસની ગર્ભવતી હોવાનું સામે આવ્યું હતું. તેના ગર્ભપાત માટે પણ પ્રયાસ કરવામાં આવ્યા, પરંતુ તે ગર્ભપાત કરાવે તેવી સ્થિતિ પણ મેડિકલ રિપોર્ટમાં નહોતી. કારણ કે, ભ્રૂણ વિકાસ પામી ગયું હતું. હવે રઝિયા ફરજિયાત બાળકને જન્મ આપવાની છે. હાલ રઝિયાને ગેરકાયદેસર બાંગ્લાદેશથી ભારત ઘૂસવાના અને હ્યુમન ટ્રાફિકિંગના કેસમાં સાક્ષી તરીકે રાખવામાં આવી છે. જ્યારે તેને તેનાં અન્ય સ્વજનના ઘરે રાખવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. સગીરાની તબિયત કેવી છે, તે જાણવા માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પણ સતત તેના પર ધ્યાન રાખી રહ્યું છે. સગીરાનો ગર્ભપાત કરાવવો શક્ય નથીઃ અધિકારી
આ અંગે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીએ જણાવ્યું છે કે, સગીરા ગર્ભવતી છે અને તેને હાલ સુરક્ષિત જગ્યાએ તેનાં સ્વજન સાથે રાખવામાં આવી છે. તેનો ગર્ભપાત કરાવવો શક્ય ન હતો. હાલ તેની સ્થિતિ અંગે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ સમય અંતરે પૂછપરછ અને તપાસ કરી રહી છે. અનેક બાંગ્લાદેશીઓનો ગુજરાતમાં વસવાટ
ઉલ્લેખનીય છે કે, અમદાવાદના ચંડોળા તેમજ વટવા વિસ્તારમાં અનેક બાંગ્લાદેશીઓ રહે છે. તેમને શોધવા માટે એક આખી એજન્સી કામ કરે છે. જ્યારે હવે તો સેન્ટ્રલ એજન્સી પણ બાંગ્લાદેશીઓને પકડીને તેમના દેશ પરત કરવા માટે પ્રયાસ કરી રહી છે. બાંગ્લાદેશના અનેક લોકો પોતાના સારા જીવનની ચાહના લઈને એજન્ટો મારફતે સરહદ ઓળંગી ભારતમાં પ્રવેશે. ભારતમાં અલગ-અલગ શહેરોમાં બાંગ્લાદેશોની મોટી વસાહત છે. ગુજરાતમાં પણ બાંગ્લાદેશીઓ મોટાં શહેરોથી લઈને નાનાં શહેરો સુધી આગળ વધી રહ્યા છે. પોતાના પરિચિતો એજન્ટો મારફતે ભારતીય નાગરિકતાના ડુપ્લિકેટ પેપર બનાવીને અહીંયાં વસવાટ કરી લે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments