શ્રી સ્વામિનારાયણ મંદિર-કુમકુમ-મણિનગર ખાતે બોર્ડની પરીક્ષાના પ્રારંભ પૂર્વે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ શ્રી સ્વામિનારાયણ ભગવાનના દર્શન કર્યા અને સંતો સાથે આરતી ઉતારી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓને પરીક્ષા માટે પેન અને સદ્ગુરૂ શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીનો આશીર્વાદ પત્ર આપવામાં આવ્યો હતો. કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું કે પરીક્ષા માટે સખત મહેનત અને આત્મવિશ્વાસ જરૂરી છે. તેમણે વિદ્યાર્થીઓને પરીક્ષાનો ભય દૂર કરવા અને ભગવાનમાં શ્રદ્ધા રાખવા જણાવ્યું હતું. સાધુજીએ સફળતાના ત્રણ મુખ્ય પાયા સમજાવ્યા – દ્રઢ સંકલ્પ, દ્રઢ પુરુષાર્થ અને સાહસ. તેમણે વિદ્યાર્થીઓને લક્ષ્ય નક્કી કરી તે દિશામાં મહેનત કરવાની સલાહ આપી હતી. માતા-પિતાને પણ સંદેશ આપતા તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવું જોઈએ અને તેમનો આત્મવિશ્વાસ ન ડગે તેનું ધ્યાન રાખવું જોઈએ. અંતમાં, સંતોએ વિદ્યાર્થીઓની સફળતા માટે પ્રાર્થના કરી અને તેમને જીવનની મુશ્કેલીઓનો સામનો કરવા સક્ષમ બનાવવા શ્રી સ્વામિનારાયણ ભગવાન પાસે દિવ્ય બળ, બુદ્ધિ અને શક્તિની માંગણી કરી હતી.