હું માસિકધર્મમાં થઈ ને મારે કપડાં બદલવા બાથરૂમની જરૂર હતી. રાતના લગભગ 10:15 આસપાસ નીલમ લુત્ફ હોટલ પર વોશરૂમનો ઉપયોગ કરવા ગઈ, કારણ કે આ પહેલાં અમે ત્યાં વોશરૂમ વાપરવા ગયેલા. હું ત્યાં ગઈ, આ વોશરૂમ રેસ્ટોરન્ટ અંદર નહીં, પણ બહાર છે ત્યારે રેસ્ટોરન્ટના માલિકે ઉગ્રતાથી ના પાડી. સ્ટાફ પર્સને દરવાજો ખોલ્યા પછી પણ તેમણે ના પાડી. મેં રેસ્ટોરન્ટના માલિકને વિનંતી કરી, ત્યારે તેમણે મને બાથરૂમ વાપરવાની મંજૂરી આપવા સ્પષ્ટ ઇનકાર કર્યો. આ શબ્દો છે નંદિની નામની આર્કિટેક્ટ યુવતીના અને ઘટના બની એ સ્થળ એટલે ગુજરાત યુનિવર્સિટીના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પાસે. ‘આ ઘટના ખૂબ અસંવેદનશીલ અને અસ્વીકાર્ય છે’
આ મામલે નંદિની નીલમ લુત્ફ હોટલ સામે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં કરેલી અરજીમાં આગળ કહે છે કે વોશરૂમના ઉપયોગ કરવાનો ઇનકાર કર્યા બાદ મેં રેસ્ટોરન્ટના માલિકને પૂછ્યું કે બીજે ક્યાં જાઉં? તેમણે બાજુની ગલીમાં આવેલું પુરુષોનું વોશરૂમ બતાવ્યું. એ વખતે લોહી નીકળતું હતું અને અતિશય દુઃખી હતી. ખૂબ જ અપમાન અને ક્ષોભ અનુભવતા એ વખતે મને જરૂર હોવાથી મેં કોઈ મગજમારી ના કરતાં ત્યાં ગઈ, પણ એ ખૂબ જ ગંદું અને વાસ મારતું હતું, જેથી ત્યાં જવાની હિંમત ન થઈ. પછી હું માનવ મંદિર સામેના પેટ્રોલ પંપના વોશરૂમ ગઈ. આ ઘટનાને હું ખૂબ અસંવેદનશીલ અને અસ્વીકાર્ય માનું છું. કાયદા મુજબ, હોટલ-રેસ્ટોરન્ટમાં મહિલાઓ માટે બાથરૂમ જેવી પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ હોવી જોઈએ. જો એમ નથી, તો આ નીતિની સમીક્ષા થવી જોઈએ. આજે પણ સમાજમાં માસિકધર્મ અંગે જાહેરમાં વાત થઈ શકતી નથી. એક દીકરી કે મહિલા જ્યારે પણ પિરિયડ્સમાં આવે છે ત્યારે તે પરિવારમાં કે આસપાસના લોકોને આ વાત સહજતાથી કહેતાં ખચકાટ અનુભવે છે. આટલું જ નહીં, મેડિકલની દુકાને જ્યારે સેનિટરી પેડ લેવા જાય ત્યારે પણ તે શરમ અનુભવે છે. અમદાવાદમાં બનેલી આ ઘટના શરમજનક છે અને આપણી માનસિકતા છતી કરે છે. દેવીઓને પૂજતો દેશ કેટલો દંભમાં જીવે છે એનું આ ઉત્તમ ઉદાહરણ છે. આ ઘટના અંગે જાણવા દિવ્ય ભાસ્કરે નંદિની પાંડોર, પોલીસ અને લૉ એક્સપર્ટ સાથે વાતચીત કરી હતી, જોકે હોટલમાલિકનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો નહોતો. મહિલા ફરિયાદ કરવા ઈચ્છે તો પોલીસ ફરિયાદ નોંધશે: ડીસીપી-ઝોન-1
આ મામલે ઝોન-1 ડીસીપી બલરામ મીણાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે આ અંગે જે-તે સમયે મહિલાએ પોલીસને જાણ કરી હતી. મહિલા ફરિયાદ કરવા ઈચ્છે તો પોલીસ ફરિયાદ નોંધશે અને કાર્યવાહી કરશે. દિવ્ય ભાસ્કરે હોટલ નીલમ લુત્ફના માલિકનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ સંપર્ક થઈ શક્યો નથી. ત્યાર બાદ દિવ્ય ભાસ્કરે લુત્ફ રેસ્ટોરન્ટની મુલાકાત લીધી, પણ માલિક હાજર ના હોવાનું કાઉન્ટર પર બેઠેલી વ્યક્તિનું કહેવું હતું. તેમને આવી ઘટના બની હોવાનું ધ્યાને આવ્યાનું સ્વીકાર્યું હતું, જોકે પોતે એ સમયે હાજર ના હોવાનું પણ કહ્યું હતું. ના પાડનાર વ્યક્તિનો આ મામલો શાંત થયા બાદ યોગ્ય જવાબ માગવામાં આવશે, એમ પણ જણાવ્યું હતું. રેસ્ટોરન્ટમાં પ્રવેશતાં અંદર બેઠક વિસ્તાર અને બાદમાં કિચન છે. રેસ્ટોરન્ટમાં પ્રવેશતાં જમણી તરફ વળીને પાછળ ટોઇલેટ છે. રેસ્ટોરન્ટથી 400 મીટરના અંતરે આવેલું જાહેર શૌચાલય બંધ હાલતમાં
આ રેસ્ટોરન્ટથી લગભગ 400-500 મીટરના અંતરે જાહેર શૌચાલય આવેલું છે, પરંતુ દિવ્ય ભાસ્કર જ્યારે સાંજના સમયે ત્યાં પહોંચ્યું ત્યારે જાહેર શૌચાલય બંધ હતું. આમ, રેસ્ટોરન્ટે આ યુવતીનો વોશરૂમ યુઝ કરવાની ના પાડી તો બીજી બાજુ જાહેર શૌચાલય પણ બંધ હાલતમાં જોવા મળ્યું છે. ‘અમદાવાદમાં આ પ્રકારના માણસો છે’
જ્યારે નંદિની પાંડોરે કહ્યું હતું કે આ ઘટના પછી મને ઘણા સવાલો થયા છે. આ રીતે વોશરૂમના ઉપયોગ કરવા બાબતે ફરિયાદ કરવી પડે. સુરક્ષિત અને સારા ગણાતા ગુજરાત જેવા રાજ્યના અમદાવાદમાં આ પ્રકારના માણસો છે. કદાચ બધે આવા જ માણસો હશે. આ બાબતે આપણે કેમ અવાજ ઉઠાવી શકતા નથી? કેમ હું અવાજ ન ઉઠાવી શકી? પુરુષો તો ગમે ત્યાં જતા રહે અને તેમને ખાલી દીવાલ જ જોઇએ, આ ઘટના પછી આવું બોલવામાં મને કોઈ સંકોચ પણ થતો નથી. મહિલાઓ ક્યાં જાય? આ વાતનો ઉકેલ શું? મેં કોર્પોરેશનમાં અરજી પણ કરી છે. સેપ્ટ પાસે આવેલા AG ટીચર્સ પોલીસ સ્ટેશનમાંથી પણ ફોન આવ્યો અને લેખિતમાં ફરિયાદ લીધી, પરંતુ એ લોકોએ કહ્યું કે આ કોઈ ફિઝિકલ ક્રાઇમ નથી એટલે અમે કંઈ નહીં કરી શકીએ તમે AMCમાં ફરિયાદ કરો. મેં કહ્યું કશો વાંધો નથી. ‘મારો સવાલ હવે અહીં આવીને અટકી ગયો છે’
‘મોટા ભાગે દરેક માણસ વિચારતો હોય કે આપણે શું? તો પછી સુલભ શૌચાલયનો મતલબ શું છે? કાફે કે રેસ્ટોરન્ટ ઓનર્સ સામે પણ વાંધો નથી. આ બાબતે જાગૃતિ હોવી જોઇએ. મારો સવાલ હવે અહીં આવીને અટકી ગયો છે. મેં એપ્લિકેશન ફોર્વર્ડ કરી છે અને જવાબની રાહ જોઇશું.’ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં નંદિની પાંડોરે કહ્યું હતું કે જો આખી માનવજાતનો ઈતિહાસ જોઇએ તો કોઈ જ મુદ્દો નવી નવાઈનો નથી. નવું એ છે કે હવે તો આપણે જાણી લઈએ કે આપણે નબળા છીએ. આપણે આપણા અધિકારોને જાણતા નથી. સ્ત્રી-પુરુષને બાજુ પર રાખી દઈએ અત્યારે પણ એક મનુષ્ય તરીકેનો અધિકાર પણ નથી? આપણામાં કોઈપણ અન્યાય સામે અવાજ ઉઠાવવાની હિંમત નથી. લડવાની હિંમત નથી. માનસિક ગુલામી એટલી હદે વધી ગઈ છે કે ડરી ડરીને, બચી બચીને જીવી રહ્યા છીએ. ‘જાહેર-શૌચાલય સ્ત્રીઓ માટે વપરાશને યોગ્ય નથી હોતા’
ભારત વિકસિત દેશ છે. જાહેર વિજ્ઞાપનમાં સરકાર બતાવે છે કે હવે સ્વચ્છતા અને આરોગ્ય હેતુ ઘરે ઘરે શૌચાલય બનાવે છે અને જાહેર શૌચાલય સુવિધા ઊભી કરે છે, પરંતુ આવાં જાહેર-શૌચાલય કોઈ માટે, ખાસ કરીને સ્ત્રીઓ માટે વપરાશને બિલકુલ યોગ્ય નથી હોતા. ગુજરાતી ફિલ્મ ‘કરસનદાસ પે એન્ડ યુઝ’ હોય કે અક્ષય કુમારની ‘ટોઇલેટ એક પ્રેમકથા’ આ મુદ્દો ઉઠાવતી ફિલ્મો જોઈને મજા આવે, પણ આ બધું ફક્ત 1 મિનિટનું માનસિક ગૌરવ લેવાની વાત થઈ ગઈ છે. ‘લાશોના સમૂહ પર નાચતું અને પૈસા ખાતું તંત્ર છે’
‘લાશોના સમૂહ પર નાચતું, પૈસા ખાતું, લાલ લાઈટ નીકળે ત્યારે ટ્રાફિક બંધ રખાવતું તંત્ર. એ બધું તેમનો કીમતી સમય બચાવવાની વ્યવસ્થા છે, જેથી જાહેર જનતા માટે આટલા બધા સામૂહિક મડદાઓ માટે કંઇક કામ કરે. મને આ લખતી વખતે હસવું પણ આવે છે કે એક સામાન્ય વાત માટે વ્યવસ્થા નથી અને આપણે કઇ વાતનું ગૌરવ લઇ રહ્યા છીએ? ‘ આ મુદ્દે કેમ કોઈ અવાજ નથી ઉઠાવતા કે નથી અરજી આપતા?
‘આ બિલકુલ એવું છે કે ફિલ્મ ચાલુ થતાં પહેલાં “જન ગણ મન અધિનાયક જય હૈ” ગાતી વખતે રૂંવાડાં ઊભાં થઈ જાય, મારા દેશ માટે હું કંઈપણ કરી નાખીશ, પાકિસ્તાનમાં જઈને બોમ્બ ફોડવાના વિચાર આવે (દુશ્મનીમાં નામ પણ પાકિસ્તાનનું લઈએ તો કેટલી મજા પડી જાય છે) આ મુદ્દે કેમ કોઈ અવાજ નથી ઉઠાવતા કે નથી અરજી પણ આપતા? અથવા તો જાહેરનામું બહાર પાડી દેવું જોઇએ કે સ્ત્રીઓએ ઘરેથી શૌચ કરીને આવવું.’ ‘આપણે શું? એવું કહીને આ વાત પણ ટાળી જ શકાય, કેમ કે આપણે ગુલામ છીએ. મંદિરોના, અતિ ધાર્મિકતાના અને ફક્ત વાઇરલ રીલ પરની કોમેન્ટ ક્રાંતિના. સાધો યે મુર્દો કા ગાંવ નહીં, મુર્દો કા દેશ હૈ.’ નંદિની કહે છે કે કાયદાકીય રીતે જાહેર સ્થળે આવેલી રેસ્ટોરન્ટ અથવા કાફે કે જ્યાં ગ્રાહકો માટે બાથરૂમની સુવિધા છે, ત્યાં જો કોઈ વ્યક્તિ કસ્ટમર હોય કે નહીં, તેમના માટે બાથરૂમ ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવો અસંવેદનશીલ અને મહિલાઓના કિસ્સાઓમાં ગેરકાયદે હોઈ શકે? ‘આવું અપમાન ફરીથી કોઈને પણ ભોગવવું પડે’
તેઓ આગળ કહે છે, મને કાયદાકીય રીતે આ બાબતમાં કોઈ જ ખ્યાલ નથી. ઈન્ટરનેટ પર જોતાં આ બાબતની કોઈ સ્પષ્ટતા નથી. જો એવો કાયદો હોય કે તમે કોઈ કાફે અથવા રેસ્ટોરન્ટનું વોશરૂમ ના વાપરી શકો, એ કાયદાકીય રીતે અયોગ્ય હોય તોપણ સ્પષ્ટતા કરવા વિનંતી, પરંતુ જે ઘટના મારી સાથે બની એ માનવીય દૃષ્ટિકોણથી ખૂબ જ અસંવેદનશીલ ગણાય અને હું એક મહિલા તરીકે એવું બિલકુલ નથી ઈચ્છતી કે આવું અપમાન ફરીથી કોઈને પણ ભોગવવું પડે, જેથી હું આ બાબતની સ્પષ્ટતા માગું છું અને જો આ ક્યાંય ખોટું હોય તો ફરિયાદ નોંધાવવા માગું છું. શું કહે છે લો એક્સપર્ટ? બાર કાઉન્સિલના અનિલ કેલ્લા: રેસ્ટોરન્ટ એ એક પ્રાઇવેટ પ્રોપર્ટી છે, જેથી એના ઉપયોગનો અબાધિત હક તેના માલિકનો હોય છે, જેથી તે બહારની વ્યક્તિને ટોઇલેટ યુઝ કરતા રોકી શકે છે. હાઇકોર્ટના સિનિયર એડવોકેટ સુબ્રહ્મણ્યમ ઐયર: પ્રાઇવેટ પ્રોપર્ટીના રાઇટ્સ તેનો માલિક ભોગવે છે, જેથી તે પ્રાઇવેટ પ્રોપર્ટીનું ટોઇલેટ યુઝ કરતા રોકી શકે છે, જોકે મહિલા ત્યાં કસ્ટમર બનીને ગઈ હોત તો વગર કોઈ કારણે તેને ટોઇલેટ વાપરતા રોકી શકાય ન હોત. હાઇવે ઉપરની હોટલોમાં ટોઇલેટ હોટલ સાથે અટેચ હોતા નથી. એ હોટલની બહાર અલગથી હોય છે, એટલે તેના ઉપયોગ માટે કોઈ પરવાનગી લેતું નથી. શું કહે છે સરાય એક્ટ?
1867માં આવેલા ધ ઈન્ડિયન સરાય એક્ટ પ્રમાણે કોઈપણ હોટલ કે લોજમાં જઈને તમે ફ્રી પાણી કે બાથરૂમનો ઉપયોગ કરી શકો છો. જો તમે એના કસ્ટમર નથી તોપણ તમે આ સુવિધા લઈ શકો છો, જો હોટલમાલિક તમને આ માટે રોકે છે તો હોટલનું લાઇસન્સ કેન્સલ થવા સુધીની કાર્યવાહી પણ તેની સામે થઈ શકે છે, પરંતુ આ એક્ટ માત્ર હોટલ અને લોજને જ લાગુ પડે છે, રેસ્ટોરન્ટ અને ઈટરીઝને નહીં.