જામનગર અને નવાગામનો પરિવાર ચોટીલા લગ્નમાં જઇ રહ્યો હતો, ત્યારે 25મી ફેબ્રુઆરીએ નેશનલ હાઇવે 47 પર રાજકોટના માલિયાસણ પાસે ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. જેમાં બે પરિવારના 6 સભ્યોના મોત થયા હતા. ત્યારે રિક્ષાચાલક એવા જામનગરના ગુલાબનગર વિસ્તારમાં એક પરિવારમાં શોકની લહેર ફરી વળી છે. જેમાં રિક્ષાચાલક, તેની પત્ની અને બહેનનું કમકમાટીભર્યુ મોત થયું હતું. આજે 26મી ફેબ્રુઆરીએ ગુલાબનગર વિસ્તારમાં એકસાથે ત્રણ અર્થી ઉઠતાં શોકનો માહોલ છવાયો છે. પતિ-પત્ની અને બહેનનું મોત થયું
આ દર્દનાક અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ જીવ ગુમાવ્યો છે. મૃતકોમાં 22 વર્ષીય ભૂમિબેન રાજુભાઈ નકુમ, 30 વર્ષીય યુવરાજ રાજુભાઈ નકુમ અને 29 વર્ષીય શીતલબેન યુવરાજ નકુમનો સમાવેશ થાય છે. ગુલાબનગર વિસ્તારમાં એકસાથે ત્રણ અર્થી નીકળતા સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. પરિવારના એકના એક પુત્રના મોતથી પરિવારજનો આભા બની ગયા છે. સમગ્ર વિસ્તારમાં હૈયાફાટ રૂદનના દ્રશ્યો સર્જાયા છે. બે પરિવાર રિક્ષામાં ચોટીલા લગ્નમાં હાજરી આપવા જતા હતા
જામનગર રહેતા રિક્ષાચાલક યુવરાજ નકુમ મંગળવારે સવારે પોતાની રિક્ષામાં પત્ની શીતલ અને બહેન ભૂમિ નકુમને બેસાડી રાજકોટના નવાગામ રહેતા તેના ફોઇ શારદાબેન જીણાભાઇ નકુમ (ઉં.વ.60)ના ઘરે આવ્યા હતા. ત્યાંથી શારદાબેન તથા નવાગામમાં જ રહેતા સંબંધી આનંદ વિક્રમભાઇ સોલંકી (ઉં.વ.24), નંદિની સાગરભાઇ સોલંકી (ઉં.વ.25) તથા તેની પુત્રી વેદાંશી (આઠ માસ)ને રિક્ષામાં બેસાડ્યા હતા. ત્યારબાદ બંને પરિવારના સાત સભ્ય ચોટીલા લગ્નમાં જવા નીકળ્યા હતા. ચાંદની હોટલ પાસે કાળમુખા ટ્રકે 6 સભ્યોને કચડી માર્યા
ગઈકાલે બપોર બાદ સાડાચાર વાગ્યાના અરસામાં રિક્ષા રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવે 47 પર માલિયાસણથી થોડે આગળ ચાંદની હોટેલ નજીક પહોંચી હતી, ત્યારે સામેથી રોંગ સાઇડમાં લોખંડ ભરેલી ટ્રક ધસી આવી હતી અને રિક્ષાને કચડી નાખી હતી. રિક્ષાનો કડૂસલો બોલી ગયો હતો , રિક્ષામાં બેઠેલા લોકોની મરણચીસોથી રોડ ગુંજી ઉઠ્યો હતો. રિક્ષા ટ્રકમાં ફસાઇ ગઇ હતી. ઘટનાને પગલે લોકોના ટોળાં એકઠા થઇ ગયા હતા. પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસ અને લોકોએ જહેમત ઉઠાવી રિક્ષામાંથી લોકોને બહાર કાઢી 108 મારફત હોસ્પિટલમાં ખસેડ્યા હતા. 6ને મોતને ઘાટ ઉતારી ટ્રકચાલક ફરાર
શારદાબેન નકુમ (ઉં.વ.60), રિક્ષાચાલક યુવરાજ નકુમ (ઉ.વ.30), તેની પત્ની શીતલ (ઉં.વ.29), બહેન ભૂમિ (ઉં.વ.22), નંદિની સોલંકી (ઉં.વ.25) અને તેની પુત્રી વેદાંશી (આઠ માસ)નાં મોત નીપજ્યાં હતાં, જ્યારે આનંદ વિક્રમ સોલંકી (ઉં.વ.24)ને સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. જીવલેણ અકસ્માત સર્જી નાસી છૂટેલા ટ્રકચાલકની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.