જૂનાગઢના ભવનાથ મહાદેવ મંદિરે વિધિવત્ રીતે 22 ફેબ્રુઆરીના રોજ ધ્વજારોહણ સાથે મહાશિવરાત્રિ મેળોનો શુભારંભ થઈ ગયો છે. ધ્વજારોહણ સમયે ભવનાથ મંદિરમાં હર હર મહાદેવ હરનો નાદ ગુંજ્યો હતો. ભક્તિ, ભોજન અને ભજનના આ અનોખા ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવવા લાખો ભક્તો દર વર્ષે અહીં આવી પહોંચે છે. આ વર્ષે 20 લાખ લોકો આવે એવી સંભાવના છે. આ શિવરાત્રિના મહામેળાનું આયોજન, વિશેષતાઓ, મહત્ત્વ અને તૈયારીઓ અંગેની તમામ વાતો આપના સુધી પહોંચાડવા દિવ્ય ભાસ્કર ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું હતું. ‘સ્કેનર સ્કેન કરતા તમારી નજીકનું પાર્કિંગ બતાવશે’
SDM (સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ) ચરણસિંહ ગોહિલ બહારથી જૂનાગઢ આવતા લોકોને મેળા સુધી પહોંચવા અંગે જણાવે છે કે, મજેવડી ગેટ પાસે જ એક માહિતી દર્શક નકશો મૂકવામાં આવ્યો છે. એ નકશામાં દરેક પાર્કિંગ પોઈન્ટ દેખાડવામાં આવ્યા છે. ટૂ-વ્હીલર અને ફોર-વ્હીલરને કારણે મેળામાં ટ્રાફિક ન થાય તે માટે તેમના પાર્કિંગની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસ દ્વારા લોકોને અગવડ ન પડે તે માટે AIનો ઉપયોગ કરીને સ્કેનર મૂકવામાં આવ્યું છે. તમે જે સ્કેનરમાં સ્કેન કરશો એટલે તમારી નજીકનું પાર્કિંગ બતાવશે. ભરડાવાવ પોઈન્ટ પાસે અમે ભક્તોને મેળા સુધી લઈ જવા અને લાવવા માટે ફ્રી બસની પણ વ્યવસ્થા કરી છે. મેળામાં આવનાર શિવભક્તો માટે QR કોડ આધારિત પાર્કિંગ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વોટ્સએપ દ્વારા પાર્ક ઈઝી ચેટબોટ પર શહેર પસંદ કરવાથી ગૂગલ મેપ્સ પર પાર્કિંગની જગ્યા દર્શાવવામાં આવી છે. પાર્ક ઈઝી ચેટબોટ કેવી રીતે કામ કરશે?
મુલાકાતીઓને તેમના નિયુક્ત પાર્કિંગ વિસ્તારોમાં પહોંચવા માટે આ પાર્ક ઈઝી ચેટબોટ કામ લાગશે. એક QR કોડ આપવામાં આવશે. આ QR કોડ લોકોને સરળતાથી મળી રહે તે માટે તંત્ર દ્વારા તમામ કામગીરી કરવામાં આવી છે. ’20 લાખથી પણ વધારે લોકો આવે તેવો અંદાજ છે’
ચરણસિંહ ગોહિલ મેળાના માહોલ અંગે વાત કરતા કહે છે, આ મહાશિવરાત્રિ મહાપર્વમાં પ્રથમ બે દિવસમાં જ ક્યારેય ન જોઈ હોય એટલી ભીડ અહીં જોવા મળી રહી છે. આ મહામેળામાં દર વર્ષે 15 થી 20 લાખ લોકો પહોંચતા હોય છે. પરંતુ આ વખતે અહીં 20 લાખથી પણ વધારે લોકો આવે તેવો અંદાજ છે. 26 ફેબ્રુઆરી સુધી ભવ્ય ડાયરા મહોત્સવ
ભોજન વ્યવસ્થાને લઈને કહે છે. વર્ષોની પરંપરા મુજબ 150થી વધુ અન્નક્ષેત્ર ચાલતા હોય છે. મેળામાં અલગ અલગ જગ્યાએ આ અન્નક્ષેત્રો મોટા પ્રમાણમાં ચાલી રહ્યા છે. મહાનગરપાલિકા દ્વારા આ અન્નક્ષેત્રોને લઈને પૂરતી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સાંસ્કૃતિક કાર્યક્રમો અંગે જણાવે છે કે, દરેક ઉતારે નાના-મોટા ભજન કીર્તન અને ડાયરા તો ચાલતા જ હોય છે. પરંતુ આ વર્ષે તંત્ર દ્વારા 22 થી 26 ફેબ્રુઆરી સુધી ભવ્ય ડાયરા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લે તેમણે અહીં આવતા ભક્તોને સતર્ક રહેવા અને યુઝ એન્ડ થ્રો પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા માટે અપીલ કરી હતી. ચરણસિંહની મુલાકાત પછી અમે મહામેળામાં છેલ્લાં 118 વર્ષથી ચાલતા અન્નક્ષેત્ર ખાતે પહોંચ્યા હતા. 118 વર્ષથી ધમધમે છે રત્નાબાપાનું રસોડું
રત્નાબાપાથી પ્રેરિત અને ધોરાજીના 118 વર્ષ જૂના અન્નક્ષેત્રને હાલ પ્રફુલ ભગત સંભાળી રહ્યા છે. પ્રફુલ ભગતે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, રત્નાબાપા આ અન્નક્ષેત્ર રૂપી જ્યોત જલાવીને ગયા છે અને 118 વર્ષથી અવિરત પણે મહામેળામાં અન્નક્ષેત્ર ચાલતું આવે છે. આ અન્નક્ષેત્ર કોઈ એક નહીં, પરંતુ અનેક લોકોના નાના-મોટા સહયોગથી ચાલે છે. આ અન્નક્ષેત્રની શરૂઆત રત્નાબાપાએ તેમના નાનપણમાં કરી હતી. તે સમયે લોકોની મેળામાં આટલી બધી ભીડ જોવા મળતી નહીં. શરૂઆતમાં ભક્તોને અહીં માત્ર દાળ અને રોટલાનું ભોજન પીરસવામાં આવ્યું હતું. રત્નાબાપાએ જે બીજ રોપ્યાં હતાં તે આજે વટવૃક્ષ બન્યું છે. કેટલીકવાર રસોઈયાઓના અંદાજ પ્રમાણે 5,000 લોકોનું ભોજન તૈયાર થયું હોય છે. પરંતુ ઘણી વાર એવું બન્યું કે 20,000 લોકો જમી ગયા હોય છતાં પણ કોઈ જાતની ખોટ પડી નથી. 24 કલાક સુધી મિષ્ટાન્ન સાથે પ્રસાદની વ્યવસ્થા
તેઓ કહે છે કે, અહીં 20 ગૂણી ખાંડ, 100 ડબ્બા તેલ, 20 ડબ્બા ચોખ્ખું ઘી, 50 કટ્ટા ચણાનો લોટ, 50 ક્ટ્ટા ઘઉંનો લોટ, તુવેર સહિતના અનેક અનાજનો વપરાશ થાય છે. અહીં સવાર-બપોર અને સાંજ ત્રણેય સમય અને 24 કલાક ભક્તોને મિષ્ટાન્ન સહિતનો પ્રસાદ આપવામાં આવે છે. આ વ્યવસ્થા માટે 250 જેટલા સ્વંયસેવકો ખડેપગે રહે છે. ત્યાર બાદ શિવરાત્રિના મેળાનો મહિમા જાણવા અમે જગદગુરૂ મહેન્દ્રાનંદગિરિજી મહારાજ સાથે વાતચીત કરી. ‘આ મિની મહાકુંભ છે’
મહેન્દ્રાનંદગિરિજી કહે છે કે મેળો શરૂ થયાના બીજા જ દિવસની ભીડ જોઈને લાગે છે કે આ મિની મહાકુંભ છે. દર વર્ષ કરતાં આ વખતે ભક્તોની સંખ્યા પણ વધવાની છે. ઉપરાંત જૂનાગઢના તમામ ભક્તો પણ અહીં પરત પધારી ચૂક્યા છે. રવેડી અને મૃગી કુંડનું શું છે મહાત્મ્ય?
રવેડી અને મૃગી કુંડના મહત્ત્વ અંગે જણાવે છે કે, મહાદેવ જ્યારે કૈલાસમાંથી અદૃશ્ય થયા ત્યારે પાર્વતી સહિતના દેવતાઓ તેમને શોધી રહ્યા હોય છે. તે સમયે નારદ મુનિએ કહ્યું કે રૈવત પર્વત પર મહાદેવ હોય તેવું લાગી રહ્યું છે. હાલના ગિરનારને તે સમયે રૈવત પર્વત કહેવામાં આવતો હતો. તે પછી દેવતાઓ અહીં પહોંચે છે અને મહાદેવનું આહ્વાન કરે છે. આ સમયે તેમને મૃગી કુંડ મળે છે. તે કૂંડમાં મૃગસર્મ ફેકવામાં આવે છે. જે મહાદેવની તપસ્લી હતી જે જોઈને પાર્વતીજી સમજી જાય છે કે મહાદેવ અહીં જ છે. આ ઘટના બની તે દિવસ શિવરાત્રિનો હતો. શિવ ભગવાનના લગ્ન સમયે પણ શિવરાત્રિ હતી. જે સમયે સમુદ્ર મંથનમાંથી નીકળેલું ઝેર મહાદેવે પી લીધું તે સમયે પણ શિવરાત્રિ હતી. આ સમયે ગિરનારમાં કોઈના કોઈ સ્વરૂપે તમામ દેવી-દેવતાઓ રવેડીમાં હાજર રહે છે અને આ વરદાન ભગવાન શિવે પાર્વતીને આપેલું છે. જ્યારે રવેડી નીકળે છે ત્યારે મૃગી કુંડના સ્નાન પછી અનેક સંતો ગાયબ થઈ જાય છે. સાધુ-સંતો મહાકુંભનું બાકી રહેલું એક સ્નાન અહીં કરશે: મહેન્દ્રાનંદગિરિ
તેઓ કહે છે કે, શાહી સ્નાન મુઘલો સમયનો શબ્દ છે. પરંતુ અહીં જ્યાં અમૃત પડ્યું હતું ત્યાં સ્નાન કરવામાં આવે છે તેથી તેને અમૃત સ્નાન જ કહી શકાય. છેલ્લે તેઓ મહાકુંભ ન જઈ શકનારાઓ અથવા ન જવા ઈચ્છતા લોકો માટે કહે છે કે, હજુ મહાકુંભમાં એક સ્નાન બાકી છે છતાં પણ અમે બધા સંતો જૂનાગઢ આવી ગયા છીએ. અમે તે સ્નાનને મૃગી કુંડમાં કરવાના છીએ. મહાકુંભના સ્નાન સમાન જ અહીંના મૃગી કુંડનું સ્નાન છે. ત્યાંની જેમ અહીં પણ ભજન, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ છે. જૂનાગઢના આ મેળાનું નાગા સાધુ સાથે પણ ખાસ કનેક્શન છે. આ અંગે વધુમાં જાણવા અમે નાગા સાધુઓ સાથે મુલાકાત કરી. ભક્તોની સંખ્યા તો વધી છે પરંતુ ભાવ ઘટ્યો: ચંદ્રેશગિરિજી
જૂના અખાડાના ચંદ્રેશગિરિજી સાથે અમારી મુલાકાત થઈ. તેઓ જણાવે છે કે, દરેક સાચા નાગા સંતો એ શિવનો અવતાર છે અને આ શિવરાત્રિ મહોત્સવ એ તો શિવનો જ તહેવાર છે. અમે અહીં આવીને તેમની ભક્તિ અને આરાધના કરીએ છીએ. અમારો પંથ આદિઅનાદિ કાળથી ચાલતો આવે છે. તેઓ મેળા પર કળિયુગના પ્રભાવ અંગે કહે છે કે, અહીં દર વર્ષે ભીડ તો વધતી જાય છે. પરંતુ તેમનું મન અહીં નથી હોતું. એટલે કે અહીં ભક્તોની સંખ્યા તો વધી છે પરંતુ ભાવ ઘટ્યો છે. જૂના અખાડાના મુંડી સંન્યાસી પ્રભુગિરિ મહારાજ કહે છે કે, નાગાબાવા જ્યાં પણ જાય છે ત્યાં મેળો શરૂ થઈ જાય છે. નાગા બાવાના જીવનમાં 12 મહિનાના 12 મેળાનું અનેરુ મહત્ત્વ છે. જેમાં પ્રયાગરાજ, કામાખ્યાની જગ્યા સહિતના મેળાનો સમાવેશ થાય છે. આ 12 મેળા પત્યા પછી અમે લોકો જૂનાગઢ આવીએ છીએ અને મહાશિવરાત્રિમાં ભગવાનની ભક્તિ કરીએ છીએ. ‘મૃગી કુંડમાં સ્નાન કરીને ભક્તોને દર્શન આપીશું’
આ મેળામાં છેલ્લાં ચાર-પાંચ વર્ષથી કિન્નર અખાડો પણ જોડાય છે. ત્યારે કિન્નર અખાડાના મંડલેશ્વર અને સ્વીટુ મા તરીકે જાણીતા સંતે કહ્યું હતું કે અમે પણ આ મેળામાં જોડાયા છીએ અને અર્ધ નારેશ્વરની ભક્તિ કરી રહ્યા છીએ. અમે પણ રવેડીમાં ભાગ લઈશું અને મૃગી કુંડમાં સ્નાન કરીને ભક્તોને દર્શન આપીશું. નાગા બાવા અને સંતો સાથે વાત કર્યા બાદ પોલીસતંત્રની કામગીરી અંગે જાણવા અમે DYSP હિતેશ ધાંધલિયા સાથે ખાસ વાતચીત કરી. ‘MAY I HELP YOU’ના બોર્ડ સાથે 23 ટેન્ટ રાખ્યા છે: DYSP
તેઓ જણાવે છે કે,દર વર્ષે અહીં લાખો ભક્તો પધારે છે. અમે પબ્લિક સેન્ટ્રિક પોલિસિંગને કેન્દ્ર સ્થાને રાખીને કામ કરીએ છીએ. પાર્કિંગની માહિતી માટે AIનો ઉપયોગ કર્યો છે. VIP પાસનું ડુપ્લિકેશન બંધ થાય તે માટે E-પાસની વ્યવસ્થા કરી છે. અહીં ફરજ બજાવતા પોલીસને પણ કંઈ તકલીફ ન પડે તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત સીસીટીવી કેમેરા અને ડ્રોન દ્વારા સમગ્ર મેળા પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત અહીં આવતા ભક્તોની કોઈ પણ જાતની સમસ્યાને દૂર કરવા 23 જેટલા ‘MAY I HELP YOU’ના બોર્ડ સાથે ટેન્ટ રાખવામાં આવ્યા છે. જેથી ભક્તોને કોઈ જાતની અગવડ ન રહે. આ રીતે અહીં હોમગાર્ડથી લઈ SP સુધી 2500 જેટલા પોલીસકર્મી ફરજ બજાવી રહ્યા છે. કેટલાક લોકો માટે આ મેળો રોજગારીની એક તક પણ હોય છે. તેથી અમે અહીં તેમના વેપાર અંગે જાણવા વેપારી સાથે વાતચીત કરી. રાજકોટ જિલ્લાના ગામમાંથી થેલાનો વેપાર કરવા આવતા કિશનભાઈ કહે છે કે, મેળા દરમિયાન ખૂબ સારો વેપાર થાય છે. ગિરનારના આંગણે બેસીને વેપાર કરવામાં પણ આનંદની અનુભૂતિ થાય છે.અમને તંત્ર દ્વારા પૂરતો સહયોગ પણ કરવામાં આવે છે. ‘કુદરતી વાતાવરણમાં આવતા જ મન ફ્રેશ થઈ જાય છે’
કેશોદથી આવતા રવિ દાવડા કહે છે કે, અહીં કુદરતી વાતાવરણમાં આવતા જ મન ફ્રેશ થઈ જાય છે. અમે છેલ્લાં 20 વર્ષથી શ્રદ્ધા સાથે અહીં આવીએ છીએ. આ મેળામાં તંત્રએ ખૂબ સારી વ્યવસ્થા કરી છે. અહીં આવતા ભક્તોને કોઈ જાતની અગવડ નથી પડી રહી. મારું માનીએ તો દરેક લોકોએ એકવાર આ મેળામાં આવવું જોઈએ. છેલ્લે અહીં દર્શને આવેલી યુવતી દિયા સુખડિયાએ યુવાનોને આ મેળામાં આવવા આહ્વાન કર્યું હતું. તેમણે કહ્યું કે આપણા ધાર્મિક મેળાવડામાં આવવું અને તેના મહત્ત્વને સમજવું સોશિયલ મીડિયા કરતાં વધારે જરૂરી છે.