અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના દરેડ ગામમાં લગ્ન પ્રસંગે ગંભીર ઘટના સામે આવી છે. ગોંડલ તાલુકાના સાખપરથી આવેલી જાનમાં સામેલ 60 જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. બપોરના સમયે લગ્ન પ્રસંગમાં ભોજન સમારંભ બાદ સાંજના સમયે લોકોની તબિયત બગડવા લાગી હતી. સૌ પ્રથમ બાળકોમાં ફૂડ પોઈઝનિંગની અસર દેખાઈ હતી. ત્યારબાદ યુવાનો અને વૃદ્ધોમાં પણ આ અસર જોવા મળી હતી. તમામ અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક બાબરા હોસ્પિટલ અને અન્ય ખાનગી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. લગ્ન પ્રસંગમાં થાબડી, બરફી, સરબત અને ભજીયાનું ભોજન પીરસવામાં આવ્યું હતું. મોટાભાગના લોકોનું માનવું છે કે આ ખાદ્ય પદાર્થોના સેવનથી ફૂડ પોઈઝનિંગ થયું છે. હોસ્પિટલના તબીબ સાકિર વોરાના જણાવ્યા મુજબ, તમામ દર્દીઓને ઝાડા-ઉલટીની ફરિયાદ હતી. મોડી રાત સુધી સારવાર આપવામાં આવી હતી. દર્દીઓને ઈન્જેક્શન અને બાટલા આપ્યા બાદ રજા આપવામાં આવી છે. તબીબે વધુમાં જણાવ્યું કે કોઈ કેસ ગંભીર નથી અને તમામ દર્દીઓની સ્થિતિ સ્થિર છે.